ચીન એઆઈ, સોલર પાવર, બાયોટેકનોલોજી સહિત 14 ટેકનોલોજી ક્ષેત્રોની 26 પ્રોડક્ટની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે ચીનના વેપાર અને વિજ્ઞાન વિભાગે સંયુક્ત રીતે એક ડ્રાફ્ટ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવનો હેતુ દેશ માટે વ્યૂહાત્મક રીતે મહત્ત્વની ટેકનોલોજી પર નિયંત્રણ જાળવી રાખવાનો છે. જો આ પ્રસ્તાવ અમલમાં આવે તો અમેરિકન અને ભારતીય ટેકનોલોજી કંપનીઓ સહિત વૈશ્વિક બજાર પર તેની અસર પડી શકે છે.
ચીનની સરકારના પ્રસ્તાવમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), સોલર પાવર, બાયોટેકનોલોજી, જીન થેરપી અને સ્ટેમ સેલ જેવી અદ્યતન ટેકનોલોજીનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રોમાં વિકસાવવામાં આવેલી કેટલીક પ્રોડક્ટ અને ટેકનોલોજીની નિકાસ અટકાવીને તેને ચીનના રાષ્ટ્રીય હિતમાં ઉપયોગમાં લેવાનો વિચાર છે. પ્રસ્તાવિત નિયંત્રણો હેઠળ એઆઈ ચિપથી લઈને ફ્લેશ મેમરી જેવી મહત્ત્વની ટેકનોલોજી પ્રોડક્ટનો પણ સમાવેશ થઈ શકે છે. ચીને આ પ્રસ્તાવ અંગે આગામી એક મહિના સુધી લોકો પાસેથી અભિપ્રાય મંગાવ્યા છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી મળેલા સૂચનોના આધારે અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે. પ્રસ્તાવ મુજબ, ચીન આવતા વર્ષના જાન્યુઆરીથી આ નિકાસ નિયંત્રણો લાગુ કરવાની યોજના ધરાવે છે. જોકે, અંતિમ યાદી અને અમલની તારીખ સરકારના અંતિમ નિર્ણય પર નિર્ભર રહેશે.
ચીન અગાઉ પણ દુર્લભ ખનીજ એટલે કે રેર અર્થ મિનરલ્સની નિકાસ પર નિયંત્રણો લાદીને વૈશ્વિક ટેકનોલોજી ઉદ્યોગનું ધ્યાન ખેંચી ચૂક્યું છે. આ ખનીજોનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિક વાહનો, બેટરી, સેમિકન્ડક્ટર અને અન્ય અદ્યતન ટેકનોલોજી પ્રોડક્ટના ઉત્પાદનમાં થાય છે. આ ક્ષેત્રોમાં ચીનની મજબૂત સ્થિતિને કારણે નિકાસ નિયંત્રણોની અસર અન્ય દેશોના ઉત્પાદકો પર પડી શકે છે. હવે નવી ટેકનોલોજી પ્રોડક્ટની નિકાસ પર નિયંત્રણો મૂકવાનો પ્રસ્તાવ પણ વૈશ્વિક સપ્લાય ચેઇન માટે મહત્વનો બની શકે છે. અનેક દેશોની કંપનીઓ ચીનમાંથી મળતા કાચા માલ, ઘટકો અને ટેકનોલોજી પર નિર્ભર છે. જો એઆઈ ચિપ, મેમરી અને અન્ય અદ્યતન પ્રોડક્ટની નિકાસ મર્યાદિત થાય તો કેટલીક કંપનીઓને વૈકલ્પિક સપ્લાયર શોધવા, ઉત્પાદન ખર્ચમાં ફેરફાર કરવા અને સપ્લાય ચેઇન ફરી ગોઠવવાની જરૂર પડી શકે છે.
ભારત માટે પણ આ સ્થિતિ મહત્વની છે. દેશના સેમિકન્ડક્ટર, સોલર એનર્જી, ઇલેક્ટ્રોનિક્સ અને બાયોટેકનોલોજી ક્ષેત્રો વૈશ્વિક સપ્લાય ચેઇન સાથે જોડાયેલા છે. ચીન તરફથી નિકાસ પર નિયંત્રણો લાગુ થાય તો સંબંધિત પ્રોડક્ટની ઉપલબ્ધતા અને કિંમત પર અસર થવાની શક્યતા છે. બીજી તરફ, વૈશ્વિક કંપનીઓ ચીન પરની નિર્ભરતા ઘટાડવા માટે અન્ય દેશોમાં ઉત્પાદન અને રોકાણ વધારવાનો વિચાર કરી શકે છે. આવી સ્થિતિમાં ભારતને તક મળી શકે છે, પરંતુ તેનો લાભ લેવા માટે સ્થાનિક ઉત્પાદન ક્ષમતા અને ટેકનોલોજીમાં રોકાણ વધારવું જરૂરી રહેશે. ચીનનો આ પ્રસ્તાવ હજી અંતિમ નિર્ણય સુધી પહોંચ્યો નથી. તેથી 14 ક્ષેત્રોની 26 પ્રોડક્ટ પર કયા પ્રકારનાં નિયંત્રણો લાગશે, કઈ કંપનીઓ પર તેની અસર થશે અને તે કેટલા વ્યાપક હશે તે અંગે અંતિમ નિયમો જાહેર થયા પછી જ સ્પષ્ટતા થશે.
