National

બકરી ઈદ છતાં અજમેરમાં શેરીઓ સૂમસામ, દરગાહમાં શ્રદ્ધાળુઓ આવી રહ્યાં નથી…

અજમેર: અજમેરના (Ajmer) કેટલાક ખાદીમો દ્વારા આપવામાં આવી રહેલા વિવાદાસ્પદ નિવેદનોની અસર હવે સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન હસન ચિશ્તીની દરગાહમાં ઝિયારત માટે આવતા શ્રદ્ધાળુઓ પર પડી રહી છે. ઈદ-ઉલ-અદહાના અવસર પર પણ દરગાહની શેરીઓ સૂમસાન જોવા મળી હતી. એક તરફ પાછલા વર્ષોમાં ઈદ નિમિત્તે દરગાહ બજારમાં આવવા-જવામાં મુશ્કેલી પડતી હતી. ત્યારે આજના સમયે, યાત્રાળુઓની સંખ્યા મર્યાદિત થઈ ગઈ છે. કોરોના સમયગાળા પહેલાની વાત કરીએ તો ઈદના અવસર પર હજારો શ્રદ્ધાળુઓ અજમેરમાં સૂફી સંત ખ્વાજા મોઈનુદ્દીન હસન ચિશ્તીની દરગાહ પર ઝિયારત માટે પહોંચતા હતા, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આ બધા પાછળ અજમેરના કેટલાક ખાદિમોનો વાયરલ વીડિયો કારણભૂત હોવાનું માનવામાં આવે છે.

આ સિવાય અજમેરની તમામ હોટલો પણ ખાલી જોવા મળી છે. હોટલોમાં માત્ર થોડા જ રૂમ ભરેલા છે. જેના કારણે હોટલ માલિકોનો ખર્ચ પણ બહાર આવી શકતો નથી. દરગાહ માર્કેટમાં ગુલાબના ફૂલની દુકાનો પણ ખાલીખમ છે. યાત્રિકોની સંખ્યા અચાનક ઘટી જવાથી વેપારીઓ હેરાન થઈ ગયા છે. મળતી માહિતી મુજબ દરગાહ માર્કેટ વિસ્તારમાં કારોબાર લગભગ 70 ટકા ઘટી ગયો છે. આ બધા પાછળ અજમેરના કેટલાક ખાદિમોનો વાયરલ વીડિયો કારણભૂત હોવાનું માનવામાં આવે છે.

જણાવી દઈએ કે ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ એક ટીવી ડિબેટમાં મહંમદ પયંગબર વિશે કરેલી આપત્તિજનક ટીપ્પણી બાદ દેશભરમાં કોમી વાતાવરણ ડહોળાયું છે. તેમાંય નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનાર ઉદયપુરના દરજી કનૈયાલાલની હત્યા બાદ તો વાતાવરણ વધુ તંગ બન્યું છે. તેમાંય અજમેરની દરગાહના ખાદિમે નુપૂર શર્માનું માથું વાઢી લાવનારને પોતાનું ઘર ઈનામ રૂપે આપવાની જાહેરાત કરી આગમાં ઘી હોમ્યું હતું. વીતેલા એક મહિનામાં એક બાદ એક કોમવાદને ઉત્તેજન આપનારી ઘટનાઓના લીધે બકરી ઈદના તહેવારમાં પણ અજમેરની શેરીઓ સૂમસામ ભાસી રહી છે. દર વર્ષે અજમેરમાં બકરી ઈદના નિમિત્તે ખૂબ મોટી સંખ્યામાં દેશભરમાંથી મુસ્લિમો ઝીયારત માટે આવતા હોય છે, પરંતુ આ વર્ષે શેરી, મહોલ્લા, દરગાહ ખાલી દેખાઈ રહ્યાં છે.

Most Popular

To Top