World

ચીનમાં 6.2ની તીવ્રતાથી આવ્યો ભુકંપ, 111 લોકોના મોત, 200થી વધુ ઘાયલ

નવી દિલ્હી: ચીનના ગાંસુમાં સોમવારે મોડી રાત્રે ભૂકંપના (Earthquake) જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ (Richter scale) પર 6.2 માપવામાં આવી છે. ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટરના (CENC) જણાવ્યા અનુસાર સોમવારે રાત્રે 11:59 કલાકે ભૂકંપ આવ્યો. આ પહેલા જમ્મુ-કાશ્મીર લદાખમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ચીનના મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભૂકંપના કારણે ગાંસુમાં 100 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે ક્વિંઘાઈમાં 11 લોકોના મોત થયા છે. આ સાથે ગાંસુમાં 96 અને કિંઘાઈમાં 124 લોકો ઘાયલ થયા છે. યુએસ જિયોલોજિકલ સર્વે મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 6.2 આંકવામાં આવી છે. આ સાથે જ ચીનમાં ભૂકંપના કારણે ઘણું નુકસાન થયું છે. પાણી અને વીજળીની વ્યવસ્થાઓ ઠપ થઈ ગઈ છે. ટ્રાન્સપોર્ટેશન અને કોમ્યુનિકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ ભારે નુકસાન થયું છે.

ગાંસુની રાજધાની લાન્ઝોઉમાં ભૂકંપના આંચકા અનુભવાતા જ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમના હોસ્ટેલરૂમમાંથી બહાર આવી ગયા હતા. તેમજ ત્યાં હોબાળો થયો હતો. ચીની મીડિયાએ જણાવ્યું કે બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તેમજ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તંબુ, ફોલ્ડિંગ બેડ અને ચારસાઓ ઘટના સ્થળ પર પહોંચાડવામાં આવી રહી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે શીઘ્ર થી શીઘ્ર બચાવ કાર્ય કરવાના નિર્દેશ આપ્યા છે. આ સાથે જ તેમણે મૃતકોની સંખ્યામાં વધારો ન થાય તે માટે બચાવના પગલાં લેવાના નિર્દેશો પણ આપ્યા છે. દરમિયાન ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર પુરી પાડવામાં આવી રહી છે. તેમજ અન્ય ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે.

ભૂકંપ કઇ રીતે આવે છે?
પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ છે જે સતત ફરતી રહે છે. આ પ્લેટો જ્યાં એકબીજા સાથે અથડાય છે. ત્યારે તે ઝોનને ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે. વારંવાર અથડામણને કારણે પ્લેટોના ખૂણામાં વળાંક આવે છે. પરંતુ જ્યારે ખૂબ દબાણ વધે છે, ત્યારે પ્લેટો તૂટવાનું શરૂ થઇ જાય છે. તેમજ પ્લેટની નીચેની ઉર્જા બહાર નીકળવાનો માર્ગ શોધે છે અને વિક્ષેપ પછી ભૂકંપ આવે છે.

તીવ્રતા કેવી રીતે માપવામાં આવે છે?
ભૂકંપ રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. રિક્ટર સ્કેલ એ ભૂકંપના તરંગોની તીવ્રતા માપવા માટેનું ગાણિતિક સ્કેલ છે. આ માપનને રિક્ટર મેગ્નિટ્યુડ ટેસ્ટ સ્કેલ કહેવામાં આવે છે. રિક્ટર સ્કેલ પર ધરતીકંપ તેના કેન્દ્ર એટલે કે એપીસેન્ટરથી 1 થી 9 સુધી માપવામાં આવે છે. આ સ્કેલ ધરતીકંપ દરમિયાન પૃથ્વીની અંદરથી પ્રાપ્ત થતી ઊર્જાના આધારે તીવ્રતાને માપે છે.

Most Popular

To Top