બોલિવુડ અભિનેતા આમિર ખાનના ભાણિયા અને અભિનેતા ઇમરાન ખાનને ભારત છોડવાની નોટિસ મળ્યા બાદ ફિલ્મજગતમાં ચર્ચા શરૂ થઈ છે. આ મામલે આમિર ખાનની પૂર્વ પત્ની અને ફિલ્મ નિર્માતા કિરણ રાવે પ્રતિક્રિયા આપતાં મુંબઈ પોલીસની કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા છે. કિરણ રાવે સોશિયલ મીડિયા પર ઇમરાન ખાનને લગતા સમાચાર શેર કરીને લખ્યું, ‘વાહ! હવે મુંબઈ પોલીસ પણ?’ તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક પછી એક ચાર સ્ટોરી શેર કરી હતી, જેમાં ઇમરાન ખાનને મળેલી નોટિસ ઉપરાંત દિલ્હી પોલીસની કાર્યવાહી અને અંકિતા ભંડારીનાં માતા-પિતાને લગતી ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. કિરણ રાવે દિલ્હી પોલીસની કાર્યવાહી સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે શેર કરેલા એક વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલા પોલીસકર્મીઓએ પ્રદર્શનકારીઓ સાથે મારપીટ કરી હતી અને તેમના વાળ ખેંચ્યા હતા. આ વીડિયો સાથે કિરણ રાવે વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા જતા મિત્રોની કાળજી રાખવાની અપીલ કરી હતી. તેમણે પોલીસની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરતાં તેને શરમજનક ગણાવી હતી.
આ ઉપરાંત, કિરણ રાવે દિલ્હી પોલીસ અંકિતા ભંડારીનાં માતા-પિતાને ઇન્ડિયા ગેટ પરથી હટાવતી હોવાનો વીડિયો પણ શેર કર્યો હતો. આ ઘટના અંગે તેમણે દુઃખ વ્યક્ત કર્યું હતું. આમ, ઇમરાન ખાનને મળેલી નોટિસ ઉપરાંત અન્ય મુદ્દાઓ પરની તેમની પ્રતિક્રિયાઓ પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે. ઇમરાન ખાનને 10 ઓક્ટોબરે ક્રાંતિ મેદાનમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધા બાદ અટકાયતમાં લેવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. આ ઘટનાક્રમ વચ્ચે ભાજપના નેતા કિરીટ સોમૈયાએ મુંબઈ પોલીસને ઇમરાન ખાનની નાગરિકતા અને વિરોધ પ્રદર્શનમાં તેમની ભાગીદારીની તપાસ કરવાની અપીલ કરી હતી. સોમૈયાના દાવા મુજબ, ઇમરાન પાસે ભારતીય નાગરિકતા નથી. ત્યારબાદ મુંબઈ પોલીસે ઇમરાન ખાનને ભારત છોડવાની નોટિસ મોકલી હોવાનું જણાવાયું છે. આ નોટિસમાં તેમને 28 ઓક્ટોબર સુધીનો સમય આપવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી બાદ ઇમરાન ખાનના ભારતમાં લાંબા સમયથી રહેવા અને તેમની નાગરિકતાને લગતા મુદ્દાઓ ચર્ચામાં આવ્યા છે.
ઇમરાન ખાનની કાનૂની ટીમે મુંબઈ પોલીસની નોટિસને બૉમ્બે હાઈ કોર્ટમાં પડકારવાની તૈયારી દર્શાવી છે. તેમના વકીલો જુલ્ફિકર મેમન, પરવેઝ મેમન અને ચિરાગ નાઈકે નોટિસ સામે અરજી કરીને તાત્કાલિક સુનાવણીની માગ કરવાની તૈયારી દર્શાવી હોવાનું જણાવાયું છે. કાનૂની ટીમનો દાવો છે કે ઇમરાન ખાને લાગુ પડતી કોઈ શરતનો ભંગ કર્યો નથી. વકીલોએ નોટિસમાં ઇમિગ્રેશન એન્ડ ફૉરેનર્સ ઍક્ટ, 2025ની કઈ જોગવાઈનો ભંગ થયો છે તે સ્પષ્ટ કરવામાં આવ્યું ન હોવાનો પણ મુદ્દો ઉઠાવ્યો છે. હવે ઇમરાન ખાનની કાનૂની ટીમ કોર્ટમાં કયા આધાર પર નોટિસને પડકારે છે અને અદાલત આ મામલે શું વલણ અપનાવે છે તેના પર સૌની નજર રહેશે.