SURAT

સુરતમાં અશ્વિનીકુમાર રોડ પર સ્લેબ તૂટી પડતાં 19 વર્ષીય આલોક કાટમાળ નીચે દબાયો, એકના એક દીકરાને ગુમાવતા પરિવારનો હૈયાફાટ આક્રંદ

સુરતના અશ્વિનીકુમાર રોડ પર આવેલા સરસ્વતી એપાર્ટમેન્ટમાં સ્લેબ તૂટી પડતાં 19 વર્ષીય ડિપ્લોમા એન્જિનિયરિંગના વિદ્યાર્થીનું મોત થયું છે. આલોક શિવરતન નામનો યુવક પોતાના રૂમમાં હાજર હતો ત્યારે અચાનક ચોથા માળનો સ્લેબ અને ફ્લોરિંગ ધડાકાભેર નીચે તૂટી પડ્યું હતું. સ્લેબના કાટમાળ નીચે આલોક દબાઈ ગયો હતો અને તેને ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગના જવાનોએ કાટમાળ હટાવી આલોકને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ તેને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ 108ની મદદથી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, ત્યાં ફરજ પર હાજર તબીબોએ આલોકને મૃત જાહેર કર્યો હતો.

આલોક રૂમમાં આરામ કરી રહ્યો હતો ત્યારે જ અચાનક સ્લેબ તૂટી પડ્યો હતો. ઘટનાના પગલે આસપાસના લોકોમાં પણ દોડધામ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કાટમાળમાંથી યુવકને બહાર કાઢવામાં આવતો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં રેસ્ક્યૂ ટીમની કામગીરી જોવા મળી રહી છે. આલોકના મોતના સમાચાર મળતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. આલોક 19 વર્ષનો હતો અને ડિપ્લોમા એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. તે રત્નકલાકાર માતા-પિતાનો એકનો એક દીકરો હતો. આશાસ્પદ દીકરાને અચાનક ગુમાવતાં પરિવારજનોમાં હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું. દીકરાના મોતથી સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

આ ઘટનાને લઈને મૃતકના પિતાએ મકાનની સ્થિતિ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમના કહેવા મુજબ, એપાર્ટમેન્ટ પહેલેથી જ જર્જરિત હાલતમાં હતું, તેમ છતાં મકાનમાલિક તરફથી રહેતા લોકોને કોઈ યોગ્ય ચેતવણી આપવામાં આવી નહોતી. પરિવારનો આક્ષેપ છે કે જો મકાનની જોખમી સ્થિતિ અંગે સમયસર જાણ કરવામાં આવી હોત અને જરૂરી તકેદારી રાખવામાં આવી હોત તો આ દુર્ઘટના કદાચ ટાળી શકાય તેમ હતી. દીકરાના મોત બાદ પરિવારજનો જવાબદારો સામે કાર્યવાહી અને ન્યાયની માંગ કરી રહ્યા છે.

આ દુર્ઘટના બાદ તંત્ર પણ હરકતમાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં સુરતના સાંસદ મુકેશ દલાલ, સ્થાનિક કોર્પોરેટરો અને પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. બિલ્ડિંગની સ્થિતિને ધ્યાનમાં રાખીને અહીં રહેતા અન્ય પરિવારોને પણ તાત્કાલિક ફ્લેટ ખાલી કરાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. વધુ કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે આ પગલું લેવામાં આવ્યું હતું. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને મકાનની સ્થિતિ તથા દુર્ઘટનાના કારણ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ, સરસ્વતી એપાર્ટમેન્ટ 30 વર્ષથી પણ વધુ જૂનું છે. એપાર્ટમેન્ટમાં કુલ 16 ફ્લેટ આવેલા છે. બિલ્ડિંગ જર્જરિત હોવાને કારણે અગાઉ સુરત મહાનગરપાલિકા દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી. નોટિસ બાદ 8 પરિવારો મકાન ખાલી કરીને અન્ય જગ્યાએ રહેવા જતા રહ્યા હતા. જોકે, આલોકના પરિવાર સહિત અન્ય 8 પરિવારો હજુ પણ આ જ બિલ્ડિંગમાં રહેતા હતા.

આ ઘટનાએ જર્જરિત મકાનોમાં રહેતા લોકોની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે. એક તરફ અગાઉથી બિલ્ડિંગને લઈને નોટિસ આપવામાં આવી હોવાની વાત સામે આવી છે, તો બીજી તરફ કેટલાક પરિવારો હજુ પણ ત્યાં રહેતા હતા. હવે આલોકના મોત બાદ જર્જરિત મકાનમાં રહેતા બાકીના પરિવારોની સલામતીનો મુદ્દો પણ મહત્વનો બન્યો છે. એક તરફ ફાયર બ્રિગેડે સમયસર પહોંચી આલોકને કાટમાળમાંથી બહાર કાઢ્યો હતો, પરંતુ ગંભીર ઈજાઓને કારણે તેનો જીવ બચાવી શકાયો નહોતો. 19 વર્ષના એકના એક દીકરાના અચાનક મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પરિવારજનો માટે આ ઘટના જીવનભરનો આઘાત બની ગઈ છે.

વીડિયો જોવા અહીં ક્લિક કરો

Most Popular

To Top