Technology

એપલ યૂઝર્સ માટે માઠા સમાચાર, હવે AI ફીચર્સ માટે ચૂકવવા પડી શકે છે વધારાના નાણાં

દુનિયાની સૌથી મોટી ટેકનોલોજી કંપની એપલના યૂઝર્સ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. કંપનીના સીઈઓ ટિમ કુકે સંકેત આપ્યા છે કે આગામી સમયમાં એપલ ઇન્ટેલિજન્સ અને તેના એડવાન્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફીચર્સનો ઉપયોગ કરવા માટે યૂઝર્સે વધારાની રકમ ચૂકવવી પડી શકે છે. કંપનીના અર્નિંગ્સ કોલ દરમિયાન ટિમ કુકે જણાવ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે કંપનીનું કામ હજુ શરૂઆતના તબક્કામાં છે અને ભવિષ્યમાં યૂઝર્સને વધુ ફીચર્સ વાપરવા માટે ચાર્જ ચૂકવવો પડે તેવી શક્યતા છે.

iCloud Plus માં નવા સબ્સ્ક્રિપ્શન પ્લાન લાવવાની તૈયારી

એપલ કંપની આઇક્લાઉડ પ્લસ સબ્સ્ક્રિપ્શનમાં કેટલાક મોટા ફેરફાર કરવાની યોજના બનાવી રહી છે. એપલ ઇન્ટેલિજન્સના ઘણા અત્યાધુનિક ફીચર્સ સીધા આઇફોન કે મેકબુક પર કામ કરવાના બદલે કંપનીના ક્લાઉડ સર્વર પર પ્રોસેસ થાય છે. સર્વર પર ભારે લોડ પડવાના કારણે કંપનીએ અત્યારથી જ દૈનિક વપરાશ પર ચોક્કસ મર્યાદાઓ નક્કી કરી દીધી છે. જે યૂઝર્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવા માંગે છે તેમના માટે આઇક્લાઉડ પ્લસમાં નવા પ્રીમિયમ પ્લાન લાવવામાં આવી શકે છે. ટિમ કુકના જણાવ્યા મુજબ યૂઝર્સ પોતાની જરૂરિયાત પ્રમાણે આઇક્લાઉડ પ્લસમાં અપગ્રેડ કરીને વધુ એઆઈ મર્યાદા ખરીદી શકશે, જ્યારે સામાન્ય કે ઓછો વપરાશ ધરાવતા યૂઝર્સ હાલના સ્ટાન્ડર્ડ પ્લાન હેઠળ સેવાઓનો ઉપયોગ ચાલુ રાખી શકશે.

iOS 27 સાથે સીરી AI નો નવો અવતાર

આગામી સમયમાં લોન્ચ થનારા નવા અપડેટ સાથે એપલનો વોઇસ આસિસ્ટન્ટ સીરી સંપૂર્ણપણે બદલાઈ જશે. આ વર્ષના ઉત્તરાધમાં iOS 27 અપડેટ સાથે એડવાન્સ સીરી AI લોન્ચ કરવામાં આવશે. નવી સીરી સ્ક્રીન પર દેખાતી માહિતીને સમજી શકશે અને જુદી જુદી એપ્સ વચ્ચે જાતે જ કામ કરી શકશે. એટલું જ નહીં, તેમાં ચેટજીપીટી જેવો કન્વર્સેઝનલ ઇન્ટરફેસ મળશે, જેનાથી યૂઝર્સ સીરી સાથે વધુ સહજ રીતે વાતચીત કરી શકશે. જોકે આ તમામ અદ્યતન સવલતો પૂરી પાડવા માટે સર્વર પર ખુબ મોટો પ્રોસેસિંગ પાવર જરૂરી બનતો હોય છે.

ક્લાઉડ પ્રોસેસિંગ અને આર્થિક બોજ

બધા યૂઝર્સને અનલિમિટેડ એઆઈ એક્સેસ મફતમાં આપવાથી કંપની પર મોટો આર્થિક બોજ વધી શકે છે. સર્વર અને ક્લાઉડ પ્રોસેસિંગના વધતા ખર્ચને પહોંચી વળવા માટે એપલ આ નવો રસ્તો અપનાવી રહી છે. આઇક્લાઉડ પ્લસમાં અલગ અલગ કેટેગરી બનાવવાથી કંપનીનો ખર્ચ સરભર થશે અને હેવી યૂઝર્સને વધુ સ્પીડ અને સુવિધા મળશે. જોકે નવા પ્લાનની કિંમત, લોન્ચિંગ તારીખ કે તેના નિયમો અંગે એપલ દ્વારા હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Most Popular

To Top