સુરત શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાડીઓ ઓવરફ્લો થતાં અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને અનેક લોકો જીવના જોખમે ફસાઈ ગયા હતા. આવી વિકટ પરિસ્થિતિમાં સુરત ફાયર વિભાગના જવાનોએ પોતાની જાનની પરવા કર્યા વગર સતત બચાવ કામગીરી હાથ ધરી હતી. છેલ્લા 24 કલાકમાં ફાયર વિભાગે શહેર અને આસપાસના વિસ્તારોમાંથી 230થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
નાના વરાછા વિસ્તારમાં ચીકુવાડી નજીક આવેલી રવિ પાર્ક સોસાયટી પાસે એક હૃદયસ્પર્શી ઘટના બની હતી. 51 વર્ષીય અનિલભાઈ દગડુભાઈ મહાજન અચાનક ખાડીના ધસમસતા પાણીમાં પડી ગયા હતા. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે તેઓ લગભગ 300 મીટર દૂર સુધી તણાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ કાપોદ્રા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર જવાનોએ આસપાસના મકાનની ટેરેસ પરથી સમગ્ર પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું અને ખાસ આયોજન સાથે બચાવ કામગીરી શરૂ કરી. એક જવાન દોરડાની મદદથી ધસમસતા પાણીમાં ઉતર્યો અને ભારે જોખમ વચ્ચે અનિલભાઈ સુધી પહોંચ્યો. ભારે જહેમત બાદ તેમને સુરક્ષિત બહાર કાઢીને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
અનિલભાઈ સ્વસ્થ થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. બાદમાં ડીસીપી આલોકકુમાર, એસીપી વિપુલ પટેલ અને કાપોદ્રા પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમના ઘરે પહોંચી પરિવારની મુલાકાત લીધી હતી. અધિકારીઓએ પરિવારને અનાજની કિટ અને કપડાં આપીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડ્યું. બીજી ઘટના ઓલપાડ તાલુકાના અછારણ ગામમાં બની હતી. ભારે વરસાદને કારણે વાડી વિસ્તારમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું હતું. અહીં રહેતા વૃદ્ધ ખેડૂત ભગવાનદાસભાઈ અને તેમની પત્ની સમજુબેન પાણીની વચ્ચે સંપૂર્ણપણે ફસાઈ ગયા હતા. તેમણે મદદ માટે સ્થાનિક વહીવટીતંત્રનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતા જ સુરત ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી. પાણીનો પ્રવાહ વધુ હોવાથી જવાનો રિંગ ગાર્ડ અને દોરડાની મદદથી જાતે પાણીમાં ઉતર્યા હતા. ભારે મુશ્કેલીઓ વચ્ચે બંને વૃદ્ધ સુધી પહોંચી તેમને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. બાદમાં બંનેને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા.
ત્રીજો બનાવ વેસુ વિસ્તારમાં નોંધાયો હતો. ભારે વરસાદના કારણે કોમ્પ્લેક્સની બહાર પાણી ભરાઈ જતાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને લિફ્ટ બંધ થઈ ગઈ હતી. પરિણામે ત્રીજા માળે આવેલી ખાનગી હોસ્પિટલમાં એક માતા અને તેનું નવજાત બાળક ફસાઈ ગયા હતા. ભીમરાડ ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જવાનોએ સીડીઓ મારફતે ત્રીજા માળે પહોંચી માતા અને નવજાત બાળકને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા હતા. ત્યારબાદ બંનેને ફાયર વિભાગના વાહનમાં બેસાડી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
આ સિવાય સીમાડા ખાડી, મીઠી ખાડી અને બેદવાર ખાડી જેવા વિસ્તારોમાં પણ પાણી ભરાવાને કારણે અનેક લોકો ઘરોમાં ફસાઈ ગયા હતા. ફાયર વિભાગની વિવિધ ટીમોએ બોટની મદદથી સતત પેટ્રોલિંગ કરીને બચાવ કામગીરી હાથ ધરી હતી. અત્યાર સુધીમાં 230થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. રેસ્ક્યૂ કરાયેલા લોકોમાં નવજાત બાળકો, તેમની માતાઓ, ગર્ભવતી મહિલાઓ, નાના બાળકો, વૃદ્ધો તેમજ અન્ય અનેક નાગરિકોનો સમાવેશ થાય છે. સતત વરસાદ અને ધસમસતા પાણી વચ્ચે પણ ફાયર વિભાગના જવાનો દિવસ-રાત ફરજ બજાવી રહ્યા છે. ફાયર વિભાગની ઝડપી કામગીરીને કારણે અનેક પરિવારોને નવી જિંદગી મળી છે. સુરતના લોકો પણ ફાયર જવાનોની બહાદુરી અને નિષ્ઠાની પ્રશંસા કરી રહ્યા છે. ભારે વરસાદની આ આપત્તિ વચ્ચે સુરત ફાયર વિભાગ ખરેખર ‘સુપરહીરો’ બનીને લોકોના જીવ બચાવવા માટે સતત મેદાનમાં ઉતર્યો છે.