National

એક જ દિવસમાં વિપક્ષના 76 સાંસદો સસ્પેન્ડ, આ કારણો સામે આવ્યા

નવી દિલ્હી: એક અભૂતપૂર્વ પગલામાં વિપક્ષના 76 સાંસદોને આજે સંસદમાંથી (Parliament) સસ્પેન્ડ (Suspend) કરી દેવામાં આવ્યા હતા. જે એક દિવસમાં સાંસદોના સસ્પેન્શનનો સૌથી મોટો આંકડો છે. જેના પગલે કોંગ્રેસ તથા અન્ય વિપક્ષો (Opposition) તરફથી સખત પ્રતિભાવ આવ્યો હતો. જેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપની સરકાર વિપક્ષહીન સંસદમાં મહત્વના ખરડાઓ બળપૂર્વક પસાર કરી દેવા માગે છે.

અગાઉ લોકસભામાંથી 33 સભ્યોને સસ્પેન્ડ કરાયા હતા. જેના પછી રાજ્ય સભામાંથી 45 સભ્યોને સસ્પેન્ડ કરી દેવાયા હતા. 13મી ડિસેમ્બરે લોકસભામાં બે વિરોધ કર્તાઓ ઘૂસી ગયા અને ધુમાડો છોડ્યો હતો. સંસદ સુરક્ષા ભંગના બનાવ અંગે ગૃહ મંત્રી અમિત શાહ સંસદમાં નિવેદન કરે તેવી પોતાની માંગણીમાં વિપક્ષે બાંધછોડ કરવાનો ઇન્કાર કર્યો હતો. ત્યાર બાદ આ સસ્પેન્શનનું પગલું ભરાયું હતું. આ સાથે સંસદના બંને ગૃહોમાંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદોની કુલ સંખ્યા 92 પર પહોંચી છે. ગુરુવારે લોકસભામાંથી 13 અને રાજ્યસભામાંથી એક સાંસદને સસ્પેન્ડ કરાયા હતા. જયારે આપ પક્ષના સાંસદ સંજય સિહ 24મી જુલાઇથી સસ્પેન્ડ છે.

દરમિયાન લોકસભામાંથી સસ્પેન્ડ કરાયેલા 33 સભ્યોમાં કોંગ્રેસ અને ડીએમકેના ફ્લોર નેતાઓનો પણ સમાવેશ થાય છે. આ બંને પક્ષો વિપક્ષના બે સૌથી મોટા પક્ષો છે. આ સાંસદોને ગેરશિસ્તભરી વર્તણૂકના આક્ષેપ સાથે સસ્પેન્ડ કરાયા છે. લોકસભામાંથી 30 સભ્યોને શિયાળુ સત્રના બાકીના દિવસો માટે જ્યારે ત્રણ સભ્યોને વિશેષાધિકાર સમિતિનો અહેવાલ નહીં આવે ત્યાં સુધી સસ્પેન્ડ કરાયા છે.

ત્રણ સભ્યો – કે. જયકુમાર, વિજય વસંથ અને અબ્દુલ ખાલેક સ્પીકરના પોડિયમ પર ચડી ગયા હોવાનો આરોપ છે. નવા સંસદ ભવનમાં સંસદ ખસેડાઇ ત્યારે એવી શાસક વિપક્ષ વચ્ચે એવી સહમતિ સધાઇ હતી કે ત્યાં પ્લેકાર્ડ્સ દર્શાવાશે નહીં. પણ અનેક વિપક્ષી સાંસદો દ્વારા પ્લે કાર્ડસ દર્શાવયા છે જેમને સસ્પેન્ડ કરાયા છે.

રાજ્યસભામાં આવી જ રીતે 45 સભ્યોને સસ્પેન્ડ કરાયા હતા. જેમાંથી 34ને બાકીના સત્ર માટે જયારે 11ને વિશેષાધિકાર સમિતિનો અહેવાલ આવે ત્યાં સુધી સસ્પેન્ડ કરાયા છે. સમિતિને ત્રણ મહિનામાં પોતાનો અહેવાલ રજૂ કરવા જણાવાયુ છે. કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે આને લોકશાહીની હત્યા ગણાવતા કહયું હતું કે, મારી 19 વર્ષની સંસદીય કારકિર્દીમાં પ્રથમ વખત મારું નામ પણ આ યાદીમાં આવ્યું છે. જયારે શાસક પક્ષે વિપક્ષ ઇરાદાપૂર્વક સંસદની કાયવાહી ખોરવતો હોવાનો આક્ષેપ કર્યો હતો.

Most Popular

To Top