National

‘અડવાણી-મુરલી મનોહર જોશીને રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ન આવવા વિનંતી કરાઇ’, ચંપત રાયે કહ્યું…

અયોધ્યા: અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરની (Raam Mandir) પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ 22 જાન્યુઆરી ખૂબ નજીક છે. દરમિયાન રામ મંદિર ટ્રસ્ટના (Raam Mandir Trust) મહાસચિવ ચંપત રાયે (Champat Rai) ભાજપના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી (Lalkrishna Advani) અને મુરલી મનોહર જોશીને (Murali manohar joshi) પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ન આવવાની અપીલ કરી છે. તેમજ આ મામલે તેમણે ખુલાસો કર્યો હતો.

ચંપત રાયે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે મુરલી મનોહર જોશી અને લાલ કૃષ્ણ અડવાણી સ્વાસ્થ્ય અને ઉંમરના કારણે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપી શકશે નહીં. બંને નેતાઓની ઉંમરને ધ્યાનમાં લઈને તેમને ન આવવા વિનંતી કરવામાં આવી છે.

ચંપત રાયે મુરલી મનોહર જોશી સાથે વાત કરી
રામ મંદિર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ‘અડવાણીજીની હાજરી ફરજિયાત છે. પરંતુ તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને અમે કહીશું કે તેઓ મહેરબાની કરીને ન આવે.’ લાલકૃષ્ણ અડવાણી વિશે વાત કર્યા પછી ચંપત રાયે મુરલી મનોહર જોશી વિશે કહ્યું, ‘મેં પોતે મુરલી મનોહર જોશી સાથે વાત કરી છે. હું તેમને ફોન પર ન આવવાનું કહેતો રહ્યો અને તેઓ હું આવીશ તેવી જીદ કરતા રહ્યા. હું ગુરુજીને વારંવાર ન આવવા વિનંતી કરતો રહ્યો. તમારી ઉંમર અને શરદી… તમે હમણાં જ ઘૂંટણ બદલાવ્યા છે.‘

કલ્યાણ સિંહ સાથે જોડાયેલી એક જૂની ઘટનાનો ઉલ્લેખ કરતા ચંપત રાયે કહ્યું કે 5 ઓગસ્ટના રોજ રામ મંદિરના શિલાન્યાસ સમયે કલ્યાણ સિંહે આગ્રહ કરવાનું શરૂ કર્યું હતું કે તેઓ ચોક્કસ આવશે. ચંપત રાયે વધુમાં કહ્યું, ‘મેં કલ્યાણ સિંહના દિકરાને કહ્યું કે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવાના મુદ્દે તેમને હા કહેતા રહે અને છેલ્લા દિવસે વિચાર કરવામાં આવશે તેમજ અમે તેમને કહીશું કે તેમણે આવવાની જરૂર નથી. તેમના દિકરાએ આ વાત સ્વીકારી હતી. ઘરના વડીલોને પણ આ જ રીતે સમજાવવામાં આવ્યા છે.‘

22 જાન્યુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે મુખ્ય યજમાન તરીકે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવાના છે. તેમજ વહેલી તકે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. દરમિયાન ચંપત રાયે ગઇકાલે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં રામ મંદિરને લઈને ઘણી માહિતીઓ આપી હતી. તેમણે કહ્યું કે પીએમ મોદી બરાબર 11 વાગે રામજન્મભૂમિ પરિસરમાં પ્રવેશ કરશે. ત્યારબાદ અમે ભગવાન રામલલાના અભિષેક માટે 11:30 સુધીમાં પહોંચી જઈશું.

ચંપત રાયે વધુમાં કહ્યું કે, ‘લોકોને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના બીજા દિવસથી જ એટલે કે 23 જાન્યુઆરીથી ભગવાન રામના દર્શન કરવાની મંજૂરી આપવામાં આવશે. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના પ્રસંગે પીએમ મોદી, સર સંઘચાલક મોહન ભાગવત, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, રાજ્યપાલ અને તમામ ટ્રસ્ટીઓ રામ મંદિરના પ્રાંગણમાં હાજર રહેશે. આ ઉપરાંત અન્ય ઘણા મહાનુભાવો પણ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના સાક્ષી બનશે.

ત્રણ જગ્યાએ રોકાણની વ્યવસ્થા
ચંપત રાયના જણાવ્યા અનુસાર, અયોધ્યાના કારસેવકપુરમમાં રૈનબસેરા (Dormitory)માં 1000 લોકો રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત ટીન કંપાર્ટમેન્ટમાં 850 લોકોના રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ ધર્મશાળા અને અન્ય સ્થળોએ 600 રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. આશા પ્રાણ પ્રતિષ્ઠા સુધીમાં અમને 1000 રૂમ તૈયાર કરવામાં સફળતા મળશે.

Most Popular

To Top