Editorial

અતિ ધનાઢ્યોની સંખ્યાની દષ્ટિએ ભારતનો વિશ્વમાં ત્રીજો ક્રમ: જો કે આ બહુ ખુશ થવા જેવું નથી

હાલમાં એક એવા અહેવાલ આવ્યા છે કે ભારતમાં અતિ ધનાઢ્ય કહી શકાય તેવાં લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે અને આવાં ધનાઢ્ય લોકોની સંખ્યાની દષ્ટિએ આખા વિશ્વમાં ભારતનો ત્રીજો ક્રમ આવે છે. જેમને અતિ ધનાઢ્ય કહી શકાય તેવાં લોકોની સૌથી વધુ સંખ્યા અમેરિકામાં છે. આવા લોકોની સંખ્યાની બાબતમાં બીજા ક્રમે ચીન આવે છે અને ત્રીજા ક્રમે આપણું ભારત આવે છે. ગયા વર્ષ, એટલે કે વર્ષ ૨૦૨૧ દરમ્યાન ભારતમાં અતિ ધનાઢ્ય કે ખૂબ વધુ મિલકતો ધરાવતાં લોકોની સંખ્યામાં ૧૧ ટકાનો વધારો થયો છે. અહીં વાત અલ્ટ્રા હાઇ નેટવર્થ પ્રોપર્ટી ધરાવતાં લોકોની છે, જેમની પાસે અઢળક શબ્દ પણ નાનો પડે એટલી બધી સંપત્તિ છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતમાં આવાં લોકોની સંખ્યા નોંધપાત્ર રીતે વધી છે. મુકેશ અંબાણી કે ગૌતમ અદાણી આમાં ટોચ પર આવે, પરંતુ બીજા પણ એવાં નોંધપાત્ર સંખ્યામાં લોકો, કુટુંબો એવાં છે કે જેમની નેટવર્થ ખૂબ ઊંચી છે. આમાં મોટે ભાગે તો ઉદ્યોગપતિઓ જ આવે છે. આવા અતિ ધનાઢ્યોની સંખ્યાની ગણતરી માટે વેલ્થ રિપોર્ટ ૨૦૨૨ માં ત્રણ કરોડ ડૉલરનો માપદંડ નક્કી કરવામાં આવ્યો છે, એટલે કે જે વ્યક્તિઓ, કુટુંબોની મિલકતો ત્રણ કરોડ ડોલર કરતાં વધારે હોય તેમને અતિ ધનાઢ્યોમાં ગણીને તેમની સંખ્યા ગણવામાં આવી છે. ભારતમાં આવાં લોકોની સંખ્યા વધી છે તે જાણીને ઘણાને આનંદ થશે. કેટલાંક વળી આને દેશની પ્રગતિ પણ ગણાવે, પરંતુ ખરેખર તો આ બહુ ખુશ થવા જેવી બાબત નથી. આપણા દેશની વિશાળ વસ્તીમાં આવાં લોકોની ટકાવારી કેટલી? અને તેની સામે રોજબરોજના જીવનમાં સખત આર્થિક સંકડામણ અનુભવતાં લોકો કેટલાં બધાં છે તે વિચારતાં આપણો બધો ઉત્સાહ ઓગળી જાય તેવી હાલત છે.

જેઓ ત્રણ કરોડ ડૉલર(લગભગ રૂ. ૨૨૬ કરોડ) કે તેથી વધુની ચોખ્ખી મિલકતો ધરાવતાં હોય તેવા અતિ-ધનિક વર્ગમાં આવતાં લોકોની સંખ્યા ભારતમાં ગયા વર્ષે ૧૧ ટકા વધી છે, જે તેજીભર્યા ઇક્વિટી બજાર અને ડિજિટલ ક્રાંતિના કારણે થયું છે એમ નાઇટ ફ્રેન્ક તરફથી મળેલા આંકડાઓ જણાવે છે. વાત સ્પષ્ટ છે કે મોટે ભાગે તો મોટી કંપનીઓના પ્રમોટરો કે મોટા પ્રમાણમાં કંપનીઓના શેરો ધરાવતા લોકો કે પછી જેઓ ડિજિટલાઇઝેશનનો લાભ સારી રીતે ઉઠાવી શકે તેવાં લોકોની મિલકતો અઢળક વધી છે. વર્ષ ૨૦૨૧ માં વિશ્વભરમાં અબજપતિઓની વસ્તીની દષ્ટિએ ભારતનો ક્રમ ત્રીજો આવતો હતો. આ બાબતમાં ૭૪૮ અબજપતિઓ સાથે અમેરિકાનો પહેલો ક્રમ અને પપ૪ અબજપતિઓ સાથે ચીનની મુખ્યભૂમિનો બીજો ક્રમ આવતો હતો. ત્રીજા ક્રમે આવતા ભારતમાં ૧૪૫ અબજપતિઓ છે. ભારતની ૧૩૦ કરોડની વસ્તીમાં આ ૧૪૫ અતિ ધનાઢ્યો છે અને તેઓ એક સામાન્ય ભારતીયની મિલકત કરતાં સેંકડો ગણી મિલકતો ધરાવે છે તે સ્વાભાવિક બાબત છે.

