Trending

જિયો સામે સ્ટારલિંકની એન્ટ્રીની તૈયારી, રિલાયન્સે કહ્યું, સ્પર્ધા માટે તૈયાર છીએ

રિલાયન્સ કોઈપણ કંપની સાથે સ્પર્ધા કરવાથી ડરતી નથી અને ભારતમાં સ્ટારલિંકનું સ્વાગત કરે છે, એવું નિવેદન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે આપ્યું છે. સેટેલાઈટ ઇન્ટરનેટ ક્ષેત્રમાં ઈલોન મસ્કની કંપની સ્ટારલિંકના ભારત પ્રવેશને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે રિલાયન્સે સ્પષ્ટ કર્યું છે કે ભારતમાં વેપાર કરતી દરેક કંપનીએ દેશના કાયદા અને નિયમોનું પાલન કરવું જરૂરી છે. કંપનીએ એમ પણ જણાવ્યું છે કે જિયોની સેટેલાઈટ ઇન્ટરનેટ સેવા પણ સરકારની જરૂરી મંજૂરીઓની રાહ જોઈ રહી છે. ઈલોન મસ્કે અગાઉ આક્ષેપ કર્યો હતો કે રિલાયન્સ ભારતમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે સ્ટારલિંકના પ્રવેશમાં અવરોધો ઊભા કરી રહી છે. આ વિવાદ વચ્ચે રિલાયન્સે સોશિયલ મીડિયા પર નિવેદન જાહેર કરીને કહ્યું કે ભારતમાં વેપાર કરવા ઇચ્છતી તમામ કંપનીઓ માટે નિયમો અને મંજૂરીની પ્રક્રિયા સમાન હોવી જોઈએ. સરકાર તરફથી પણ ભારતીય અને વિદેશી અરજદારો માટે એકસરખી પ્રક્રિયા લાગુ હોવાની વાત કરવામાં આવી છે.

રિલાયન્સે જણાવ્યું કે તે સેટેલાઈટ કોમ્યુનિકેશન ક્ષેત્રમાં સ્ટારલિંક સહિત અન્ય કંપનીઓની હાજરીનું સ્વાગત કરે છે. કંપનીના મતે, રોકાણ અને નવી ટેક્નોલોજીને પ્રોત્સાહન આપતું ખુલ્લું વાતાવરણ દેશના વિકાસ માટે જરૂરી છે. જોકે, આ માટે કાયદાના શાસનનું પાલન થવું જોઈએ અને દરેક કંપનીએ નક્કી કરેલી નીતિઓ તથા નિયમો અનુસાર જ ભારતીય ગ્રાહકોને સેવા આપવી જોઈએ. રિલાયન્સે પોતાની સ્પર્ધાત્મક ક્ષમતા અંગે વાત કરતાં જિયોના ઉદાહરણનો ઉલ્લેખ કર્યો હતો. જિયોએ વર્ષ 2016માં ભારતીય ટેલિકોમ બજારમાં પ્રવેશ કર્યો ત્યારે તેની પાસે એક પણ ગ્રાહક નહોતો. જોકે, દસ વર્ષમાં કંપનીના ગ્રાહકોની સંખ્યા વધીને 53 કરોડથી વધુ થઈ ગઈ છે. રિલાયન્સના જણાવ્યા અનુસાર, જિયોએ ભારતમાં ડિજિટલ સેવાઓનો વ્યાપ વધારવામાં અને ગ્રાહકોને સસ્તા મોબાઇલ ડેટાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

કંપનીએ વધુમાં જણાવ્યું કે બજારમાં સ્પર્ધાનું સાચું મૂલ્યાંકન ગ્રાહકોને મળતી સેવા, તેની ગુણવત્તા અને કિંમતના આધારે થવું જોઈએ. રિલાયન્સના મતે, ગ્રાહકોને વધુ સારી સુવિધા આપતી કંપની જ સ્પર્ધામાં આગળ વધી શકે છે. આ વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે સ્ટારલિંક ભારતમાં પોતાની વ્યાવસાયિક સેવાઓ શરૂ કરવાની તૈયારી કરી રહી છે. સ્ટારલિંકની સેટેલાઈટ ઇન્ટરનેટ સેવા શરૂ થવાથી ભારતીય બજારમાં હાલની ટેલિકોમ અને ઇન્ટરનેટ કંપનીઓ વચ્ચે સ્પર્ધા વધી શકે છે. ખાસ કરીને જ્યાં પરંપરાગત બ્રોડબેન્ડ અથવા મોબાઇલ નેટવર્કની પહોંચ મર્યાદિત છે, ત્યાં સેટેલાઈટ ઇન્ટરનેટ નવી શક્યતાઓ ઊભી કરી શકે છે. જોકે, ભારતમાં સેવા શરૂ કરવા માટે કંપનીઓએ સરકારની જરૂરી મંજૂરીઓ અને લાગુ નિયમોનું પાલન કરવું પડશે.

Most Popular

To Top