Dakshin Gujarat

ઇંગ્લિશ દારૂ ભરેલી ટ્રક હરિયાણાથી અંકલેશ્વર તરફ જઈ રહી હતી અને બની આ ઘટના

હથોડા: (Hathoda) હરિયાણાથી અંકલેશ્વર તરફ જઈ રહેલી ઇંગ્લિશ દારૂ (Alcohol) ભરેલી ટ્રકને (Truck) સુરત જિલ્લા તેમજ કોસંબા પોલીસની ટીમે (Police Team) સંયુક્ત રીતે ઝડપી પાડી છે. મોટી નરોલી ખાતે ટ્રકને આંતરી તપાસ કરતાં ઘઉંના ભૂસાની આડમાં રૂ. 25 લાખની કિંમતનો 444 પેટી ઈંગ્લીશ દારૂ મળી આવ્યો છે, જેમાં ડ્રાઈવર, ક્લીનરની ધરપકડ કરી અંકલેશ્વરના બે બુટલેગરોને વોન્ટેડ જાહેર કરાયાં છે.

  • અંકલેશ્વરના બે લિસ્ટેડ બુટલેગરોએ મંગાવેલા 25 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ ગઈ
  • કડોદરા પોલીસે બાતમી આપતાં કોસંબા પોલીસે મોટી નરોલી ખાતે વોચ ગોઠવી હતી
  • ઘઉંના ભૂસાની આડમાં દારૂની પેટી સંતાડેલી હતી: બેની ધરપકડ, અંકલેશ્વરના બે બુટલેગરો વોન્ટેડ

કોસંબા પોલીસને કડોદરાના પોલીસ કર્મચારીએ ફોન દ્વારા જાણકારી આપી હતી કે ઇંગ્લિશ દારૂ ભરેલી આરજે 32 જીએ 5956 નંબરની ટ્રક કામરેજ ટોલનાકા પાસેથી પસાર થઈ રહી છે અને અંકલેશ્વર તરફ જઈ રહી છે. જેથી કોસંબા પોલીસ મથકના પીઆઇ એચ બી ગોહિલ અને પાલોદ પોલીસ ચોકીના પીએસઆઇ મૂળિયાએ કોસંબા પોલીસ મથક હદ વિસ્તારમાંથી ટ્રક છટકી નહીં જાય તે માટે તાત્કાલિક મોટી નરોલી હાઇવે પર વોચ ગોઠવી દેતાં ઉપરોક્ત નંબરની ટ્રક આવતા તેને થોભાવી તપાસ કરતાં ઘઉંના ભુસાની ગુણોની આડમાં ટ્રકમાંથી 444 ઇંગ્લીશ દારૂની પેટી ઝડપાઈ જવા પામી હતી.

25 લાખ રૂપિયાના દારૂ તેમજ ટ્રક સહિત રૂપિયા 46 લાખનો મુદ્દા માલ કબજે કરીને ટ્રકના ડ્રાઇવર હરદયાલ સિંહ નારાયણ સિંહ રાજપુત (રહેવાસી રાજસ્થાન) અને ટ્રક ક્લીનર કુશલ સિંહ રાજપુત (રહેવાસી રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. જ્યારે માલ મંગાવનાર લિસ્ટેડ બુટલેગર જીગ્નેશ કિરીટ પરીખ (રહેવાસી અંકલેશ્વર) તેમજ દિવ્યેશ કાલરીયા નામના બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યા છે. કહેવાય છે કે અંકલેશ્વરના લિસ્ટેડ બુટલેગર જીગ્નેશ કિરીટ પરીખ મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂનો વેપલો કરીને વિસ્તારમાં ઇંગ્લિશ દારૂની રેલમછેલ કરી રહ્યો છે.

પારડી હાઇવે પર XUVના ચોરખાનામાંથી દારૂનો જથ્થો ઝડપાયો
પારડી : પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન મળેલી બાતમીના આધારે મોતીવાડા હાઇવે પરથી પોલીસે કારમાંથી દારૂનો જથ્થો સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો. પારડી નેહાનં. 48 મોતીવાડા હાઇવે બ્રિજ ઉપર દમણથી xuv કાર આવતા પોલીસે રોકી હતી. જેમાં તપાસ કરતા ચોરખાનામાં દારૂની બોટલ નંગ 92 જેની કિં.રૂ.49,600 નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારની કિં.રૂ. 3 લાખ, મોબાઈલ સહિત કુલ રૂ.3.54 લાખનો મુદ્દામાલ કબજે કરી કારચાલક જૈનેશ મુકેશ પટેલ (રહે. ભરૂચ)ને ઝડપી પાડ્યો હતો. આ દારૂનો જથ્થો મયુર આહીર (રહે. ભીમપોર દમણ)એ કોસ્ટેલ હાઇવે પર કારમાં દારૂ ભરીને આપ્યો હોવાની કબુલાત કરતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે પ્રોહિ.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top