Business

આયુષ્યમાનની ફિલ્મમાં પાકિસ્તાની જાસૂસનો રોલ સાંભળી કલ્લૂ બોલ્યો, ‘આ તો અદનાન સામી છે’

‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ના લેટેસ્ટ એપિસોડમાં અભિનેતા આયુષ્યમાન ખુરાના મહેમાન તરીકે પહોંચ્યા હતા. શોમાં તેમની આગામી ફિલ્મ ‘ઉડતા તીર’ને લઈને વાતચીત દરમિયાન તેમના પાત્ર વિશે ચર્ચા થઈ હતી. આ દરમિયાન કોમેડિયન કલ્લૂએ અદનાન સામીનું નામ લઈને એવી ટિપ્પણી કરી કે સ્ટુડિયોમાં હાજર લોકો હસી પડ્યા. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અદનાન સામીએ પણ પોતાની આગવી રમુજી શૈલીમાં તેનો જવાબ આપ્યો છે. આ એપિસોડમાં આયુષ્યમાન ખુરાના સાથે કોમેડિયન કલ્લૂ, રજત સૂદ અને મેન્ટલિસ્ટ સુહાની શાહ પેનલિસ્ટ તરીકે જોવા મળ્યા હતા. વાતચીત દરમિયાન સમય રૈનાએ આયુષ્યમાનને તેમની આગામી ફિલ્મ ‘ઉડતા તીર’ વિશે સવાલ કર્યો હતો. આયુષ્યમાને ફિલ્મની વાર્તા અને પોતાના પાત્ર વિશે કેટલીક રસપ્રદ વાતો જણાવી હતી.

આયુષ્યમાને કહ્યું હતું કે ‘ઉડતા તીર’ દેશભક્તિ અને જાસૂસી પર આધારિત કોમેડી ફિલ્મ છે. ફિલ્મમાં તેઓ પાકિસ્તાની જાસૂસનું પાત્ર ભજવી રહ્યા છે, જે એક મિશનના ભાગરૂપે ભારત આવે છે. જોકે, ભારતમાં આવ્યા બાદ તેની સાથે એક અકસ્માત થાય છે અને તે પોતાની યાદશક્તિ ગુમાવી બેસે છે. ફિલ્મના પાત્રની સૌથી રસપ્રદ વાત એ છે કે અકસ્માત બાદ તેને પોતે ભારતીય હોવાનો ભ્રમ રહે છે. તેને પોતાની દેશભક્તિ તો યાદ રહે છે, પરંતુ તે કયા દેશનો છે એ વાત યાદ રહેતી નથી. આ વિચિત્ર સ્થિતિને કારણે ફિલ્મમાં કોમેડી અને સ્પાય સ્ટોરીનું અનોખું મિશ્રણ જોવા મળશે. આયુષ્યમાન જ્યારે ફિલ્મના પાત્ર વિશે જણાવી રહ્યા હતા ત્યારે કલ્લૂએ વચ્ચે રમુજી ટિપ્પણી કરી હતી. તેણે કહ્યું, ‘તે અદનાન સામી છે.’ કલ્લૂની આ વાત સાંભળીને શોમાં હાજર તમામ લોકો હસી પડ્યા હતા. આ સમગ્ર ક્ષણનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

વીડિયો વાયરલ થયા બાદ તે અદનાન સામી સુધી પણ પહોંચ્યો હતો. સિંગરે આ મજાકને ગંભીરતાથી લેવાને બદલે પોતાની આગવી રમુજી શૈલીમાં તેનો જવાબ આપ્યો. અદનાન સામીએ વીડિયો પર કોમેન્ટ કરતાં લખ્યું, ‘પહેલા મારી પાસેથી રાઇટ્સ લો અને પછી ફિલ્મ બનાવો.’ અદનાન સામીની આ કોમેન્ટ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમની આ પ્રતિક્રિયાએ આખા મામલાને વધુ મજેદાર બનાવી દીધો છે. તેમણે પોતે પણ આ ટિપ્પણીને મજાકના અંદાજમાં લીધી હોવાથી સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયો અને તેમની કોમેન્ટ બંને શેર કરી રહ્યા છે.

અદનાન સામીની નાગરિકતાને કારણે પણ આ મજાક લોકોનું ધ્યાન ખેંચી રહી છે. અદનાન સામીનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો અને તેઓ અગાઉ પાકિસ્તાની નાગરિક હતા. વર્ષ 2016માં તેમને ભારતીય નાગરિકતા મળી હતી. ભારતીય નાગરિકતા મળ્યા બાદ તેઓ ભારતમાં જ રહે છે અને ભારતીય મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં લાંબા સમયથી સક્રિય છે. આ જ પૃષ્ઠભૂમિના કારણે કલ્લૂએ આયુષ્યમાનના પાકિસ્તાની જાસૂસના પાત્રની વાત સાંભળીને અદનાન સામીનું નામ લઈને મજાક કરી હતી. જોકે, અદનાન સામીએ પણ પોતાની કોમેન્ટ દ્વારા સ્પષ્ટ કરી દીધું કે તેમણે આ વાતને હળવા-ફૂલકા મજાક તરીકે જ લીધી છે.

‘ઉડતા તીર’ની વાત કરીએ તો ફિલ્મની કહાની એક એવા પાકિસ્તાની જાસૂસની આસપાસ ફરે છે, જે ભારત આવે છે અને અકસ્માત બાદ પોતાની ઓળખ ભૂલી જાય છે. તેને દેશભક્તિની લાગણી યાદ રહે છે, પરંતુ તે પાકિસ્તાની છે કે ભારતીય તે ભૂલી જાય છે. આ કારણે ફિલ્મમાં જાસૂસી સાથે કોમેડીનો તડકો જોવા મળશે. આયુષ્યમાન ખુરાના અગાઉ પણ અલગ પ્રકારની ભૂમિકાઓ માટે જાણીતા રહ્યા છે અને ‘ઉડતા તીર’માં પણ તેમની ભૂમિકા સામાન્ય સ્પાય ફિલ્મોથી અલગ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ફિલ્મની વાર્તા, આયુષ્યમાનનું પાત્ર અને હવે ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં થયેલી આ મજાકને કારણે ફિલ્મની ચર્ચા વધુ વધી છે. હાલમાં સોશિયલ મીડિયા પર આયુષ્યમાનની વાતચીતનો વીડિયો અને અદનાન સામીની કોમેન્ટ બંને વાયરલ થઈ રહ્યા છે. ખાસ કરીને અદનાન સામીના ‘રાઇટ્સ’વાળા જવાબને લોકો રમુજી રીતે લઈ રહ્યા છે. આ સમગ્ર ઘટનામાં ફિલ્મના પાત્રને લઈને થયેલી એક મજાકે અદનાન સામીને ફરી ચર્ચામાં લાવી દીધા છે.

Most Popular

To Top