જર્મનીના બોખુમ શહેરમાં રહેણાક ઇમારતમાં આગ લાગવાની ઘટનામાં ત્રણ ભારતીય વિદ્યાર્થીઓનાં મોત થતાં શોકની લાગણી ફેલાઈ છે. મૃતકોમાં 25 અને 27 વર્ષની બે યુવતીઓ તથા 26 વર્ષનો એક યુવક સામેલ છે. આ દુર્ઘટનામાં અન્ય પાંચ લોકો પણ ઘાયલ થયા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે હત્યાની આશંકા હેઠળ 41 વર્ષના એક રોમાનિયન નાગરિકની ધરપકડ કરી છે. જોકે, આગ કયા કારણોસર લાગી અને આ ઘટનામાં ધરપકડ કરાયેલા શખસની શું ભૂમિકા છે તે હજુ સ્પષ્ટ થયું નથી. આ ઘટના જર્મનીના નોર્થ રાઇન-વેસ્ટફેલિયા રાજ્યના બોખુમ શહેરમાં બની હતી. રહેણાક ઇમારતમાં આગ લાગ્યાની જાણ થતાં જ અગ્નિશમન દળની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવ કામગીરી દરમિયાન ઇમારતના બીજા માળે આવેલા એક મકાનમાંથી ત્રણ ભારતીય વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવ્યા હતા. ત્રણેય જર્મનીમાં અભ્યાસ કરી રહ્યા હતા. જોકે, મૃતકોનાં નામ અને તેઓ ભારતના કયા રાજ્ય કે શહેરના રહેવાસી હતા તેની વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી.
આગને કારણે ઇમારતમાં ધુમાડો ફેલાઈ જતાં અન્ય પાંચ લોકોની તબિયત પણ લથડી હતી. તેમને શ્વાસ લેવામાં તકલીફ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘાયલ થયેલા લોકોની નાગરિકતા અને તેમની હાલત અંગેની વિસ્તૃત માહિતી હજુ સામે આવી નથી. રહેણાક ઇમારતમાં લાગેલી આગે ત્રણ યુવાન ભારતીય વિદ્યાર્થીઓનો જીવ લીધો હોવાથી વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને પણ ચિંતા ઊભી થઈ છે. પોલીસે આ ઘટનાની તપાસ દરમિયાન 41 વર્ષના એક રોમાનિયન નાગરિકની ધરપકડ કરી છે. તેની ધરપકડ હત્યાની આશંકા હેઠળ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, તેની સામેના ચોક્કસ આરોપો, આગની ઘટના સાથેનો તેનો સંબંધ અને ત્રણેય વિદ્યાર્થીઓનાં મોત પાછળ કોઈ ગુનાહિત કૃત્ય જવાબદાર છે કે નહીં તે અંગે હજુ અંતિમ નિષ્કર્ષ સામે આવ્યો નથી. આગ અકસ્માતે લાગી હતી કે જાણીજોઈને લગાડવામાં આવી હતી તે જાણવા માટે તપાસ ચાલી રહી છે.
દરમિયાન, બર્લિન સ્થિત ભારતીય દૂતાવાસે આ દુર્ઘટના અંગે માહિતી આપતાં જણાવ્યું છે કે જર્મનીમાં ભારતીય દૂતાવાસ અને ફ્રેન્કફર્ટ સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસ સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છે. મૃતક વિદ્યાર્થીઓના પરિવારો સાથે પણ સંપર્ક જાળવી રાખવામાં આવ્યો છે અને તેમને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. ત્રણ યુવાન વિદ્યાર્થીઓનાં મોતથી તેમના પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. હાલ જર્મન સત્તાવાળાઓ આગ લાગવાનું કારણ, વિદ્યાર્થીઓનાં મોતના સંજોગો અને ધરપકડ કરાયેલા શખસની સંભવિત ભૂમિકાની તપાસ કરી રહ્યા છે. તપાસ પૂર્ણ થયા બાદ જ આ દુર્ઘટના પાછળનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે.