Comments

૨૦૨૧ ના રાજકારણમાં ઇતિહાસનું પુનરાવર્તન

રાજકારણને ઘણી વાર શકયની કલા કહેવામાં આવે છે અને ઘણા કિસ્સાઓમાં અશકયની કલા પણ કહેવામાં આવે છે કારણ કે સત્તાની શોધમાં સાહસિક રાજકારણીઓ અશકયને પણ સિધ્ધ કરવાની કોશિશ કરે છે. વાસ્તવિકતા એ છે કે અશકયને સિધ્ધ કરવાનું કુદરતના કાયદાની વિરુધ્ધમાં છે, પણ રાજકારણીઓને સંબંધ છે ત્યાં સુધી તેઓ કાનૂન કુદરતના હોય કે માનવીના, તમામ કાન્સોને ફોક કરવાની વૃત્તિ રાખે છે.

બીજી એક લોકપ્રિય કહેવત છે કે ઇતિહાસ પોતાનું પુનરાવર્તન કરે છે અને આ વાત ખુદ ઇતિહાસે પુરવાર કરી છે. ઇતિહાસ જ જોઇ લો, પણ રાજકારણની વાત હોય તો આ કહેવત પણ યથાર્થ રીતે ટકી શકતી નથી. કહેવતમાં મર્મ એ જ રહે છે, પણ ખુરશી બચાવવા કે આંચકી લેવા માટેની કવાયતમાં તે ઊંધી પડે છે. આ બંને શબ્દપ્રયોગોના અર્થ પરિસ્થિતિને જોઇને પલટી મારે છે. એ સમજાવવા માટે ખેડૂતોનાં વર્તમાન આંદોલન અને તેની ફરતેના રાજકારણથી વિશેષ સારી પરિસ્થિતિ બીજી કઇ હોઇ શકે?

હા, ઇતિહાસનું પુનરાવર્તન થઇ રહ્યું છે પણ કુરુક્ષેત્રમાં પાંડવો અને કૌરવો એકબીજાના સ્વરૂપમાં છે. ‘જેલ સે સ્વરાજ મિલા હૈ, જેલ જાને સે ના ડરે’ આવું ટવીટ રાષ્ટ્રીય જનતા દળના બીમાર સુપ્રીમો લાલુપ્રસાદ યાદવ સિવાય બીજું કોણ કરી શકે? લખીમપુર ખેરીમાં આઠ ખેડૂતોને ગૃહ ખાતાના રાજય કક્ષાના પ્રધાનના દીકરાએ કચડી નાંખ્યા હોવાની ઘટના બની હોવાના હેવાલને પગલે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ઘટના સ્થળે જવાની પોતાની યોજના જાહેર કરી ત્યારે આ ટવીટ આવી. રાહુલની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાને ઉત્તરપ્રદેશ પોલીસે અટકાયતમાં લીધી જ છે. ૧૯૭૫ માં દેશમાં કટોકટી લદાયેલી ત્યારે જેલમાં જવાના રાજકીય ફળ મન ભરીને ખાનાર લાલુપ્રસાદ યાદવ સિવાય બીજું કોણ આવી સલાહ આપે? એ વાત જુદી હતી કે તે સમયે તે વાડની બીજી બાજુ હતા અને જયપ્રકાશ નારાયણની આગેવાની હેઠળ તે સમયના વડા પ્રધાન ઇંદિરા ગાંધીને ઉથલાવી પાડવાના પ્રયત્નો કરતા હતા.

દેખીતી રીતે જ લાલુ યાદવ આ સમયસરની ‘ટવીટ’થી રાહુલને ઉત્તર પ્રદેશ સરકાર સાથે ટકકર લેવાની અને જેલયાત્રાએ પોતાને રાજકીય કારકિર્દીમાં કેવી આશ્ચર્યજનક કામગીરી કરી બતાવી તેના દાખલા પરથી શીખવાની સલાહ આપવાની કામગીરી કરી લાગે છે. ઇતિહાસનું અહીં પુનરાવર્તન થાય છે, પણ ઉત્તર પ્રદેશ સરકાર લખીમપુર આવતા અને આંદોલનકારી ખેડૂતોને હમદર્દી બતાવતા તમામ કોંગ્રેસી અને અન્ય વિપક્ષી નેતાઓને જેલના સળિયા પાછળ ધકેલી દે તો ઇતિહાસનું પૂરેપૂરું પુનરાવર્તન થશે? કેન્દ્ર અને રાજયમાં ભારતીય જનતા પક્ષનાં શાસકો પોતાની વિપરીત અને કિન્નાખોર રાજનીતિ કેટલી અપનાવે છે તે જોવાનું રહે છે. આમ છતાં ૧૯૭૫-૭૬ નાં વર્ષોની ઇંદિરા અને કોંગ્રેસ વિરોધ બ્રિગેડના એક સભ્ય લાલુપ્રસાદ યાદવ ઇંદિરાના પૌત્રને મોદી સામે ટકકર લેવાના પાઠ ભણાવે તે ઇતિહાસનું રસપ્રદ પુનરાવર્તન છે. ૧૯૭૫-૭૭ અને ૨૦૨૧ ની પરિસ્થિતિની તુલના ન થઇ શકે એ હકીકત હોવા છતાં!

મહાભારતના સંદર્ભમાં ઇતિહાસનું પલટી મારીને પુનરાવર્તન થઇ રહ્યું છે. ૧૯૭૫ માં ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટી બાબતે મોદી સહિતના એક યા બીજી રીતે કટોકટી સામે લડત આપી જેલમાં ગયેલા નેતાઓ આજે સત્તાનાં ફળ ચાખી રહ્યા છે જયારે કોંગ્રેસ વાડની બીજી બાજુએ છે. તાજેતરમાં ભૂતકાળમાં અને ખાસ કરીને લખીમપુર ખેરી ઘટનામાં ભારતીય જનતા પક્ષ પોતે કટોકટી દરમ્યાન જે સિધ્ધાંત પર લડયો હતો તેના પ્રત્યે નહીંવત્‌ આદર દર્શાવે છે. વાજપેયી અને અડવાણીના યુગમાં આ સિધ્ધાંતોનું અમુક હદે પાલન થયું હતું પણ હવે તો તદ્દન જુદી જ વાત છે અને તેનું પ્રતિબિંબ વિપક્ષી નેતાઓને, ખાસ કરીને કોંગ્રેસના નેતાઓને ઘટના સ્થળે જતાં જે રીતે રોકવામાં આવી રહ્યા છે તેમાં પડે છે. હકીકતમાં પ્રિયંકા સિવાયના ઘણા નેતાઓને આગળ મુસાફરી કરવા માટે લખનૌ વિમાની મથકની બહાર જ જવા દેવામાં આવ્યા ન હતા.

એક ડગલું આગળ ભરીને યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની સરકારે મુલ્કી ઉડ્ડયન વિભાગના મહાનિયામકને મળીને વિનંતી કરી હતી કે ગાંધી અને તેમની સાથેના બે મુખ્યપ્રધાનોની ટુકડીને દિલ્હીની બહાર જ વિમાનમાં જતા રોકવામાં આવે. 1975 ની કટોકટી સામે જીવસટોસટની લડાઇ કરનાર જયપ્રકાશ નારાયણનો આત્મા આ બધું જોઇ કેટલું કકળતો હશે? તેઓ એવું વિચારતા હશે કે અભિવ્યકિત અને આવનજાવનની મુકિત માટે હું જે જનસંઘ એટલે કે હાલની ભારતીય જનતા પક્ષને સાથે રાખીને લડયો હતો તેના જ રાજમાં 10 મહિનાથી ખેડૂતો મરણ અને વિનાશનો સામનો કરી લડત આપી રહ્યા છે તેને કોઇ સાંભળતું નથી?

ભારતીય જનતા પક્ષ ઇંદિરા ગાંધીની ભૂમિકામાં આવી ગયા. પરિસ્થિતિમાં ઝાઝો ફેર નથી સિવાય કે આજે વિરોધ પક્ષમાં એકતા નથી. પણ એ વાત મહત્ત્વની નથી. નેતૃત્વ અને એકતાનો ઉકેલ પરિસ્થિતિમાં છે. 1977 માં પણ આવું જ થયું હતું. એક તરફ રમૂજપ્રેરક પરિસ્થિતિ છે, પણ રાષ્ટ્ર સમક્ષ ઝળુંબતી ગંભીર પરિસ્થિતિનો ઓછાયો પડે છે તો બીજી તરફ ગાંધી ભાઇ-બહેનની આગેવાની હેઠળનો કોંગ્રેસ પક્ષ મર્મસ્થાન પર ઘા કરવા માંગે છે, પણ તેમાં જયપ્રકાશ નારાયણ જેટલી પ્રહારશકિત છે? કોંગ્રેસમાં જૂથવાદ પુષ્કળ ખદબદે છે અને જૂના જોગીઓ બળવો કરે છે. 1975 માં પણ કટોકટી લાદતી વખતે લોખંડી મહિલા ઇંદિરા ગાંધી સમક્ષ આવી જ પરિસ્થિતિ હતી.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top