Vadodara

ચપ્પલના કારખાનાની આડમાં ચરસ વેચતો કેરિયર ઝડપાયો

વડોદરા: શહેર નજીક આવેલ જી.એસ.એફ.સી.થી ઓમકારપુરા ચાર રસ્તા તરફ જતા રોડ પર તળાવ સામે આવેલા ચપ્પલ બનાવવાના કારખાનાની આડમાં નશાયુક્ત પદાર્થનું વેચાણ કરતા કેરિયરને છાણી પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે 303 ગ્રામ નશાયુક્ત પદાર્થ ચરસનો જથ્થો કબજે લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત ચરસ લેવા આવનાર ટ્રક ડ્રાયવર પણ પોલીસના સકંજામાં આવી જતા પોલીસે તેની પણ ધરપકડ કરી છે. તેમજ નશાયુક્ત પદાર્થ ચરસ વેચાણ અર્થે આપનાર બે સપ્લાયરને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.

શહેરની છાણી પોલીસનો સ્ટાફ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે  દરમિયાન બાતમી મળી હતી કે, શહેર નજીક આવેલ જી.એસ.એફ.સી. થી ઓમકારપુરા ચાર રસ્તા તરફ જતા રોડ પર તળાવ સામે આવેલા ચપ્પલ બનાવવાના કારખાનામાં કેરિયર જસ્મિન દિનેશભાઇ ગજેરા ચરસ અને અફિણનો ધંધો કરે છે. જેથી પોલીસે જરૃરી કાર્યવાહી કરી છાણી પોલીસે ઉપરોક્ત સ્થળે દરોડો પાડ્યો હતો.દરોડા દરમિયાન પોલીસે મકાનના ઉપરના માળે જઇને તપાસ કરતા નશાયુક્ત પદાર્થ ચરસ લેવા આવેલો ટ્રક ડ્રાયવર સુરેન્દ્રસીંગ બલદેવસીંગ સૈની (રહે.ધનકુવા સોસાયટી,કરયિયારોડ,બાજવા ) મળી આવ્યો હતો.

પોલીસે મકાનમાં તપાસ કરતા બારીની નજીક ટેબલ પરથી નશાયુક્ત પદાર્થ ચરસ મળી આવ્યું હતું.આ અંગે તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે,એક મહિના પહેલા પોતાના મિત્ર  પાર્થ  પ્રદિપભાઇ કાલે (રહે.સેફ્રોન બ્લીસ,પ્રિત બંગલો  પાસે છાણી કેનાલરોડ)  સાથે ઓલ્ડ પાદરારોડ પર ગયો હતો .તે સમયે યાકુતપુરામાં રહેતા સપ્લાયર શાહનવાઝ ઉર્ફે શાનુ શેખ પાસેથી લીધો હતો.પોલીસે 303.08 ગ્રામ નશાયુક્ત પદાર્થ ચરસ કિંમત રૃપિયા 44,465 અને રોકડા ૧૧,૬૦૦ તેમજ બાઇક અને મોપેડ મળીને કુલ રૃપિયા ૧.૫૭ લાખનો મુદ્દામાલ કબજે લીધો છે.  પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે,આરોપી છેલ્લા અઢી મહિનાથી ચરસનો ધંધો કરતો હતો.પોલીસે પાર્થ અને શાહનવાઝને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. જયારે જસ્મિન દિનેશભાઇ ગજેરા અને સુરેન્દ્રસીંગ ગજેરાની ધરપકડ કરી છે. આ ઉપરાંત પોલીસે એનડીપીએસ ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top