ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું છે. કુલ 44 બેઠકોમાંથી ભાજપે 38 બેઠકો પર વિજય મેળવી સતત ત્રીજી વખત મહાનગરપાલિકામાં સત્તા મેળવી છે. કોંગ્રેસે 5 બેઠકો જીતીને પોતાની હાજરી નોંધાવી છે, જ્યારે એક બેઠક અપક્ષ ઉમેદવારના ફાળે ગઈ છે. આમ આદમી પાર્ટી એકપણ બેઠક જીતી શકી નથી. ચૂંટણીનાં પરિણામોમાં વોર્ડ નંબર 6 સૌથી વધુ ચર્ચામાં રહ્યો છે. અહીં કોંગ્રેસે ચારેય બેઠકો પર જીત મેળવીને ભાજપની પેનલને હરાવી છે. બીજી તરફ વોર્ડ નંબર 2માં ભાજપના ત્રણ ઉમેદવારો વિજયી બન્યા છે, જ્યારે એક બેઠક અપક્ષ ઉમેદવાર દીપિકાબા વાઘેલાએ જીતી છે. વોર્ડ નંબર 7માં ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક ઉમેદવારને જીત મળી છે.
વોર્ડ નંબર 6માં કોંગ્રેસની પેનલની જીત બાદ પક્ષના કાર્યકરો અને ઉમેદવારોએ ઉજવણી કરી હતી. બીજી તરફ ભાજપે આ વોર્ડમાં હાર સ્વીકારી હતી. વોર્ડ નંબર 10માં ભાજપની પેનલનો વિજય થયો હતો. આ વોર્ડમાંથી પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જશવંત પટેલ સહિતના ઉમેદવારોએ જીત મેળવી હતી. વોર્ડ નંબર 11માં પણ ભાજપની પેનલ વિજયી બની હતી. વોર્ડ નંબર 2માં ભાજપના ઉમેદવાર દીપ્તિબેન મનીષભાઈ પટેલની હાર બાદ તેમની તબિયત લથડી હતી. થોડો સમય આરામ કર્યા બાદ તેઓ બહાર આવ્યાં હતાં. આ વોર્ડમાં સામાન્ય વર્ગની મહિલા અનામત બેઠક પર અપક્ષ ઉમેદવાર દીપિકાબા વાઘેલાની જીત નોંધાઈ હતી. વોર્ડ નંબર 11માં કોંગ્રેસનાં ઉમેદવાર જ્યોત્સનાબેન સોલંકીએ મહિલા અનામત બેઠકની ચૂંટણી પ્રક્રિયા સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમનો આક્ષેપ હતો કે મહિલા અનામત બેઠક પર મહિલા ઉમેદવારને જ વિજેતા જાહેર કરવા જોઈએ. આ મુદ્દે તેમણે કલેક્ટરને રજૂઆત કરી હોવા છતાં કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો દાવો કર્યો હતો. તેમણે ભાજપના ઉમેદવારને મળેલા આશરે 9 હજાર મતનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ અંગેનો અંતિમ નિર્ણય સંબંધિત સત્તાધિકારીઓની પ્રક્રિયા પર નિર્ભર રહેશે.
ગાંધીનગર મહાનગરપાલિકાની સ્થાપના બાદ યોજાયેલી ચૂંટણીમાં અલગ-અલગ સમયે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી જોવા મળી હતી. વર્ષ 2011ની પ્રથમ ચૂંટણીમાં 33 બેઠકોમાંથી કોંગ્રેસે 18 બેઠકો જીતીને સત્તા મેળવી હતી, જ્યારે ભાજપને 15 બેઠકો મળી હતી. જોકે, બાદમાં રાજકીય સમીકરણોમાં ફેરફાર થતાં ભાજપે સત્તા મેળવી હતી. વર્ષ 2016ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંનેને 16-16 બેઠકો મળી હતી. પરિણામે બંને પક્ષો વચ્ચે સમાન બેઠકોનો જંગ રહ્યો હતો અને ત્યારબાદ લોટરી પ્રક્રિયા દ્વારા ભાજપના મેયરની પસંદગી થઈ હતી. આ રીતે ભાજપે સત્તા જાળવી રાખી હતી. વર્ષ 2021ની ચૂંટણીમાં ભાજપે 44માંથી 41 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 2 બેઠકો મળી હતી, જ્યારે પ્રથમ વખત મેદાનમાં ઉતરેલી આમ આદમી પાર્ટીને એક બેઠક મળી હતી. તે સમયે ભાજપનો વોટ શેર 46.49 ટકા, કોંગ્રેસનો 20.02 ટકા અને આપનો 21.77 ટકા રહ્યો હતો.
હવે 2026ની ચૂંટણીમાં ભાજપે 44માંથી 38 બેઠકો જીતીને સત્તા જાળવી રાખી છે. જોકે, આ વખતે કોંગ્રેસે પોતાની બેઠકોમાં વધારો કર્યો છે અને વોર્ડ નંબર 6માં ચારેય બેઠકો જીતીને નોંધપાત્ર પરિણામ મેળવ્યું છે. અપક્ષ ઉમેદવારે પણ એક બેઠક જીતીને મનપામાં પ્રવેશ કર્યો છે. બીજી તરફ આમ આદમી પાર્ટી આ ચૂંટણીમાં એકપણ બેઠક મેળવી શકી નથી. ચૂંટણી દરમિયાન વિવિધ વોર્ડમાં મતગણતરીને લઈને રસાકસી જોવા મળી હતી. કેટલાક વોર્ડમાં શરૂઆતના રાઉન્ડમાં ઉમેદવારો વચ્ચે નજીકની ટક્કર હતી, જ્યારે અંતિમ પરિણામોમાં અનેક વોર્ડમાં ભાજપની પેનલનો વિજય થયો હતો. પરિણામ જાહેર થયા બાદ ભાજપના વિજેતા ઉમેદવારોએ મતદારોનો આભાર માન્યો હતો અને કાર્યકરોએ ઉજવણી કરી હતી. ગાંધીનગર મનપાની આ ચૂંટણીમાં ભાજપે બહુમતી સાથે સત્તા જાળવી રાખી છે, જ્યારે કોંગ્રેસે પાંચ બેઠકો મેળવીને પોતાની હાજરી મજબૂત કરી છે. વોર્ડ નંબર 6નું પરિણામ અને વોર્ડ નંબર 2માં અપક્ષ ઉમેદવારની જીત આ ચૂંટણીનાં નોંધપાત્ર પરિણામો રહ્યાં છે.