National

એર ઈન્ડિયાની ફ્લાઈટમાંથી હાઈજેકની ચેતવણી: જર્મની-દિલ્હી ફ્લાઈટનું જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ

ફ્રેન્કફર્ટથી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-2030 એ બુધવારે સવારે જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. અહેવાલો અનુસાર, અમદાવાદ એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને ફ્લાઈટ તરફથી હાઈજેકનો સંકેત મળ્યો હતો. જયપુર એરપોર્ટ પર વિમાનની તપાસ બાદ મુસાફરો બપોરે 2:24 વાગ્યે તે જ વિમાનમાં દિલ્હી જવા રવાના થયા હતા.

આ માહિતી જયપુર ATC દ્વારા આપવામાં આવી હતી. ચેતવણી મળ્યાના લગભગ 45 મિનિટ બાદ સવારે 9:45 વાગ્યે વિમાન જયપુરમાં ઉતર્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ચેતવણીનો સંદેશ પાયલટની ભૂલને કારણે મોકલવામાં આવ્યો હતો. જોકે પૂછપરછ દરમિયાન પાયલટે દાવો કર્યો હતો કે તેમાં તેની કોઈ ભૂલ નહોતી.

FlightRadar24 મુજબ વિમાને 13 ઓક્ટોબરે રાત્રે 9:45 વાગ્યે ફ્રેન્કફર્ટથી ઉડાન ભરી હતી. તે 14 ઓક્ટોબરે સવારે 10:40 વાગ્યે દિલ્હી પહોંચવાનું હતું પરંતુ તેને જયપુર તરફ વાળવામાં આવ્યું હતું. લગભગ સાડા ચાર કલાકની તપાસ બાદ વિમાન બપોરે 2:24 વાગ્યે દિલ્હી જવા રવાના થયું હતું.

30 સપ્ટેમ્બરના રોજ ઈઝરાયેલ જઈ રહેલી ફ્લાયદુબઈ (FlyDubai) ની ફ્લાઈટમાંથી પણ હાઈજેકનો સંકેત (કોડ 7500) મોકલવામાં આવ્યો હતો. તે કિસ્સામાં પાયલટે વિમાનને હાઈજેક કરીને ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ભારતીય સહ-પાયલટ (કો-પાયલટ) કેપ્ટન સ્મિત મચ્છરે તેને અટકાવ્યું હતું.

DGCA સમગ્ર ઘટનાની તપાસ કરશે
સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ બાદ વિમાનના મેન્ટેનન્સ એન્જિનિયરોને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા. હવે DGCA સમગ્ર મામલાની તપાસ કરશે. ત્યારબાદ જ સ્પષ્ટ થશે કે કોણે અને કયા સંજોગોમાં ‘7500’ હાઈજેક કોડ સક્રિય કર્યો હતો.

દાવો: પાયલટે એલર્ટ બટન દબાવવાનો ઈન્કાર કર્યો
તપાસ બાદ એજન્સીઓએ ફ્લાઈટને દિલ્હી જવા માટે મંજૂરી આપી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પૂછપરછ દરમિયાન પાયલટે ભૂલથી એલર્ટ બટન દબાવ્યું હોવાનો ઈન્કાર કર્યો હતો. જોકે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

પાયલટે ભૂલથી એલર્ટ બટન દબાવ્યું
પ્રાથમિક અહેવાલો સૂચવે છે કે પાયલટે ભૂલથી ‘7500’ બટન દબાવ્યું હતું. બટન ફક્ત થોડીક સેકન્ડ માટે દબાવવામાં આવ્યું અને પછી તેને બંધ કરવામાં આવ્યું. જોકે તાજેતરની ઘટનાઓ અને ઉડ્ડયન પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને અને અમદાવાદ એરપોર્ટ પરથી મળેલા સંદેશને પગલે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top