Gujarat Main

રાજ્યમાં મેઘમહેર: 14 સપ્ટે.સુધી આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

ગાંધીનગર: (Gandhinagar) હવામાન વિભાગે આગામી 20 મી સપ્ટેમ્બર સુધીમાં રાજ્યભરમાં સારા વરસાદની (Rain) આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસરથી 14 મી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની વકી, બુધવાર સુધીમાં વરસાદની સિસ્ટમ સર્જાવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. 8 અને 9 સપ્ટે.એ દક્ષિણ ગુજરાત (South Gujarat) અને સૌરાષ્ટ્રમાં (Saurashtra) અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાજીમાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદ વરસતા પંથકમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. વાદળ ફાટ્યું હોવાથી પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ સુરત શહેર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં બપોર પછી ભારે વરસાદ વરસી રહ્યો છે.

 હવામાન વિભાગે (Weather department) આગામી 14 સપ્ટેમ્બર સુધી સારો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. આ દરમિયાન આઠમી સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ સારો વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર અને રાજસ્થાન પર સાઈક્લોનિક સર્ક્યુલેશન (Cyclonic circulation) સક્રિય થતા ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે.

મંગળવાર બપોરથી સુરતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં મંગળવારે વરસાદની સંભાવના છે. જેમાં વલસાડ અને દમણ તથા દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, કચ્છ, દીવ, ઉત્તર ગુજરાતના દાહોદ, પંચમહાલ, મહીસાગર અને અમદાવાદમાં સામાન્ય વરસાદની સંભાવના છે. જ્યારે બુધવારે વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ, ભરુચ અને દમણમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે સૌરાષ્ટ્ર-કચ્છ, દીવ, દમણ તથા દાદરા નગર હવેલી સહિત સમગ્ર ગુજરાતમાં સારો એવો વરસાદ વરસી શકે છે.

અમદાવાદ સહિત મોટા ભાગના વિસ્તારોમાં 8 થી 14 સપ્ટેમ્બર મધ્યમથી ભારે તથા કેટલીક જગ્યાએ અતિભારે વરસાદ પડશે, જેને કારણે વરસાદની જે ઘટ પડી છે તે પૂરાશે અને ખેડૂતો માટે સારા સમાચાર લઈને આવશે. હાલમાં રાજ્યમાં વરસાદની ગેરહાજરીને કારણે ગુજરાતમાં કુલ વરસાદની ઘટ 41 ટકા છે, પરંતુ આગામી અઠવાડિયામાં સારા વરસાદને કારણે રાજ્યમાં વરસાદની ઘટ પૂરાશે તેમજ નોંધપાત્ર વધારો થવાના સંકેતો હવામાન વિશેષજ્ઞે આપ્યા છે.

ક્યાં કેટલો વરસાદ

રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 49.78% વરસાદ પડ્યો છે. કચ્છમાં સરેરાશ 49.49% વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં 277.88 મિ.મી. વરસાદ સાથે 38.78% સરેરાશ વરસાદ થયો છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં 358.47 મિ.મી. સિઝનનો સરેરાશ વરસાદ પડ્યો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં 44.46% ટકા વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં અત્યારસુધી 344.05 મિ.મી. વરસાદ સાથે 49.11 ટકા વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે 828.68 મિ.મી વરસાદ પડ્યો છે.

Most Popular

To Top