Comments

શિક્ષણના બિનઔપચારિક રસ્તાઓ સ્વીકારીએ

મેક્સિકો બાજુથી ઊડેલું એક પતંગિયુ છ મહિનાની સફર બાદ છેક કેનેડા બાજુએ પહોંચે છે અને આશ્ચર્યની વાત એ છે કે જે ઊડ્યું હતું તે નથી પહોચતું, પણ ઊડેલા પતંગિયાની ત્રીજી પેઢી પહોંચે છે. મતલબ જે ઊડવાનું શરૂ કરે છે તે તો રસ્તામાં જ મૃત્યુ પામે છે પણ તેના વંશજો આગળ ઊડે છે. પણ અત્યંત આશ્ચર્યની વાત તો એ છે કે પતંગિયાને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચતાં છ માસ અને ત્રણ પેઢી થાય છે. જ્યારે એ જ પતંગિયાં પાછાં ફરે છે ત્યારે કેનેડાથી પાછા મેક્સિકો તરફ જતાં છ માસ થાય છે. પણ પહેલી જ પેઢી પહોંચે છે. મતલબ જે ઊડ્યું એ જ છેક પહોંચે છે!

છે ને અદભુત વાત. પહેલાં એક અંતર કાપતાં ત્રણ પેઢી થાય છે અને પાછા ફરવામાં એક જ પેઢી પહોંચી જાય છે. પણ આ નક્કી કોણે કર્યું? આ ખબર કેવી રીતે પડી કે પહેલાં અંતર કાપવામાં ત્રણ પેઢી ખતમ થઈ જાય છે. પછી એક જ પેઢી એ પાર કરી શકે છે! ફ્લાઈટ ઓફ ધ બટરફ્લાઈ નામની કેમેડિયન ડોક્યુમેન્ટસ ફિલ્મ આપણને પતંગિયાની આ યાત્રા વિષે માહિતી આપે છે. આ ફિલ્મ પતંગિયાના સ્થળાંતર પર સંશોધન કરનાર વૈજ્ઞાનિક ડૉ. ફ્રેડ અર્કહર્ટસ (Dr. Fred Urquhart)ના સંશોધન પર આધારિત છે. ડૉ. ફ્રેડ અર્કહર્ટસ ‘‘સીટીજન સાયન્ટીસ્ટ’’ નો ખ્યાલ વ્યવહારમાં અમલમાં મૂક્યો હતો. એમણે પ્રથમ નોંધ્યું કે પતંગિયાની યાત્રામાં આવું બને છે. પણ તેના વૈજ્ઞાનિક આધાર શું?

એમણે મેક્સિકોથી કેનેડાના આ પતંગિયા યાત્રામાં આવતાં રસ ધરાવતા યુવાનો (નાગરિકો) ને આમાં સામેલ થવા કહ્યું પતંગિયાનું ક્રોડીંગ કર્યું, નંબરીંગ કર્યું. એમની જર્ની, મુવમેન્ટ બધાની નોંધ ભેગી કરી, લોકોને સાથ લીધો અને અંતે આ સંશોધન આધારભૂત બનાવું અને આ ડોક્યુમેન્ટરી આ વૈજ્ઞાનિકના સંશોધન પ્રયાસો પર આધાર રાખે છે. શિક્ષણ બહુઆયામી પ્રક્રિયા છે. તેમાં નવાં નવાં પરિમાણો ઉમેરાતાં જ જાય છે. જો આપણે પાઠ્યપુસ્તકિયા જ્ઞાનની સતત ટીકા કરતા હોઈએ તો આપણે જ્ઞાન-માહિતી મેળવવાના વિશાળ આકાશ નીચે આવવું જોઈએ.

માહિતી અને પ્રસારણ ક્ષેત્રે જબરદસ્ત ક્રાંતિ થઈ ચૂકી છે. સવાલ માત્ર તેને આપણી શૈક્ષણિક પ્રક્રિયામાં સામેલ કરવાનો છે. ઘણા મિત્રો અને શિક્ષણના અનૌપચારિક રસ્તામાં ખપાવી દે છે. પણ શિક્ષણના ઔપચારિક કાર્યક્રમમાં પણ આ સામેલ થઈ શકે છે. આજે શૈક્ષણિક ડોક્યુમેન્ટરી, ફિલ્મો, નાટકો, વાર્તાલાપો બધું જ શિક્ષણનો ભાગ બનવા લાગ્યું છે. આપણે આપણાં ટાઈમટેબલમાં તેને સામેલ કરવાનું છે. શિક્ષણના દુશ્મન તરીકે જોવાતા સ્માર્ટફોનના યુ ટ્યુબમા ઐતિહાસિક દસ્તાવેજી ફિલ્મો, જીવવિજ્ઞાનની અદભુત કુદરતી આશ્ચર્ય જેવી ઘટનાઓ, ઉત્તમ અભિનેતાઓ દ્વારા થયેલા કાવ્ય પાઠ.

બધું જ ઉપલબ્ધ છે. શહેરોની સારી સારી શાળાઓ અને નવા વિચારવાળી કોલેજોમાં સ્માર્ટ ક્લાસરૂમ છે. પ્રોજેક્ટર અને મોટા સ્કિનવાળા ટી.વી. તો નાના નાના સેન્ટરની શાળા-કોલેજોમાં છે. મૂળ પ્રશ્ન નિસ્બત અને જાણકારીનો છે. શિક્ષક, અધ્યાપકને ખબર હોય કે સાહિત્યકૃતિ પર બનેલી અદભુત ફિલ્મ ઉપલધ્ધ છે તો તે વિદ્યાર્થીને બતાવે. જીવવિજ્ઞાનના અભ્યાસુને ખબર હોય કે ડિસ્કવરી ચેનલના એજ્યુકેશન ડોક્યુમેન્ટરી વિભાગમાં સુંદર ફિલ્મો છે તો તે પોતે પણ જોશે અને વિદ્યાર્થીને બતાવશે.

આજે ગુજરાતના અનેક ટેક્નોસેવી શિક્ષકો પોતાના બ્લોગ ચલાવે છે. યુટ્યુબ વિડીયો દ્વારા કાવ્ય, રસ, છંદ, અલંકાર ભણાવે છે. ખાન એકેડેમીના વિડિયો જુઓ તો સમજાય કે તદ્દન લોક બોલી-લહકા સાથે હિન્દીમાં વિડિયો કેવા સરસ બને! બાળકોને ખબર પડવી જોઈએ કે ફિલ્મોના સલમાન ખાન કરતાં પણ ટેક્નોલોજીના ઉપયોગ સાથે લેક્ચર આપતા સલમાનખાન દુનિયાભરમાં વધારે પ્રખ્યાત છે.

વેકેશનમાં માતા-પિતાએ પણ કરવા જેવું કામ હોય તો આ છે. નેટફ્લિક્સ, યુટ્યુબ, એમેઝોન જેવાં માધ્યમોમાં બાળકો ભલે મનોરંજક ફિલ્મો જુએ, પણ આ જ માધ્યમમાં કુદરતી સૌંદર્ય અને રહસ્ય બતાવતી ડોક્યુમેન્ટરી છે. ઈતિહાસનાં તથ્યો બતાવતી દસ્તાવેજી ફિલ્મો છે. અમિતાભ-નાના પાટેકર જેવા સિધ્ધહસ્ત અભિનેતાના કાવ્યપાઠ છે. સંસ્કૃતથી માંડીને આધુનિક વિજ્ઞાન સુધીના શૈક્ષણિક કાર્યક્રમો આપણા શૈક્ષણિક સમયપત્રકનો હિસ્સો બને તો વિદ્યાર્થીને માત્ર વ્યાખ્યાન આધારિત જ્ઞાન મેળવવાની કસરતમાંથી છુટકારો મળશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top