વેલ્થ રિપોર્ટ ૨૦૨૨ ની લેટેસ્ટ આવૃત્તિમાં પ્રોપર્ટી કન્સલ્ટન્ટ નાઇટ ફ્રેન્ક જણાવે છે કે  ૨૦૨૧ માં વિશ્વભરમાં ખૂબ ઊંચા મૂલ્યની કુલ ચોખ્ખી મિલકતો ધરાવતાં લોકોની સંખ્યા ૯.૩ ટકા વધી હતી અને ૬૧૦પ૬૯ પર પહોંચી હતી, જે તેની અગાઉના વર્ષમાં પપ૮૮૨૮ હતી. ભારતમાં ૨૦૨૧ માં વર્ષો-વર્ષના ધોરણે આ અતિ ઊંચી સંપત્તિઓ (૩૦ મિલિયન ડોલર કે તેથી વધુ) ધરાવતાં લોકોની સંખ્યા ૧૧ ટકા વધી છે, જે વૃદ્ધિની ટકાવારી વિશ્વમાં સૌથી ઊંચી હતી એમ નાઇટ ફ્રેન્કે એક નિવેદનમાં જણાવ્યું હતું. ભારતમાં ખૂબ વધુ મિલકતો ધરાવતાં લોકોની સંખ્યા ૨૦૨૧ માં ૧૩૬૩૭ થઇ હતી જે તેની અગાઉના વર્ષમાં ૧૨૨૮૭ હતી. ભારતનાં શહેરોમાં બેંગલુરુમાં અતિ ધનિકોની સંખ્યામાં સૌથી વધુ વધારો ૧૭.૨ ટકાનો નોંધાયો છે જ્યાં આવા ધનવાનો વધીને ૩પ૨ થયા છે, જેના પછી દિલ્હી(૧૨.૪ ટકા, ૨૧૦) અને મુંબઇ(૯ ટકા, ૧૫૯૬)નો ક્રમ આવે છે. સમજી શકાય છે કે મોટે ભાગે તો મહાનગરોમાં જ આવા ધનપતિઓ વસે છે. મુંબઇ મહાનગરમાં પરંપરાગત રીતે સૌથી વધુ ધનપતિઓ વસે છે. જો કે આવાં ધનાઢ્યોની સંખ્યામાં વધારો હાલમાં બીજાં મહાનગરોમાં વધુ થયો છે. 

આપણે પહેલાં જ જોઇ ગયા કે ભારતમાં આવા અતિ ધનાઢ્યોની સંખ્યા વધી તેથી સામાન્ય ભારતીયે બહુ ખુશ થવા જેવું નથી. દેશની વસ્તી ૧૩૦ કરોડ કરતાં વધારે છે અને તેની સામે આવાં ધનાઢ્યોની સંખ્યા ખૂબ ઓછી કહી શકાય તે તો સમજ્યા, પરંતુ દેશની વસ્તીનો ઘણો મોટો ભાગ રોજિંદા જીવનમાં બે છેડા ભેગા કરવામાં પણ મુશ્કેલી અનુભવે છે તે વાત નોંધપાત્ર અને ખૂબ કઠે તેવી છે. આમ તો આ અતિ ધનાઢ્યો ઉપરાંત પણ બીજા ઘણા ધનવાનો છે. આ ધનવાનોને પણ જુદી જુદી અનેક કેટેગરીમાં વહેંચી શકાય.

દેશના નાનાં-મોટાં શહેરોમાં વસતા કરોડપતિ વેપારીઓ કે ગ્રામ્ય વિસ્તારોમાં વસતા કેટલાક મોટા જમીનદારો અને ખેડૂતો પણ પોતપોતાની રીતે ધનવાનો છે. જેમણે પોતાની મિલકતો રૂ. ૧ કરોડ કે તેથી વધુ જાહેર કરી હોય તેવાં લોકોની સંખ્યા ભારતમાં ૯૮૦૦૦ જેટલી છે. એટલે કે ૯૮૦૦૦ લોકો ભારતમાં કરોડપતિ છે એમ કહી શકાય. ભારતની વસ્તીના આ એક ટકા પણ થતા નથી. જો કે ઉપલા મધ્યમ વર્ગનાં લોકોનો પણ પૈસે ટકે સુખી વર્ગમાં સમાવેશ કરી શકાય, છતાં ફરી ફરીને એ જ વાત આવે છે કે ભારતમાં આર્થિક સંઘર્ષો કરતાં લોકોની સંખ્યા ઘણી મોટી છે અને કોરોનાના રોગચાળા પછી તો તેમાં ઓર વધારો થયો છે અને એટલે જ અતિ ધનાઢ્યોની સંખ્યા ભારતમાં વધી તે બાબત બહુ ખુશ થવા જેવી નથી.

Most Popular

To Top