મેટાના સ્માર્ટ ગ્લાસિસમાં પ્રાઈવસીને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. માર્ક ઝકરબર્ગની કંપની મેટા દ્વારા લોન્ચ કરવામાં આવેલા સ્માર્ટ ગ્લાસિસમાં યુઝરની જાણ બહાર વાતચીત રેકોર્ડ થતી હોવાની ફરિયાદો સામે આવી છે. કેટલાક યુઝર્સે દાવો કર્યો છે કે તેઓએ ‘હે મેટા’ કહીને એઆઈ આસિસ્ટન્ટને સક્રિય ન કર્યો હોવા છતાં તે આપમેળે ચાલુ થઈ જાય છે. એટલું જ નહીં, તેમની સામાન્ય વાતચીતના ઓડિયો રેકોર્ડિંગ અને તેના ટ્રાન્સક્રિપ્ટ મેટા એઆઈ એપમાં જોવા મળ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. એક યુઝરે સોશિયલ મીડિયા પર આ સમસ્યા અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે મેટા સ્માર્ટ ગ્લાસિસની બીજી અને ત્રીજી પેઢીનાં મોડલમાં આવી સમસ્યા જોવા મળી છે. કેટલાક યુઝર્સની સામાન્ય વાતચીતના ટ્રાન્સક્રિપ્ટ એપની હિસ્ટ્રીમાં દેખાયા હોવાની ફરિયાદો કરવામાં આવી છે. યુઝર્સના જણાવ્યા અનુસાર, એઆઈ આસિસ્ટન્ટને જાતે સક્રિય કર્યા વિના પણ તે ચાલુ થઈ જતું હોવાની ઘટનાઓ સામે આવી છે. જોકે, આ ફરિયાદો અંગેની વિગતોના આધારે તમામ ઉપકરણોમાં આવી સમસ્યા છે એવું કહી શકાય નહીં.
મેટાના સ્માર્ટ ગ્લાસિસમાં કેમેરા, માઇક્રોફોન અને એઆઈ આસિસ્ટન્ટ જેવી સુવિધાઓ આપવામાં આવી છે. આ ચશ્માંની મદદથી યુઝર્સ હાથનો ઉપયોગ કર્યા વિના ફોટા અને વીડિયો લઈ શકે છે. સાથે જ વોઇસ કમાન્ડ દ્વારા એઆઈ આસિસ્ટન્ટ સાથે વાતચીત પણ કરી શકે છે. આ સુવિધાઓ રોજિંદા જીવનમાં ઉપયોગી બની શકે છે, પરંતુ ઉપકરણ પોતાની મેળે સક્રિય થઈને વાતચીત રેકોર્ડ કરે તો યુઝર્સની અંગત માહિતીની સુરક્ષા સામે સવાલો ઊભા થાય છે. સ્માર્ટ ગ્લાસિસમાં માઇક્રોફોન અને એઆઈ આસિસ્ટન્ટ સતત ઉપયોગ માટે તૈયાર રહેતાં હોવાથી ક્યારે અને કઈ સ્થિતિમાં રેકોર્ડિંગ શરૂ થાય છે તે અંગે યુઝર્સમાં ચિંતા વધી છે. ખાસ કરીને પરિવાર સાથેની ખાનગી વાતચીત, કામકાજ દરમિયાન થતી ચર્ચાઓ અથવા જાહેર સ્થળોએ કરવામાં આવતી વાતચીતનો રેકોર્ડ એપમાં દેખાય તો તેની પ્રાઈવસી પર અસર થઈ શકે છે. આથી સ્માર્ટ ગ્લાસિસનો ઉપયોગ કરતી વખતે રેકોર્ડિંગ અને ડેટા સ્ટોરેજ કેવી રીતે કામ કરે છે તે સમજવું જરૂરી બન્યું છે.