દેશભરના લાખો કર્મચારીઓ માટે પ્રોવિડન્ટ ફંડ (PF) અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે EPFO હેઠળ ફરજિયાત કવરેજ માટેની વેતન મર્યાદામાં વધારાને મંજૂરી આપી છે. આ મર્યાદા હવે દર મહિને ₹15,000 થી વધીને ₹25,000 થશે. નવો નિયમ આવતીકાલે 17 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. સરકારના આ પગલાથી અંદાજે 51 લાખ કર્મચારીઓને સીધો લાભ થશે. સરકારનું કહેવું છે કે આ પગલાથી વધુ કર્મચારીઓ PF અને પેન્શન જેવા સામાજિક સુરક્ષા લાભો મેળવી શકશે.
બુધવારે કેન્દ્રીય કેબિનેટે ફરજિયાત EPFO કવરેજ માટે વેતન મર્યાદા વધારીને ₹25,000 કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. અગાઉ સપ્ટેમ્બર 2014માં આ મર્યાદા ₹15,000 નક્કી કરવામાં આવી હતી; આમ લગભગ 12 વર્ષ બાદ આ ફેરફાર થઈ રહ્યો છે. સરકારના જણાવ્યા અનુસાર વર્ષો દરમિયાન કર્મચારીઓની આવક અને ઔપચારિક રોજગારના વ્યાપમાં વધારો થયો છે, જેના કારણે EPFO વેતન મર્યાદામાં આ સુધારો કરવામાં આવ્યો છે.
51 લાખથી વધુ કર્મચારીઓને લાભ
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ નિર્ણયથી 51 લાખથી વધુ વધારાના કર્મચારીઓ ફરજિયાત EPFO કવરેજના દાયરામાં આવી શકે છે. આનાથી આ કર્મચારીઓ માટે PF અને સંબંધિત સામાજિક સુરક્ષા પ્રણાલીઓનો લાભ મેળવવાનો માર્ગ મોકળો થાય છે. EPFમાં કર્મચારી અને નોકરીદાતા (કંપની) બંને દ્વારા ફાળો આપવામાં આવે છે, જેમાં સરકારનો હિસ્સો કર્મચારીના પેન્શન સાથે જોડાયેલો હોય છે.
ધારો કે કોઈ કર્મચારીનો મૂળ પગાર (બેઝિક સેલરી) દર મહિને ₹20,000 છે. જૂના નિયમ હેઠળ PFની કપાત ₹15,000ની મર્યાદાના આધારે (12% લેખે ₹1,800) કરવામાં આવતી હતી અને કંપની પણ એટલો જ એટલે કે ₹1,800નો ફાળો આપતી હતી. હવે સરકાર દ્વારા અમલમાં મૂકાયેલા નવા નિયમ હેઠળ કર્મચારીના ₹20,000ના મૂળ પગારના 12% લેખે PF કપાત કરવામાં આવશે જે ₹2,400 થશે. કંપની પણ ₹2,400નો ફાળો આપશે. જોકે કર્મચારીના હાથમાં આવતા પગારમાં (ટેક-હોમ પે) થોડો ઘટાડો થશે પરંતુ તેના પીએફ (PF) ખાતામાં દર મહિને મોટી રકમ જમા થશે, જેનાથી તેનું નિવૃત્તિ ભંડોળ વધુ ઝડપથી વધશે.
સરકાર પર ₹૧૧,૩૩૯ કરોડનો વાર્ષિક બોજ
આ નિર્ણયથી કેન્દ્ર સરકાર પર અંદાજે ₹૧૧,૩૩૯ કરોડનો વધારાનો વાર્ષિક નાણાકીય બોજ પડવાનો અંદાજ છે. હાલમાં વાર્ષિક બજેટ સહાય આશરે ₹૧૦,૨૫૦ કરોડ છે. પાંચ વર્ષના સમયગાળામાં સરકારનો અંદાજિત ખર્ચ આશરે ₹૫૬,૬૯૬ કરોડ સુધી પહોંચી શકે છે.
કર્મચારીઓને શું લાભ થશે?
નવી મર્યાદાનો સૌથી મોટો ફાયદો એ છે કે મોટી સંખ્યામાં કર્મચારીઓ પીએફ અને પેન્શન-આધારિત સામાજિક સુરક્ષાના દાયરામાં આવી શકશે. લાંબા ગાળે પીએફની બચત કર્મચારીઓની નિવૃત્તિ માટે નાણાકીય આધાર (સુરક્ષા કવચ) બની શકે છે. સરકારના જણાવ્યા અનુસાર વધતી જતી આવક અને ઔપચારિક રોજગારના બદલાતા સ્વરૂપને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરવામાં આવ્યો છે.