દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈ (Flydubai)ની ફ્લાઇટમાં મોટી દુર્ઘટના ટાળવા બદલ ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મછારની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે. ગુરુવારે ગુજરાત સરકારે જાહેરાત કરી હતી કે તે કેપ્ટન સ્મિતને તેમની અસાધારણ બહાદુરી બદલ રાજ્યના પ્રતિષ્ઠિત ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા પુરસ્કાર’થી સન્માનિત કરશે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કેપ્ટન મછાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “ઇઝરાયેલ જતી ફ્લાઇટના પાઇલટ કેપ્ટન સ્મિત મછારની હિંમતને સમગ્ર વિશ્વ સલામી આપી રહ્યું છે. હુમલા બાદ ગંભીર રીતે ઘાયલ હોવા છતાં અને લોહીલુહાણ હાલતમાં પણ તેમણે ૧૭૪ મુસાફરોનો જીવ બચાવવા માટે અદભૂત બહાદુરી દાખવી હતી. આ એક એવું કાર્ય છે જે ખરેખર પ્રેરણાદાયી અને પ્રશંસાને પાત્ર છે.”
“ગુજરાતના આ બહાદુર પુત્રે પોતાની વીરતા દ્વારા વૈશ્વિક મંચ પર રાજ્ય અને દેશનું ગૌરવ વધાર્યું છે. તેમની નસોમાં વહેતી ગુજરાતી ભાવના આપણા સૌને ગૌરવથી ભરી દે છે. બહાદુરી અને માનવતાના આ અસાધારણ કાર્યની કદર રૂપે, ગુજરાત સરકાર કેપ્ટન સ્મિતને ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા પુરસ્કાર’થી સન્માનિત કરશે. સમગ્ર ગુજરાત તેમના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યું છે. દેશના નાગરિકોની લાગણીઓ અને પ્રાર્થનાઓ કેપ્ટન સ્મિત સાથે છે.”
‘કેપ્ટન સ્મિત મછારની નસોમાં ગુજરાતી લોહી’
તેમણે વધુમાં લખ્યું, “તેઓ ગુજરાતી લોહી ધરાવતા ગૌરવશાળી ભારતીય છે – જે આપણી મક્કમતા અને હિંમતનું સાચું પ્રતીક છે. ગુજરાતી મૂળના આ બહાદુર પુત્રે વૈશ્વિક મંચ પર સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે.” “હું તેમની અસાધારણ બહાદુરીને સલામ કરું છું અને તેમના ઝડપી અને સંપૂર્ણ સ્વસ્થ થવાની કામના કરું છું.”
કેપ્ટન સ્મિત અમરેલીના વતની છે
કેપ્ટન સ્મિતનો પરિવાર મૂળ ગુજરાતના અમરેલી જિલ્લાના સાવરકુંડલાનો છે પરંતુ સ્મિતના જન્મ પહેલાં તેમના પિતા મુંબઈના ઘાટકોપર ખાતે સ્થળાંતર કરી ગયા હતા. સ્મિતનો જન્મ અને ઉછેર મુંબઈમાં થયો હતો. મુંબઈમાં તેમના પડોશી રહી ચૂકેલા એક વ્યક્તિએ તેમના વ્યક્તિગત ગુણો વિશે હૃદયસ્પર્શી સંસ્મરણો વાગોળ્યા હતા. પાડોશી ડૉ. જાનિત શાહે જણાવ્યું હતું કે દુબઈ સ્થળાંતર કરતા પહેલા સ્મિત લગભગ ૧૦ થી ૧૫ વર્ષ સુધી તેમની બાજુમાં રહેતા હતા.
વૈશ્વિક પ્રશંસા
કેપ્ટન સ્મિતની બહાદુરીની વૈશ્વિક સ્તરે પ્રશંસા થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ‘હીરો’ ગણાવતા કહ્યું કે તેમની અસાધારણ સંયમશક્તિ, ત્વરિત નિર્ણયશક્તિ અને હિંમતને કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કેપ્ટન મછારના વખાણ કર્યા હતા. નેતન્યાહુએ નોંધ્યું હતું કે પુષ્કળ રક્તસ્રાવ થતો હોવા છતાં મદદ માટે કોકપિટનો દરવાજો ખોલવો એ અસાધારણ બહાદુરીનું પ્રતીક છે જ્યારે ટ્રમ્પે પણ તેમના સાહસિક પગલાની પ્રશંસા કરી હતી.
સહ-પાયલટ દ્વારા છરી વડે હુમલો
ફ્લાઇટ દરમિયાન ઓમાનના રહેવાસી એવા સહ-પાયલટે કોકપિટની અંદર કેપ્ટન સ્મિત પર છરી વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ હોવા અને લોહીલુહાણ હાલતમાં હોવા છતાં, કેપ્ટન સ્મિતે અદમ્ય સાહસનો પરિચય આપ્યો અને હુમલાખોરનો સામનો કર્યો.
કેપ્ટન સ્મિતે કોકપિટનો દરવાજો ખોલીને મુસાફરો અને ક્રૂને જાણ કરી, જેનાથી તેઓ સમયસર હુમલાખોરને કાબૂમાં કરી શક્યા. ત્યારબાદ વિમાને સાઉદી અરેબિયામાં સુરક્ષિત રીતે ઈમરજન્સી લેન્ડિંગ કર્યું અને તમામ ૧૭૪ મુસાફરો તથા ક્રૂ સભ્યોના જીવ બચી ગયા.