રવિવારે સાંજે પંજાબના ફગવાડા સ્થિત લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (LPU)માં પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જ્યારે પોલીસ વિદ્યાર્થીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે તેમના પર બોટલો ફેંકવામાં આવી હતી. પોલીસે તેના જવાબમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો અને વિદ્યાર્થીઓએ વળતા જવાબમાં પોલીસ પર પથ્થરમારો કર્યો.
આ વિવાદની શરૂઆત શનિવારે રાત્રે થઈ હતી. વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો હતો કે એક વિદ્યાર્થિની પર બળાત્કાર થયો હતો અને ત્યારબાદ તેણે આત્મહત્યા કરી લીધી હતી. તે રાત્રે સોશિયલ મીડિયા પર આ અંગેનો સંદેશ વાયરલ થયા પછી, હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા.
વિદ્યાર્થીઓએ કેમ્પસમાં તોડફોડ કરી અને તેના એક ભાગમાં આગ લગાવી દીધી. બાદમાં, સવારે 7 વાગ્યે, તેમણે દિલ્હી-અમૃતસર નેશનલ હાઈવે પર ધરણાં કર્યા, જેના કારણે ટ્રાફિક જામ સર્જાયો. શરૂઆતમાં પોલીસે જણાવ્યું હતું કે તપાસમાં બળાત્કારના કોઈ પુરાવા મળ્યા નથી જોકે, પરિસ્થિતિ વણસતા FIR નોંધવામાં આવી હતી.
પોલીસનું નિવેદન: SITની રચના, જેમાં 5 વિદ્યાર્થીઓનો સમાવેશ
DIG નવીન સિંગલાએ જણાવ્યું હતું કે FIR નોંધવા ઉપરાંત, આ મામલાની તપાસ માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે, જેમાં પાંચ વિદ્યાર્થીઓને સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા છે. તેમ છતાં, વિદ્યાર્થીઓ તેમનો વિરોધ ચાલુ રાખી રહ્યા છે. દરમિયાન, યુનિવર્સિટીએ તમામ પ્રવેશદ્વારો બંધ કરી દીધા, જેનાથી વિદ્યાર્થીઓ રોષે ભરાયા; તેમણે એક પ્રવેશદ્વાર તોડી નાખ્યું. તેઓ યુનિવર્સિટીના ચાન્સેલર અશોક મિત્તલને બોલાવવાની માંગ પર અડગ છે અને તેમણે પાંચ માંગણીઓ રજૂ કરી છે. યુનિવર્સિટી વહીવટીતંત્રે બળાત્કારના આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે અને વિદ્યાર્થીઓને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. આ યુનિવર્સિટી ભાજપના રાજ્યસભા સાંસદ અશોક મિત્તલની માલિકીની છે.
હોબાળો કેવી રીતે શરૂ થયો
શનિવારે રાત્રે સોશિયલ મીડિયા પર એક શંકાસ્પદ સંદેશ ઝડપથી ફેલાયો હતો. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે બહારની વ્યક્તિએ ગર્લ્સ હોસ્ટેલમાં પ્રવેશ કર્યો અને એક વિદ્યાર્થિની પર બળાત્કાર કર્યો. જેમ જેમ સંદેશ વાયરલ થયો તેમ વિદ્યાર્થીઓનો રોષ ભભૂકી ઉઠ્યો અને તેઓ હોસ્ટેલની બહાર એકઠા થવા લાગ્યા. મોડી રાત્રે, વિદ્યાર્થીઓએ સુરક્ષા કર્મચારીઓ અને વહીવટીતંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું. તેમણે આક્ષેપ કર્યો હતો કે કેમ્પસમાં સુરક્ષા વ્યવસ્થા અપૂરતી હતી, જેના કારણે બહારના લોકો સરળતાથી અંદર આવી શકતા હતા. રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ કેમ્પસની સંપત્તિને નુકસાન પહોંચાડવાનું શરૂ કર્યું અને એક સ્થળે આગ પણ લગાવી દીધી. ત્યારબાદ, વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના મુખ્ય પ્રવેશદ્વાર તરફ આગળ વધ્યા અને તોડફોડ કરી. મુખ્ય દ્વારની બહાર નીકળ્યા પછી, તેમણે ચંદીગઢ-અમૃતસર નેશનલ હાઈવે પર ધરણાં કર્યા, જેના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ.
વિદ્યાર્થીઓનો દાવો: બળાત્કારની પીડિતાએ આત્મહત્યા કરી
વિદ્યાર્થીઓ દ્વારા એક વીડિયો પણ વાયરલ કરવામાં આવી રહ્યો છે, જેમાં કથિત રીતે બળાત્કારનો ભોગ બનેલી વિદ્યાર્થિની જોવા મળે છે. એવો આક્ષેપ છે કે વિદ્યાર્થિનીએ હોસ્ટેલ વોર્ડન અને મેનેજમેન્ટને બળાત્કારની ઘટના વિશે જાણ કરી હતી, પરંતુ તેઓ તેની ફરિયાદનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ રહ્યા અને તેને ઘરે પાછી મોકલી દીધી. વિદ્યાર્થીઓનો દાવો છે કે તે બે દિવસ પછી ઘરેથી યુનિવર્સિટી હોસ્ટેલમાં પાછી ફરી હતી અને તે જ રાત્રે હોસ્ટેલની છત પરથી કૂદીને તેણે પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી.