Gujarat

યુવા નશામુક્ત થાય અને ગૌ-કૃષિ બચાવવા મિશનની માફક કામ કરવાની આવશ્યકતા : આચાર્ય દેવવ્રત

ગાંધીનગર: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ (Acharya Devvrat) કહ્યું હતું કે, આર્ય સમાજના સ્થાપક ઋષિ દયાનંદ સરસ્વતીજીએ વર્ષો પહેલાં સમાજ સુધારણા માટે અભિયાન આદર્યું હતું. આજે પુનઃ દેશના યુવાનોને (Young People) નશામુક્ત (Drug Free) કરવા અને ગૌ-કૃષિ બચાવવા એવા જ અભિયાનની આવશ્યકતા છે. દેશ અને દુનિયાના આર્ય સમાજના (Arya Samaj) લોકોને આ માટે મિશનની માફક કામ કરવા તેમણે આહ્વાન કર્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, આગામી 12મી ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદીની (PM Modi) ઉપસ્થિતિમાં ઋષિ દયાનંદજીના દ્વિશતાબ્દી મહોત્સવનો શુભારંભ થશે, જેમાં ભારતભરના અને વિદેશના 35,000 જેટલા લોકો ઉપસ્થિત રહેશે.

ઋષિ દયાનંદજીના વિચારો માટે વિશ્વવ્યાપી આંદોલન હાથ ધરાશે
આઝાદીના અમૃતકાળ અંતર્ગત આર્ય સમાજ, ખરડ, પંજાબ દ્વારા સાત દિવસના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવના સમાપન સમારોહમાં વર્ચ્યુઅલી સંબોધન કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, આર્ય સમાજ કોઈ ધર્મ નથી, આર્ય સમાજ એક આંદોલન છે.ૠષિ દયાનંદજીએ લુપ્ત થઈ ગયેલી વેદોની પ્રાચીન પરંપરાનો આધાર લઈને સમાજ સુધારણા માટે મોટું કામ કર્યું હતું અને સ્વસ્થ સમાજનું નિર્માણ કર્યું હતું. તે સમયે દેશ સામે અનેક પડકારો હતા. ભારત ગુલામ હતો, મહિલાઓને શિક્ષણની છૂટ નહોતી, અસ્પૃશ્યતા ચરમસીમાએ હતી, અંગ્રેજોએ ગુરુકુળ પરંપરા નષ્ટ કરી નાખી હતી, ગરીબીનું તાંડવ હતું; આવી તમામ સમસ્યાઓ સામે ૠષિ દયાનંદજીએ બુલંદ અવાજે સમાજ સુધારણાનું અભિયાન ચલાવ્યું. આર્ય સમાજીઓએ તન-મન-ધનથી યોગદાન આપ્યું. ગુરુ સ્વામી શ્રદ્ધાનંદજીએ ગુરુકુળ પરંપરાનો આરંભ કર્યો અને અન્ય શિષ્યોએ ડી.એ.વી. ચળવળથી સ્કૂલો, કોલેજોની શરૂઆત કરી.

આ દિશામાં કામ કરવાની આવશ્યકતા
આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ૠષિ દયાનંદજીએ શિક્ષણ અને સમાજ સુધારણાથી દેશમાં નવી ચેતના, નવા જાગરણના બીજ આરોપ્યા હતા. આજે પુનઃ સમાજ માટે ઘણું કામ કરવાની આવશ્યકતા છે. ડ્રગ્સ અને નશાના કુસંગે ચડેલા યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે. આર્ય સમાજે આ માટે જનઆંદોલન ઊભું કરવું પડશે. તેમણે આર્ય સમાજના સમાજ સુધારકોને સ્કૂલો, કોલેજો અને યુનિવર્સિટીઓમાં જઈને યુવાનોને નશાના દુષ્પરિણામોની જાણકારી આપવા અને તેમને નશામુક્ત કરવા જનઆંદોલન ચલાવવા આહવાન કર્યું હતું. ઋષિ દયાનંદજી કહેતા કે, જે બુદ્ધિને નષ્ટ કરનાર છે એવા પદાર્થોનું સેવન ન કરવું જોઈએ. આપણે સૌએ સાથે મળીને આ દિશામાં કામ કરવાની આવશ્યકતા છે.

Most Popular

To Top