World

2018ની સુનામી બાદ ફરી અનાક ક્રાકાટોઆમાં વિસ્ફોટ, 50 હજાર ફૂટ સુધી રાખ પહોંચતા 209 ફ્લાઇટ અટકી

ઇન્ડોનેશિયામાં અનાક ક્રાકાટોઆ જ્વાળામુખીએ રવિવારે વહેલી સવારે અચાનક ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જ્વાળામુખીમાંથી નીકળેલી રાખનું વાદળ આકાશમાં લગભગ 50 હજાર ફૂટ સુધી પહોંચી ગયું હતું. રાખ હવામાં ફેલાતાં જકાર્તાના મુખ્ય સુકાર્નો-હટ્ટા એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરી રોકી દેવામાં આવી હતી. આ ઘટનાની અસરને કારણે 209 ફ્લાઇટ અને અંદાજે 22,800 મુસાફરો પ્રભાવિત થયા હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

30 સેકન્ડ સુધી જ્વાળામુખીમાંથી લાવા અને રાખ નીકળ્યા

ઇન્ડોનેશિયાના ભૂસ્તરશાસ્ત્રીય અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અનાક ક્રાકાટોઆમાં રવિવારે સવારે 3:53 વાગ્યે વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ લગભગ 30 સેકન્ડ સુધી ચાલ્યો હતો. જ્વાળામુખીમાંથી લાવાની જ્વાળાઓ પણ દેખાઈ હતી. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી અને લોકોને મોટા પાયે સ્થળાંતર કરાવવાની જરૂર પડી નથી. અનાક ક્રાકાટોઆ જાવા અને સુમાત્રા ટાપુઓ વચ્ચે આવેલા સુન્ડા સ્ટ્રેટમાં સ્થિત છે. શુક્રવારથી જ જ્વાળામુખીમાં વધતી સક્રિયતાના સંકેતો મળી રહ્યા હતા અને ત્યારબાદ તેની સ્થિતિ વધુ ગંભીર બની હતી.

જકાર્તા એરપોર્ટ પર ફ્લાઇટ સેવા ખોરવાઈ

જ્વાળામુખીની રાખ હવામાં ફેલાતાં સુકાર્નો-હટ્ટા આંતરરાષ્ટ્રીય એરપોર્ટની કામગીરી પર સીધી અસર થઈ. શરૂઆતમાં ફ્લાઇટ સેવા થોડા સમય માટે રોકવાની હતી, પરંતુ રાખનું વાદળ ફેલાતું રહેતાં કામગીરી આગળ પણ અટકાવવી પડી. આ ઉપરાંત ઇન્ડોનેશિયાના અન્ય કેટલાક એરપોર્ટની કામગીરી પણ પ્રભાવિત થઈ હતી. જકાર્તા એરપોર્ટ પર જ 209 ફ્લાઇટ પ્રભાવિત થતાં મોટી સંખ્યામાં મુસાફરો એરપોર્ટ પર અટવાઈ ગયા હતા. બાદમાં અસરગ્રસ્ત એરપોર્ટની સંખ્યા વધીને 6 સુધી પહોંચી હોવાનું પણ અહેવાલોમાં જણાવાયું છે.

50 હજાર ફૂટ સુધી રાખ, શાળાઓ પણ બંધ

જ્વાળામુખીમાંથી નીકળેલી રાખનું વાદળ લગભગ 50 હજાર ફૂટની ઊંચાઈ સુધી પહોંચ્યું હતું. રાખ જકાર્તા સહિત પશ્ચિમ ઇન્ડોનેશિયાના કેટલાક વિસ્તારોમાં ફેલાઈ હતી. બાન્ટેન અને સુમાત્રાના કેટલાક વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી હતી. રાખને કારણે હવામાં પ્રદૂષણ અને દૃશ્યતા ઘટવાની સાથે આંખોમાં બળતરા જેવી સમસ્યાઓ પણ સામે આવી હતી. કેટલીક શાળાઓએ પોતાની પ્રવૃત્તિઓ રદ કરી હતી, જ્યારે માછીમારોએ પણ સાવચેતીના ભાગરૂપે દરિયામાં જવાનું ટાળ્યું હતું.

હાલ સુનામીનો ખતરો નથી

અનાક ક્રાકાટોઆનો ભૂતકાળ પણ ખૂબ જ વિનાશક રહ્યો છે. 2018માં આ જ જ્વાળામુખીની પ્રવૃત્તિના કારણે સુન્ડા સ્ટ્રેટમાં સુનામી આવી હતી, જેમાં સેંકડો લોકોનાં મોત થયા હતા. જોકે, હાલની ઘટનાને લઈને ઇન્ડોનેશિયાની આપત્તિ વ્યવસ્થાપન એજન્સીએ તાત્કાલિક સુનામીના ખતરાની શક્યતા નકારી છે. લોકોને રાખથી બચવા માટે માસ્ક અને આંખોની સુરક્ષા માટેના સાધનોનો ઉપયોગ કરવા તથા બહારની પ્રવૃત્તિઓ ઘટાડવાની સલાહ આપવામાં આવી છે.

અનાક ક્રાકાટોઆને લઈને અધિકારીઓ સતત નજર રાખી રહ્યા છે. ઇન્ડોનેશિયા પ્રશાંત મહાસાગરના ‘રિંગ ઓફ ફાયર’ વિસ્તારમાં આવેલું હોવાથી અહીં જ્વાળામુખીની પ્રવૃત્તિ સામાન્ય રીતે વધુ જોવા મળે છે. હાલ તંત્રનું મુખ્ય ધ્યાન રાખના વાદળોની દિશા અને જ્વાળામુખીની આગળની ગતિવિધિ પર છે.

Most Popular

To Top