ગુજરાતની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને નશાકારક વસ્તુઓથી દૂર રાખવા માટે વિશેષ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકના અનુસંધાનમાં ગાંધીનગર સ્થિત પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા આ અંગે પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં નશાના દુષ્પરિણામો અંગે જાગૃતિ ફેલાવવાનો અને શાળાઓની આસપાસ નશાકારક વસ્તુઓના વેચાણને રોકવાનો છે. આ અભિયાન અંતર્ગત શાળાઓની આસપાસના 500 મીટરના વિસ્તારમાં નશાકારક વસ્તુઓનું વેચાણ ન થાય તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે. વિદ્યાર્થીઓ અને લોકોમાં જાગૃતિ લાવવા માટે શાળાની આસપાસ સૂચનાત્મક સાઇન બોર્ડ લગાવવામાં આવશે. આ ઉપરાંત, શાળાઓમાં યોજાતી પ્રાર્થના સભા દરમિયાન વિદ્યાર્થીઓને નશાકારક વસ્તુઓના સેવનથી થતા નુકસાન વિશે સમજાવવામાં આવશે. તેમને નશાથી દૂર રહેવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે માર્ગદર્શન આપવામાં આવશે.
શાળા પરિસર અને તેની આસપાસ અનિચ્છનીય પ્રવૃત્તિઓ અટકાવવા માટે આરોગ્ય વિભાગ અને ગૃહ વિભાગ વચ્ચે સંકલન સાધવામાં આવશે. શાળાઓની આસપાસ નશાકારક વસ્તુઓનું વેચાણ થતું હોય અથવા આવી પ્રવૃત્તિઓ ધ્યાનમાં આવે તો સંબંધિત વિભાગોની મદદથી કડક કાર્યવાહી કરવામાં આવશે. વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય હોવાથી તેઓ નશાની લતથી દૂર રહે અને ખોટા રસ્તે ન વળે તે માટે અભિયાનમાં ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે યુવાધન સ્વસ્થ, જાગૃત અને નશામુક્ત રહે તે હેતુથી વિદ્યાર્થીઓને નશાકારક વસ્તુઓથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે.