રાજસ્થાનના કોટા જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કરાડિયા નજીક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. દિલ્હીથી મુંબઈ તરફ જઈ રહેલી શ્રદ્ધાળુઓની મુસાફર બસ ચાલકે કાબૂ ગુમાવતા રસ્તાની બાજુમાં આવેલા ઊંડા ખાડામાં ખાબકી હતી. આ અકસ્માતમાં આઠ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે, જ્યારે અનેક મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. દુર્ઘટના બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી અને બસમાં સવાર મુસાફરોની ચીસોથી સમગ્ર વિસ્તાર ગુંજી ઊઠ્યો હતો. મળેલી વિગતો મુજબ, બસ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પરથી પસાર થઈ રહી હતી ત્યારે કરાડિયા નજીક અચાનક ચાલકે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો. ત્યારબાદ બસ રસ્તાની બાજુમાં આવેલા ઊંડા ખાડામાં પલટી મારી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બસમાં સવાર અનેક મુસાફરો અંદર ફસાઈ ગયા હતા. ઘટનાને પગલે મુસાફરોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. એસએચઓ નંદ સિંહ સહિતના પોલીસકર્મીઓએ સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી શરૂ કરી હતી. બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢીને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર પીયૂષ સમરિયાએ અકસ્માતમાં આઠ લોકોનાં મોત થયાની પુષ્ટિ કરી છે. બસમાં ભોપાલથી કુલ 21 લોકો સવાર હતા, જેમાં વૃદ્ધો અને બાળકોનો પણ સમાવેશ થતો હતો. આ તમામ લોકો ખાટુશ્યામજીનાં દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. ધાર્મિક યાત્રાએ નીકળેલા શ્રદ્ધાળુઓ સાથે બનેલી આ દુર્ઘટનાથી શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.