સુરત: તાજેતરમાં 7 અને 8 જુલાઈના રોજ સર્જાયેલી ભયાનક વરસાદી હોનારત અને ખાડીપૂરના અનુભવોમાંથી સબક શીખીને સુરત મહાનગરપાલિકા અતિભારે વરસાદના ‘રેડ એલર્ટ’ પગલે પહેલીવાર અગાઉથી જ ફુલ એલર્ટ મોડ પર આવી ગઈ છે. હવામાન વિભાગ દ્વારા બુધવારે રાત્રે 11 થી ગુરૂવારે મળસ્કે 4 વાગ્યા સુધીના સંવેદનશીલ સમયગાળામાં ભારે વરસાદની આગાહી કરાતાં તંત્રએ મોરચો સંભાળ્યો છે. છેલ્લા બે દિવસના અવિરત વરસાદથી તમામ મુખ્ય ખાડીઓ ભયજનક સપાટી નજીક પહોંચી હોઈ ફરી ખાડીપુરનું સંકટ તોળાઈ રહ્યું છે. આથી, રાત્રિના સમયે અચાનક મુશ્કેલી ન સર્જાય તે માટે મનપા કમિશનરે સુરતીઓને બુધવારે રાત્રે 9 થી 9:30 વાગ્યા સુધીમાં સલામત ઘરે કે સ્થળે પહોંચી જવા તથા સુરક્ષિત ઘરમાં જ રહેવા વિશેષ અપીલ કરી છે.
સુરત શહેરમાં આજે વહેલી સવારથી ભારે વરસાદનું જોર વધવાને કારણે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પગલાં લેવામાં આવી રહ્યા છે. પૂર્વ ઝોન-બી વિસ્તારમાં આવેલી આદર્શ નિવાસી શાળાના ૩૧ વિદ્યાર્થીઓ, ૫૪ વિદ્યાર્થિનીઓ તથા ૧૫ સ્ટાફ એમ કુલ ૧૦૦ વ્યક્તિઓને સુરક્ષિત રીતે નજીકના SMC રિલીફ સેન્ટરમાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા. ઉધના તથા લિંબાયત ઝોનના નીચાણવાળા વિસ્તારોમાંથી ૦૯ શહેરીજનોને સલામત રીતે સ્થળાંતર કરી સારોલી નગર પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં આવ્યો છે.
લિંબાયત ઝોનના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા શહેરીજનોની સલામતીને ધ્યાનમાં રાખી સુરત મનપા દ્વારા SMCના રિલીફ સેન્ટર અથવા નજીકના ઊંચાણવાળા સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા અપીલ કરાઈ છે. રિલીફ સેન્ટરમાં સ્થળાંતરિત શહેરીજનોની આરોગ્ય સુરક્ષા માટે મેડિકલ ટીમ દ્વારા આરોગ્ય પરીક્ષણ અને સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
મનપા દ્વારા લો-લાઈન વિસ્તારો, કોમ્પેલક્સોમાં એનાઉન્સમેન્ટ કરાયુ
જુલાઈ માસની શરૂઆતમાં શહેરમાં જે પરિસ્થિતિ થઈ હતી તેમાંથી બોધપાઠ લઈ તંત્ર દ્વારા અગાઉથી જ લોકોને સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે. તેમજ જે વિસ્તારો અસરમાં આવી શકે તેવા હોય ત્યાં મનપા દ્વારા એનાઉન્સમેન્ટ કરીને શીફ્ટીંગ માટે તેમજ જરૂરી માલ સામાન ખસેડી લેવા માટે જણાવ્યું હતું. તંત્ર દ્વારા ખાડી કિનારાના રહેણાંક વિસ્તારો, વરાછા-સરથાણા રોડ પર આવેલા પોદાર આર્કેડ સહિતના કોમર્શિયલ ઝોન અને પાણી ભરાતા વિસ્તારોમાં માઈકિંગ કરીને સતત એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે. લોકોને કિંમતી સામાન, ઘરવખરી અને દસ્તાવેજો સાથે નજીકના મનપા રિલિફ સેન્ટરોમાં શિફ્ટ થવા વિનંતી કરાઈ છે. આ ઉપરાંત, અગાઉની આફતમાં જે વિસ્તારોમાં વધુ નુકસાન થયું હતું ત્યાં મનપાની સ્પેશિયલ ટીમો તૈનાત કરવામાં આવી છે. ગાડીઓ અને માલસામાનને આર્થિક નુકસાનથી બચાવવા માટે લોકોને શોપિંગ કોમ્પ્લેક્સ તથા સોસાયટીઓના બેઝમેન્ટમાંથી વાહનો તુરંત બહાર કાઢી લેવા અને કિંમતી સરસામાન ઊંચાઈવાળા સ્થળે ખસેડી લેવા કડક સૂચનાઓ આપવામાં આવી છે.
સિટી બસનાં છ રૂટ સ્થગિત કરાયા
શહેરમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાની અવિરત સવારી વચ્ચે બુધવારે સવારથી મનપા સંચાલિત સિટી બસ સેવા પર પ્રતિકુળ અસર જોવા મળી હતી. ખાસ કરીને શહેરનાં વિવિધ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા મનપા દ્વારા તકેદારીનાં ભાગ રૂપે છ રૂટો પર બસ સેવા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જ્યારે બે રૂટ ટુંકાવવાની ફરજ પડી હતી. સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર શહેરમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે શહેરનાં અલગ – અલગ રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ સ્થિતિમાં મુસાફરોના જાન – માલની સુરક્ષાને ધ્યાને રાખીને મહાનગર પાલિકા દ્વારા અલગ – અલગ વિસ્તારોમાં છ સ્થળે બસ સેવા હાલ પુરતી બંધ રાખવાની સાથે બે રૂટ ટુંકાવવામાં આવ્યો છે. જે પૈકી (1) નવીન ફ્લોરિન – ભગવતી ઈન્ડસ્ટ્રીયલ (2) નવીન ફ્લોરિન – મગોબ પરવટ ખાડી (3) અંત્રોલી – વરેલી ગામ (4) મગોબ પરવટ ખાડી (5) કનકપુર અને (6) મગોબ પરવટ ખાડીનાં રૂટો હાલ પુરતાં સ્થગિત કરાયા છે જ્યારે અન્ય બે રૂટો ટુંકાવવામાં આવ્યા છે.