મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં આવક મર્યાદા આઠ લાખ કરવાની માંગ કરતાં ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ખાનગી મેડીકલ કોલેજની વાર્ષિક ફી રૂ. ૬,૦૦,૦૦૦ થી રૂ. ૮,૭૦,૦૦૦ (સ્ટેટ ક્વોટા) સુધીની છે. આટલી ઉંચી ફી હોવાના લીધે અનેક વાલીઓને પોતાના સંતાન માટે મિલકત ગીરવે મુકવી પડે, વ્યાજે નાણાં લેવા પડે, દાગીના વેચવાની તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
ડૉ. મનીષ દોશીએ વધુમાં કહ્યું હતું કે મેડીકલ કોલેજોમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં રૂ. ૬ લાખથી ઓછી આવક ધરાવતા વિદ્યાર્થીઓને રૂ. ૨ લાખ અથવા તો ૫૦ ટકા ફી આ બેમાંથી જે ઓછુ હોય તે સ્કોલરશીપ નિશ્ચિત કરેલી છે. ૨૦૧૫-૧૬માં ખાનગી કોલેજની વાર્ષિક ફી રૂ. ૪ લાખથી ઓછી હતી.
હવે તે ફીનું ધોરણ વર્ષ ૨૦૨૦-૨૧માં લગભગ બમણાંથી વધુ થયું છે. ત્યારે, વાર્ષિક આવકની મર્યાદા પણ MYSY યોજનામાં ૮ લાખ કરવી જોઈએ. કોરોના વૈશ્વિક મહામારીમાં સૌથી વધુ કોઈ વ્યવસ્થા પર અસર થઈ હોય તો તે શિક્ષણ વ્યવસ્થા છે. ૧૪ મહિના જેટલો સમયથી કોલેજો – શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ કાર્ય સંપૂર્ણ બંધ છે સંચાલકોને વિજળી ખર્ચ, વહીવટી ખર્ચ, મેઈન્ટેન્સ ખર્ચ, લેબોરેટરી ખર્ચ સહિતના કોઈ પણ પ્રકારના ખર્ચ થયા નથી ત્યારે સમગ્ર વર્ષની ફી વસુલવાનો નિર્ણય કેટલા અંશે વ્યાજબી ?