સની કૌશલ અને રાધિકા મદાન અભિનીત ‘શિકૃત’ હમણાં રજૂ થઇ છે. પ્રેક્ષકોનું એવું હોય છે કે અરબાઝ ખાન ફિલ્મમાં આવે તો સલમાન ખાન કરતાં કેવો એવું વિચારી ફિલ્મ જુએ. અપારશકિત ખુરાનાને જોનારા તરત જ આયુષ્યમાન ખુરાના સાથે તુલના કરે. આવું તો થાય જ ને થતું રહેશે પણ આવી તુલનામાં એક ભાઇ માપદંડ બની જતો હોય છે ને લોકો તેનાથી જ માપે એટલે બીજા ભાઇને ખોટું લાગે ને કહે કે બધાની ટેલેન્ટ સરખી ન હોય. સની કૌશલ વિકી કૌશલનો ભાઇ છે એટલે લોકો વિચારે છે કે વિકી સામે આ સની વિક છે કે પારવફૂલ? સની કહે છે કે ‘શિદ્દત’ મને કાંઇ ભાઇના કારણે નથી મળી. ઘણા ઓડીશન્સ આપ્યા પછી દિનેશ વિજન અને કુણાલ દેશમુખે મને કામ આપ્યું છે. બાકી, મેં તો વાર્તા સાંભળી ત્યારે જ થયેલું કે આમાં મારે કામ કરવું છે.
એમાં જે પ્રેમ છે તે જૂદો છે. હા, હું જયારે ઓડીશન્સ આપતો હતો ત્યારે હું વિકી જેવો છું કે વધુ સારો યા ખરાબ છું તેવું તેઓ માપી રહયા હતા, કારણ કે વિકી કૌશલની ફિલ્મ ખૂબ સફળ થઇ ચુકી હતી. પણ મારું કહેવું છે કે અમારા બન્નેની યાત્રા જૂદી છે, સંઘર્ષ જૂદા છે,એટલે પરિણામ પણ જૂદા છે. અમે બંને અમારી રીતે પ્રયત્ન કરીએ છીએ બાકી તેની ને મારી યાત્રા સ્વતંત્ર છે. એટલે એકબીજા સાથે અમને જોડવાનો અર્થ નથી. સનીએ ‘માય ફ્રેન્ડ પિન્ટો’ અને ‘ગુંડે’માં સહાયક દિગ્દર્શક તરીકે શરૂઆત કરેલી અને પછી ‘સનશાઇન મ્યુઝિક ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ’થી અભિનય આરંભેલો. ત્યાર બે શોર્ટ ફિલ્મ બાદ આ ‘શિદ્દત’માં કામ કર્યું છે ને ‘હુર્ડંગ’ આવી રહી છે. સની ત્રણેક મ્યુઝિક વિડીયો ઉપરાંત ત્રણ વેબ સિરીઝમાં કામ કરી ચુકયો છે એટલે વિકી કૌશલ સાથે તુલના ન કરો તો ચાલે. વિકી તો અત્યારે ‘સરદાર ઉદ્યમસીંગ’માં રોકાયેલો છે અને મોટી ફિલ્મોમાં દેખાશે. સની હજુ મોટી ફિલ્મોમાં સ્વીકાર પામ્યો નથી.