મોતની સજાની નાબૂદીની વાતો લાંબા સમયથી ચાલતી આવી છે. મૃત્યુદંડ હોવો જોઇએ કે નહીં તે બાબતે વિશ્વના દેશોમાં મતભેદ છે અને હાલમાં યુએનની સામાન્ય સભામાં પસાર થયેલા એક ઠરાવ પછી આ ચર્ચાને ફરી વેગ મળ્યો છે. ૧૯૩ સભ્યોની બનેલી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ શુક્રવારે મેક્સિકો દ્વારા રજૂ કરાયેલા ‘મૃત્યુદંડના ઉપયોગ પર રોક’ અંગેના પ્રસ્તાવને રેકોર્ડેડ વોટ દ્વારા પસાર કર્યો હતો, જેમાં પ્રસ્તાવની તરફેણમાં ૧૩૩ મત, વિરોધમાં ૩૩ મત પડ્યા હતા અને ૧૬ દેશો મતદાનથી અળગા રહ્યા હતા. ભારતની સાથે બહેરીન, ચીન, ઇજિપ્ત, ઈરાન, ઇરાક, જાપાન, કુવૈત, માલદીવ, ઓમાન, પાકિસ્તાન, કતાર, સાઉદી અરેબિયા અને અમેરિકાએ આ પ્રસ્તાવની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું.
ભારતે આ ઠરાવનો વિરોધ કરતા જણાવ્યું હતું કે મૃત્યુદંડની વિરુદ્ધમાં કોઈ સાર્વત્રિક વૈશ્વિક સર્વસંમતિ નથી, યોગ્ય કાનૂની પ્રક્રિયા દ્વારા આપવામાં આવે તો નાગરિક અને રાજકીય અધિકારો પરના આંતરરાષ્ટ્રીય કરારની કલમ 6 હેઠળ મૃત્યુદંડ માન્ય છે, અને ભારતમાં તેનો ઉપયોગ ફક્ત જવલ્લેમાં જવલ્લે જ બનતા કેસો પૂરતો જ મર્યાદિત છે. ભારતે સાર્વભૌમ રાષ્ટ્રોના પોતાની કાનૂની અને દંડ પ્રણાલી નક્કી કરવાના અધિકારો પર ભાર મૂકતા સુધારાઓને પણ સમર્થન આપ્યું હતું. અમેરિકાએ પણ આ ઠરાવની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. તેમણે ન્યાયી સુનાવણીની ખાતરી પર ભાર મૂકવાની સાથે જણાવ્યું હતું કે મૃત્યુદંડ અંગેના નિર્ણયો વૈશ્વિક આદેશોને બદલે સ્થાનિક લોકશાહી અને બંધારણીય પ્રક્રિયાઓ દ્વારા લેવા જોઈએ.
આ બાબતમાં ભારત અને અમેરિકાની દલીલો યોગ્ય જણાય છે, સજાની માત્રા અને પ્રકારો વિવિધ દેશો પોતે નક્કી કરી શકે છે, જો કે અમાનુષી જણાતી સજા કોઇ દેશોમાં કરવામાં આવતી હોય તો તેની સામે વૈશ્વિક સમુદાય અવાજ ઉઠાવી શકે છે અને ઉઠાવે જ છે. ખાસ કરીને મોટા ભાગના યુરોપિયન દેશો આ ઠરાવની તરફેણ કરે છે. ફ્રાન્સ અને યુરોપિયન યુનિયનના અન્ય સભ્યો જેવા મૃત્યુદંડ નાબૂદીના સમર્થક દેશોએ બહુમતીથી આ ઠરાવ પસાર થવાને સાર્વત્રિક નાબૂદી તરફના એક મહત્વપૂર્ણ પગલા તરીકે આવકાર્યો હતો. ડિસેમ્બર 2007માં ઠરાવ 62/149 થી શરૂ કરીને, સંયુક્ત રાષ્ટ્રો(UN) દર બે વર્ષે સમયાંતરે આવા બિન-બંધનકર્તા સ્થગિતતા ઠરાવો પર મતદાન કરે છે. માનવાધિકાર માટેના ઉચ્ચાયુક્તનું કાર્યાલય વૈશ્વિક ધોરણો પર નજર રાખે છે, જેમાં મૃત્યુદંડ નાબૂદીના હેતુથી ICCPRના બીજા વૈકલ્પિક પ્રોટોકોલનો સમાવેશ થાય છે.
આ પ્રસ્તાવમાં મૃત્યુદંડના સતત અમલ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર યોગ્ય કાયદાકીય સજા નક્કી કરવા સહિત પોતાની આગવી કાયદાકીય પ્રણાલી વિકસાવવાના તમામ દેશોના અધિકારની પુષ્ટિ કરવામાં આવી હતી. તેમાં તમામ દેશોને મૃત્યુદંડ નાબૂદ કરવાના દૃષ્ટિકોણ સાથે ફાંસીની સજા પર રોક લગાવવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, જે દેશોએ મૃત્યુદંડ નાબૂદ કરી દીધો છે તેમને તે ફરીથી લાગુ ન કરવા પણ અપીલ કરવામાં આવી હતી. પ્રસ્તાવમાં એ વાત પર ઊંડી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે મૃત્યુદંડના ઉપયોગને મર્યાદિત કરવાના વૈશ્વિક વલણ છતાં, ૨૦૨૫માં ફાંસીની સજાઓમાં નોંધપાત્ર વધારો થયો હતો.
પ્રસ્તાવમાં તમામ દેશોને મૃત્યુદંડના ઉપયોગને ક્રમશઃ મર્યાદિત કરવા અને ૧૮ વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિઓ દ્વારા કરાયેલા ગુનાઓ માટે, અથવા ગુનો કરતી વખતે જેમની ઉંમર ૧૮ વર્ષથી વધુ હોવાનું ચોક્કસપણે નક્કી કરી શકાય તેમ ન હોય તેવા કિસ્સાઓમાં મૃત્યુદંડ ન આપવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. તેમાં સગર્ભા સ્ત્રીઓ, માનસિક અથવા બૌદ્ધિક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓ તેમજ વૃદ્ધ વ્યક્તિઓ પર મૃત્યુદંડનો ઉપયોગ મર્યાદિત કરવા અને ફરજિયાત મૃત્યુદંડની જોગવાઈ દૂર કરવા સહિત જે ગુનાઓ માટે મૃત્યુદંડ આપી શકાય છે તેની સંખ્યા ઘટાડવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો હતો. ભારત, પાકિસ્તાન જેવા દેશોમાં દેહાંત દંડ જવલ્લે જ બનતા કેસોમાં આપવામાં આવે છે જ્યારે ચીન, સાઉદી અરેબિયા, ઉત્તર કોરિયા જેવા દેશોમાં મૃત્યુદંડનું પ્રમાણ ઉંચુ રહ્યું છે.
આમ તો પ્રાચીન કાળથી દેહાંત દંડની પ્રથા ચાલતી આવી છે અને પ્રાચીન સમયથી જ તેને બહુ સારી પણ માનવામાં આવતી નથી, અને બને ત્યાં સુધી આ સજા ટાળવા પર ભાર મૂકવામાં આવતો રહ્યો છે. મૃત્યુ દંડનો આદેશ લખ્યા બાદ ન્યાયાધીશો પોતાની કલમ તોડી નાખે છે તે બાબત આ સજાને બહુ ઇચ્છનીય માનવામાં આવતી નથી તે સૂચવે છે. જો મૃત્યુદંડ નહીં હોય તો જઘન્ય અપરાધો કરનારાઓ પર ધાક નહીં રહે તેવી દલીલ તેના તરફેણકારો કરે છે તો વિરોધકર્તાઓ કહે છે કે આ સજાનો કોઇ ધાક નથી અને જઘન્ય અપરાધો તો થતા જ રહે છે. લાગે છે કે આ ચર્ચા ચાલતી જ રહેશે અને મૃત્યુદંડ બાબતે કદાચ કયારેય સર્વસંમતિ નહીં સધાય.