Entertainment

CM વિજય અને પત્ની સંગીતા વચ્ચે સમાધાન? છૂટાછેડાની અરજી પરત, 27 વર્ષનો સંબંધ બચ્યો

તામિલનાડુના મુખ્યમંત્રી અને અભિનેતા થલાપતિ વિજયના લગ્નજીવનને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે મોટો વળાંક આવ્યો છે. તેમની પત્ની સંગીતાએ કોર્ટમાં દાખલ કરેલી છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી છે. આ સાથે જ ચેંગલપટ્ટુ કોર્ટે વિજય સામે ચાલતો છૂટાછેડાનો કેસ બંધ કરી દીધો છે. આ સમાચાર સામે આવતા તેમના ચાહકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે. અહેવાલો અનુસાર, વિજય અને સંગીતા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી મતભેદ ચાલી રહ્યા હતા. બંનેના 1999માં લગ્ન થયા હતા અને તેમને બે સંતાનો છે. લાંબા સમયથી તેમના સંબંધોને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી હતી અને મામલો છૂટાછેડા સુધી પહોંચી ગયો હતો. જોકે હવે સંગીતાએ પોતાની અરજી પાછી ખેંચી લેતાં બંનેના લગ્નજીવનમાં સમાધાન થયાની ચર્ચા ચાલી રહી છે.

છૂટાછેડાની અરજીમાં સંગીતાએ વિજય પર લગ્નેત્તર સંબંધોના ગંભીર આરોપો લગાવ્યા હોવાનું કહેવાય છે. દાવા મુજબ, તેમણે આરોપ મૂક્યો હતો કે વિજય એક અભિનેત્રી સાથે સંબંધમાં હતા. અરજીમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે વર્ષ 2021માં તેમને આ બાબતની જાણ થઈ હતી અને તેનાથી તેઓ માનસિક રીતે ખૂબ દુઃખી થયા હતા. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે જાહેરમાં આ સંબંધોની ચર્ચાને કારણે તેમને અને તેમના બાળકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે હવે સંગીતાએ પોતાની અરજી પરત ખેંચી લીધી હોવાથી આ સમગ્ર મામલે કાનૂની કાર્યવાહીનો અંત આવ્યો છે. કોર્ટ દ્વારા કેસ બંધ કરવામાં આવ્યો છે અને હવે બંને વચ્ચે છૂટાછેડા નહીં થાય.

નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી વિજયનું નામ અભિનેત્રી ત્રિશા કૃષ્ણન સાથે પણ જોડાતું રહ્યું છે. ખાસ કરીને 2026ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણી દરમિયાન ત્રિશા અનેક પ્રસંગોએ વિજય સાથે જોવા મળતાં તેમના સંબંધોને લઈને અટકળો વધુ તેજ બની હતી. વિજયના શપથગ્રહણ સમારોહમાં પણ ત્રિશા હાજર રહી હતી. જોકે, વિજય અને ત્રિશા બંનેએ ક્યારેય આવા સંબંધોની પુષ્ટિ કરી નથી. બંનેએ હંમેશા એકબીજાને માત્ર સારા મિત્ર ગણાવ્યા છે અને અફવાઓને કોઈ મહત્વ આપ્યું નથી. હવે સંગીતાએ છૂટાછેડાની અરજી પરત ખેંચી લેતાં 27 વર્ષ જૂના આ લગ્નજીવનને નવી તક મળી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે બંને તરફથી આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

Most Popular

To Top