World

ક્રૂડ ઓઈલ 100 ડોલર પાર, છતાં ટ્રમ્પનો મોટો દાવો- ‘ટૂંક સમયમાં ભાવ ઘટશે’

ઈરાન સાથે ચાલી રહેલા તણાવ અને લશ્કરી સંઘર્ષ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ક્રૂડ ઓઈલના ભાવને લઈને મોટો દાવો કર્યો છે. વૈશ્વિક બજારમાં તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ઈરાન સાથેનો સંઘર્ષ લાંબો સમય નહીં ચાલે. તેમનો દાવો છે કે સંઘર્ષ પૂર્ણ થયા બાદ વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. હાલમાં ભૌગોલિક રાજકીય તણાવ અને પુરવઠાને લઈને ઊભી થયેલી ચિંતાઓને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ પર દબાણ વધ્યું છે. ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટને લઈને ઊભી થયેલી સ્થિતિ અને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા હુમલાઓએ વૈશ્વિક ઓઈલ સપ્લાય અંગે ચિંતા વધારી છે.

ટ્રમ્પે હાલના મોંઘા તેલના ભાવ માટે પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડન અને તેમના વહીવટીતંત્રની નીતિઓને જવાબદાર ઠેરવી છે. ટ્રમ્પે કહ્યું કે બાઇડનના કાર્યકાળ દરમિયાન પણ તેલના ભાવ વર્તમાન સ્તર કરતાં ઘણા ઊંચા હતા. તેમણે અમેરિકામાં હાલના ભાવ વધારા માટે બાઇડન વહીવટીતંત્રની નીતિઓ પર પ્રહાર કર્યો હતો. ટ્રમ્પે પોતાના કાર્યકાળનો ઉલ્લેખ કરતા એવો પણ દાવો કર્યો હતો કે તેમના વહીવટીતંત્રે અગાઉ ઈરાનને પરમાણુ હથિયારો મેળવવાથી રોકવામાં સફળતા મેળવી હતી. તેમના જણાવ્યા મુજબ ઈરાન સાથે ચાલી રહેલી વર્તમાન સ્થિતિનો અંત આવ્યા બાદ બજારમાં ફરી સ્થિરતા આવી શકે છે અને તેની સીધી અસર ક્રૂડ ઓઈલના ભાવ પર જોવા મળી શકે છે.

બીજી તરફ, મધ્ય પૂર્વમાં ચાલી રહેલી ઘટનાઓને કારણે ઓઈલ સપ્લાયને લઈને ચિંતા વધી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનની ઘેરાબંધી ઉપરાંત લાલ સમુદ્ર વિસ્તારમાં હુતી બળવાખોરોના હુમલાઓએ પણ વૈશ્વિક તેલ વેપાર સામે પડકાર ઊભો કર્યો છે. આ દરમિયાન સાઉદી અરેબિયાએ પણ તેની પૂર્વ-પશ્ચિમ ક્રૂડ ઓઈલ પાઇપલાઇન અસ્થાયી રીતે બંધ કરી દીધી હોવાનું સામે આવ્યું છે. ઇરાક તરફથી થયેલા ડ્રોન હુમલામાં આ પાઇપલાઇનને નુકસાન પહોંચ્યા બાદ રિયાધે સાવચેતીના ભાગરૂપે તેને બંધ કરવાનો નિર્ણય લીધો હતો. આ પાઇપલાઇન સાઉદી અરેબિયાના તેલ પુરવઠા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

પાઇપલાઇન બંધ થવા અને મધ્ય પૂર્વમાં વધતા તણાવની સીધી અસર આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલ બજાર પર જોવા મળી છે. રિપોર્ટ મુજબ આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ પ્રતિ બેરલ 106 ડોલરથી વધીને 108 ડોલરની નજીક પહોંચી ગયા હતા. બીજી તરફ અમેરિકન વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ એટલે કે WTI ક્રૂડના ભાવ પણ 102 ડોલર પ્રતિ બેરલની સપાટી પાર કરી ગયા હતા. એક તરફ બજારમાં પુરવઠાને લઈને ચિંતા વધી રહી છે અને બીજી તરફ ટ્રમ્પ આગામી સમયમાં તેલના ભાવમાં ઘટાડાની વાત કરી રહ્યા છે. તેમનું માનવું છે કે ઈરાન સાથેનો સંઘર્ષ ઝડપથી સમાપ્ત થશે અને સ્થિતિ સામાન્ય બન્યા બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.

ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું છે કે મધ્યસત્ર ચૂંટણીઓ પહેલાં આ સંઘર્ષ તેમના માટે રાજકીય પડકાર બની શકે છે, તેમ છતાં તેઓ પોતાની રણનીતિથી પાછળ હટવાના નથી. હવે ઈરાન સાથેનો સંઘર્ષ કેટલો લાંબો ચાલે છે, મધ્ય પૂર્વમાં પુરવઠાની સ્થિતિ કેવી રહે છે અને વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ કઈ દિશામાં જાય છે તેના પર સમગ્ર વિશ્વની નજર છે. જો ટ્રમ્પનો દાવો સાચો સાબિત થાય અને ઈરાન સાથેનો સંઘર્ષ ટૂંક સમયમાં પૂર્ણ થાય, તો વૈશ્વિક ઓઈલ સપ્લાય અંગેની ચિંતા ઓછી થઈ શકે છે. આવી સ્થિતિમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળવાની શક્યતા રહેશે. જોકે, હાલ મધ્ય પૂર્વની અસ્થિર સ્થિતિને કારણે તેલના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે.

Most Popular

To Top