Business

એક નાનકડું પંખી

દુનિયામાં સૌથી નાનકડું પંખી છે હમિંગ બર્ડ તે એકદમ નાનકડું પંખી છે અને સતત એકદમ મીઠું મીઠું ગાતું રહે છે. એક દિવસ આ એકદમ નાનું સરસ મજાનું હમિંગ બર્ડ ઝાડ પર બેસીને એકદમ મસ્ત મીઠા ગીતો ગાઈ રહ્યું હતું.  એક જોરદાર પવનનો ઝપાટો આવ્યો અને આખું ઝાડ હલી ગયું… ડાળીઓ હલી ગઇ અને જે ડાળ પર પંખી બેસીને ગાતું હતું તે ડાળ જોરદાર હલી એટલે તે પંખી નીચે પડી ગયું. પંખી જમીનમાં ધૂળ ખંખેરીને ઊભું થયું અને પોતાની જાત પરથી ધૂળને સાફ કરી ઉડ્યું અને ફરી ઝાડની ડાળી પર બેસીને મીઠા ગીતો ગાવા લાગ્યું. થોડીવાર રહીને ફરીવાર જોરદાર પવન વાયો અને તે નાનકડું હમિંગ બર્ડ પાછું નીચે પડી ગયું, જમીન ઉપરથી પાછું ઊભું થયું, પાછું ઝાડ પર બેસીને ગીત ગાવા લાગ્યું, આવું એકવાર બેવાર નહિ પણ ઘણી બધી વાર થયું. 

આ રીતે પંખીને ઉરથી નીછે પડતાં અને ફરી ફરી ગીત ગાતા ગાતા જ ઉભા થતાં, ઝાડની બખોલમાં રહેતા સસલાએ જોયું. સસલાએ પંખીને કહ્યું, ‘અરે પંખી, વાવાઝોડું આવે તેવું વાતાવરણ છે, બહુ પવન વાય છે. તું ઘડી ઘડી પવનની ઝપાટથી પડી જાય છે. એક કામ કર તું મારી બખોલમાં આવતું રહે.’ પંખી ગાતા ગાતા સસલાની બખોલમાં ગયું, સસલાએ તેને કહ્યું, ‘પંખી તું અનેકવાર ઉરથી નીચે પડ્યું તને વાગ્યું નથીને અને તું નીચે ઉપરથી નીચે પડે છે તો પણ ગાવાનું છોડતું નથી. ખરું છે તું…આ વાવાઝોડા જેવી પરિસ્થતિમાં તને ડર નથી લાગતો કે ચિંતા નથી થતી?? કે આમ ગીતો ગાય છે?’ પંખી હસ્યું અને બોલ્યું, ‘હું શું કામ ગાવાનું છોડું…ગીતો ગાવાનો મારો સ્વભાવ છે… ગીત ગાતા રહેવું એ મારા જીવનની રીત છે અને હું ગીત ગાઉં છું એ મને ખુશી આપે છે તો પછી હું ગાવાનું શું કામ બંધ કરું.

બહુ જ પવન વાય છે તો નીચે પડી જાઉં છું પણ હું ફરી પાછું ઊભું થઈને પણ ગીત ગાવાનું નહીં છોડુ, કારણ કે, ગીત ગાવું મને ગમે છે અને મારું ગીત પવન તો શું કોઈ પણ અટકાવી શકશે નહીં. તમારો સ્વભાવ મદદ કરવાનો છે એટલે તમે મને મદદ કરી. પવનનો સ્વભાવ વહેતા રહેવાનો છે એટલે તે ફૂંકી રહ્યો છે. મારો સ્વભાવ ગાતા રહેવાનો છે એટલે હું ગાતું રહું છું અને દરેક સંજોગોમાં ગાતું રહીશ.’ આટલું બોલી હમિંગ બર્ડ ગીત ગાવા લાગ્યું અને સસલું તે સાંભળતું રહ્યું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top