Gujarat

અમદાવાદમાં નીકળનારી રથયાત્રાનું કાઉન્ટ ડાઉન શરૂ, સલામતી વ્યવસ્થાની સીએમએ સમીક્ષા કરી

અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરમાં આગામી 1લી જુલાઈના રોજ ભગવાન જગન્નાથની 145ની રથયાત્રા નીકળનાર છે. આ રથયાત્રાને લઈને જગન્નાથ મંદિરમાં આજથી જ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉત્સવો (Festivals) શરૂ થઈ ગયા છે. આજે જગન્નાથ મંદિર ખાતે ભગવાનનો નેત્રોત્સવ વિધિ કરવામાં આવ્યો હતો. સાથે જ સાધુ-સંતો માટે ભંડારાનું આયોજન કરાયું હતું.

ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇ મંદિરમાં તડામાર તૈયારીઓ સાથે મહોત્સવની આયોજન શરૂ થઈ ગયું છે. આજે ભગવાન જગન્નાથ પોતાના મોસાળેથી પરત નિજ મંદિરે આવી પહોંચતા તેમનો નેત્રોત્સવ વિધિ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર કિરીટ પરમાર સહિત અનેક ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. નેત્રોત્સવ વિધિ પછી મહાઆરતી યોજાઇ હતી. આજે જમાલપુર જગન્નાથ મંદિર ખાતે મહાઆરતી અને ભંડારાનું આયોજન કરાયું હતું. જોકે છેલ્લા બે વર્ષથી કોરોનાની પરિસ્થિતિને કારણે મંદિરમાં કોઈ જ પ્રકારનું ધાર્મિક આયોજન કરાયું ન હતું. જેને કારણે આ વખતે મોટી સંખ્યામાં સાધુ-સંતો અને શ્રદ્ધાળું મંદિરે પ્રસાદ લેવા માટે ઉમટી પડ્યા હતા. આજે ભંડારામાં માલપુવા અને દૂધપાક સાથે સાધુ-સંતોએ પ્રસાદ લીધો હતો.

શું છે નેત્રોત્સવ વિધિ ?
ભગવાન જગન્નાથજી અષાઢી બીજના રોજ નગરચર્યાએ નીકળતા હોય છે. તેના 15 દિવસ પહેલા ભગવાન પોતાના મોસાળમાં રહેવા જાય છે. મોસાળમાં થોડાક દિવસો રોકાયા બાદ જ્યારે ભગવાન આજના દિવસે પોતાના નિજ મંદિરે પરત આવે છે, ત્યારે તેમને આંખો આવી જાય છે. તેથી ભગવાનની આંખો પર પાટા બાંધવામાં આવે છે. આંખે ઠંડક મળે તે માટે પાટા બાંધી દેવામાં આવે છે. આ પાટા બાંધવાની વિધિને નેત્રોત્સવ વિધિ કહેવામાં આવે છે. ભગવાન જગન્નાથજીને આંખો આવવાથી આજે નેત્રોત્સવ વિધિ કરાઇ હતી. જે અષાઢી બીજના રોજ સવારે ચાર વાગે મંગળા આરતીના પહેલા ભગવાનની આંખો પરથી પાટા ખોલવામાં આવશે, ત્યારબાદ ધ્વજારોહણ વિધિ થયા પછી મંગળા આરતી યોજાશે. અને પછી સવારે સાત વાગે પહિંદ વિધિ યોજાયા બાદ વિધિવત રીતે રથયાત્રાનો પ્રારંભ થશે.

અમીત શાહ બે દિ’ ગુજરાતમાં – જગન્નાથજી મંદિર ખાતે મંગળા આરતીમાં ભાગ લેશે
ગાંધીનગર: કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ આવતીકાલ સાંજથી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અમીત શાહ 1 જુલાઇએ સવારે 4 વાગે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરશે. સવારે 9 વાગે કલોલમાં સ્વામિનારાયણ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. ત્યારબાદ રૂપાલ ગામમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની રજત તુલા થશે. અને ત્યાંજ અમિત શાહ જનસભાને સંબોધન કરશે. પછી વાસણ ગામમાં શાહ તળાવનું ભૂમિપૂજન કરશે અને સાંજે અમદાવાદના મોડાસર ગામમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાત મુર્હત કરશે. અમીત શાહ અમદાવાદમાં રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથના દર્શન કરશે. 1 જુલાઇએ સવારે 4 વાગે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરશે. ત્યારબાદ 1 જુલાઇએ જ સવારે 9 વાગે કલોલ સ્થિત સ્વામિનારાયણ યુનિ.નું લોકાર્પણ કરશે.

અમદાવાદમાં આગામી અષાઢી બીજ – 1લી જુલાઈના રોજ યોજનારી 145મી રથયાત્રાની સલામતી વ્યવસ્થાની સમીક્ષા આજે સાંજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કરી હતી. રથયાત્રા સલામત, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે પોલીસતંત્રની સતર્કતાની સર્વગ્રાહી સમીક્ષા પટેલે કરી હતી.

Most Popular

To Top