Vadodara

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવા બોર્ડની રચનાની પ્રક્રિયા તેજ: ભાજપના ૧૨ ઉમેદવારોનાં ફોર્મ મંજૂર​

સયાજીરાવ સભાગૃહમાં ચકાસણી પૂર્ણ; ૧૫ દિવસમાં ગેઝેટમાં નામો પ્રસિદ્ધ થયા બાદ નવા ચેરમેનની પસંદગી પર સૌની નજર

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવા બોર્ડની રચનાની કવાયત હવે આખરી તબક્કામાં પહોંચી છે. તાજેતરમાં ઉમેદવારો દ્વારા દાખલ કરવામાં આવેલાં ઉમેદવારી ફોર્મની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાના સયાજીરાવ સભાગૃહ ખાતે ચૂંટણી અધિકારીની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં આ ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં ભાજપના અધિકૃત મેન્ડેટ સાથે ફોર્મ ભરનારા તમામ ૧૨ ઉમેદવારોનાં ઉમેદવારી પત્રો માન્ય ઠર્યાં છે.
​ચકાસણીની કામગીરી દરમિયાન ઉમેદવાર કેવલ વ્યાસનું ફોર્મ દરખાસ્ત કરનાર અને ટેકેદાર તરીકે કાઉન્સિલરની જરૂરી સહી કરાવવાના પ્રશ્ને મંજૂર થઈ શક્યું ન હોવાનું સામે આવ્યું છે. આ વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે ભાજપના તમામ ૧૨ મંજૂર થયેલા ઉમેદવારોની યાદી રાજ્ય સરકારને આખરી મંજૂરી અર્થે મોકલી આપવામાં આવશે.
​સરકાર દ્વારા આગામી ૧૫ દિવસની અંદર આ તમામ મંજૂર થયેલા સભ્યોનાં નામ અધિકૃત ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવે તેવી વહીવટી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સરકારી ગેઝેટમાં નામોની સત્તાવાર જાહેરાત થઈ ગયા બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવા બોર્ડના ચેરમેનની પસંદગી માટેની આગળની વૈધાનિક પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ગેઝેટ નોટિફિકેશન બાદ શિક્ષણ સમિતિના નવા બોર્ડનું વિધિવત ગઠન થશે અને સમિતિની કમાન કોના હાથમાં સોંપાશે તેમજ નવા ચેરમેન તરીકે કોની પસંદગી થશે તેના પર હવે સૌની નજર મંડાયેલી છે.

Most Popular

To Top