દેશમાં E20 (20 ટકા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ) અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે કેન્દ્ર સરકારે સંસદમાં મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. સરકારે દાવો કર્યો છે કે જો પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ કરવામાં આવ્યું ન હોત તો પશ્ચિમ એશિયામાં સર્જાયેલા તણાવ અને કાચા તેલના વધેલા ભાવને કારણે દેશમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર આશરે ₹125 સુધી પહોંચી શક્યો હોત. સરકારનું કહેવું છે કે ઇથેનોલ બ્લેન્ડિંગ કાર્યક્રમને કારણે ઇંધણના ભાવ પર નિયંત્રણ રાખવામાં મદદ મળી છે અને દેશની આયાત પરની નિર્ભરતા પણ ઘટી છે.
સંસદમાં સરકાર દ્વારા રજૂ કરાયેલા જવાબમાં જણાવાયું કે E20 પેટ્રોલથી વાહનોના એન્જિનને વ્યાપક નુકસાન થયું હોવાના કોઈ પ્રમાણિત પુરાવા ઉપલબ્ધ નથી. સોશિયલ મીડિયા પર ફરતા અનેક દાવાઓને સરકારે ભ્રામક ગણાવ્યા છે. સરકારના જણાવ્યા મુજબ ઇથેનોલ મિશ્રણની પ્રક્રિયા વૈજ્ઞાનિક અભ્યાસ, પરીક્ષણ અને ઓટોમોબાઈલ ઉત્પાદકો સાથેના પરામર્શ બાદ તબક્કાવાર અમલમાં મૂકવામાં આવી છે. સરકારે સ્પષ્ટ કર્યું કે E20 પેટ્રોલને લઈને એવી પણ અફવાઓ ફેલાવવામાં આવી રહી હતી કે તેનાથી જૂના વાહનોના એન્જિનને ભારે નુકસાન થાય છે, લાખો વાહનો બિનઉપયોગી બની જશે. પરંતુ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના જણાવ્યા અનુસાર અત્યાર સુધી આવી કોઈ વ્યાપક સમસ્યા સામે આવી નથી. જોકે કેટલાક જૂના વાહનોમાં માઇલેજમાં થોડો ઘટાડો થઈ શકે છે, પરંતુ તેને ગંભીર તકનિકી ખામી ગણાવી શકાય નહીં.
કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ ઇથેનોલ બ્લેન્ડિંગ કાર્યક્રમથી દેશને અનેક સ્તરે લાભ થયો છે. પેટ્રોલમાં સ્થાનિક સ્તરે ઉત્પાદિત ઇથેનોલના ઉપયોગને કારણે કાચા તેલની આયાતમાં ઘટાડો થયો છે, જેના પરિણામે હજારો કરોડ રૂપિયાનું વિદેશી ચલણ બચાવવામાં સફળતા મળી છે. સાથે જ શેરડી અને અન્ય કૃષિ પાકમાંથી ઇથેનોલ ઉત્પાદન વધતાં ખેડૂતોને વધારાની આવકનો પણ લાભ મળ્યો છે.સરકારના આંકડા મુજબ ઇથેનોલ બ્લેન્ડિંગ કાર્યક્રમથી ખેડૂતોને લાખો કરોડ રૂ,ની ચૂકવણી કરવામાં આવી છે અને દેશનું ઊર્જા સુરક્ષા મજબૂત બની છે.સરકારે વધુમાં જણાવ્યું કે હાલમાં દેશભરમાં E20 પેટ્રોલનો અમલ સફળતાપૂર્વક થઈ રહ્યો છે. તેલ માર્કેટિંગ કંપનીઓએ ઇથેનોલ મિશ્રણનો સરેરાશ દર લગભગ 20 ટકા સુધી પહોંચાડ્યો છે, જે ભારતના બાયોફ્યુઅલ મિશન માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે.
E20 અંગે સરકારનું કહેવું છે કે તેનો મુખ્ય હેતુ માત્ર પેટ્રોલના ભાવ ઘટાડવાનો નથી, પરંતુ ભારતને ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવો, પેટ્રોલિયમ આયાત ઘટાડવી, તેમજ પ્રદૂષણમાં ઘટાડો લાવવો અને ખેડૂતોને નવી આવકના સ્ત્રોત ઉપલબ્ધ કરાવવાનો પણ છે. ઉપરાંત કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરીને પર્યાવરણનું સંરક્ષણ કરવાનો પણ આ યોજનાનો મહત્વપૂર્ણ ઉદ્દેશ છે.સરકારે સંસદમાં ફરી એકવાર સ્પષ્ટ કર્યું કે E20 પેટ્રોલ અંગે ફેલાતી ગેરસમજ અને અફવાઓ પર વિશ્વાસ ન કરવો જોઈએ. અત્યાર સુધીના પરીક્ષણો અને ઉપલબ્ધ માહિતી અનુસાર E20 ઇંધણથી એન્જિનને વ્યાપક નુકસાન થયાનું કોઈ પ્રમાણ મળ્યું નથી. જોકે માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સ્વીકાર્યું છે કે કેટલાક વાહનોમાં માઇલેજમાં અંદાજે 2થી 6 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે, પરંતુ એન્જિન નિષ્ફળ જવાની કોઈ નોંધાયેલી ઘટના સામે આવી નથી.
એકંદરે, સરકારે સંસદમાં એવો દાવો કર્યો છે કે ઇથેનોલ બ્લેન્ડિંગ કાર્યક્રમ ભારત માટે આર્થિક, પર્યાવરણીય અને ઊર્જા સુરક્ષાના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે. જો કે સરકારના મતે જો આ કાર્યક્રમ અમલમાં ન આવ્યો હોત તો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના વધેલા ભાવની સીધી અસર ભારતીય ગ્રાહકો પર પડતી અને પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ₹125 સુધી પહોંચી જવાની શક્યતા હતી.