Business

NEET વિવાદથી ઘમાસાણ, મોદી સરકારમાં પેપર લીકની 152 ઘટનાઓ !

NEET-UG પરીક્ષાને લઈને ચાલી રહેલો વિવાદ હવે વધુ ઉગ્ર બન્યો છે. કોંગ્રેસના સાંસદ અને તમિલનાડુ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ મણિકમ ટાગોરે કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપો લગાવતા કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી છે. તેમણે દાવો કર્યો કે NEET પરીક્ષા સાથે જોડાયેલા કથિત ગોટાળાના કારણે દેશના તેજસ્વી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે અને અનેક પરિવારોને દુઃખદ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે.

મણિકમ ટાગોરે જણાવ્યું કે 2014 પછી અત્યાર સુધીમાં દેશભરમાં પ્રશ્નપત્ર લીકની 152 ઘટનાઓ નોંધાઈ છે. તેમના જણાવ્યા મુજબ 2021થી અત્યાર સુધીમાં 93 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, પેપર લીક બાદ ફરી પરીક્ષા લેવાઈ તેના પછીના માત્ર 46 દિવસમાં જ 13 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હોવાનો પણ તેમણે દાવો કર્યો.

શિક્ષણ મંત્રી જવાબદારી સ્વીકારે

ટાગોરે કહ્યું કે આટલી ગંભીર પરિસ્થિતિ વચ્ચે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા ગુરુ-શિષ્ય સંબંધ અંગે સંસ્કૃત શ્લોક સાથે કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટ અસંવેદનશીલ હતી. તેમના મત મુજબ, વિદ્યાર્થીઓની ચિંતાઓનો જવાબ આપવાને બદલે સરકારે જવાબદારી સ્વીકારવી જોઈએ અને શિક્ષણમંત્રીએ રાજીનામું આપવું જોઈએ. તેમની આ પ્રતિક્રિયા ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા વડાપ્રધાનના નિવાસસ્થાન બહાર કોંગ્રેસના વિરોધ પ્રદર્શન અંગે કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટ બાદ આવી હતી.

ધર્મેન્દ્ર પ્રધાનનો કોંગ્રેસ પર પલટવાર

કોંગ્રેસના આરોપોનો જવાબ આપતાં કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કોંગ્રેસ પર વિદ્યાર્થીઓના મુદ્દાનો રાજકીય લાભ લેવા પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન બહાર યોજાયેલ વિરોધ પ્રદર્શન સંસદના ચોમાસુ સત્રમાં વિક્ષેપ ઊભો કરવાનો પ્રયાસ હતો. તેમના જણાવ્યા મુજબ કોંગ્રેસનો હેતુ વિદ્યાર્થીઓની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો નહીં, પરંતુ રાજકીય ચર્ચા અને હેડલાઇન્સ મેળવવાનો હતો.

ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે સરકાર NEET પરીક્ષા વ્યવસ્થામાં સુધારા, જવાબદારી અને પારદર્શિતા માટે પ્રતિબદ્ધ છે. વિદ્યાર્થીઓના પ્રશ્નો પર સંસદમાં ચર્ચા કરવા સરકાર તૈયાર છે, પરંતુ ઉકેલ માટે રચનાત્મક ચર્ચા જરૂરી હોવાનું તેમણે કહ્યું. તેમણે ઉમેર્યું કે વિદ્યાર્થીઓને રાજકીય હથિયાર તરીકે ઉપયોગમાં લેવા કરતાં તેમની સમસ્યાઓના ઉકેલ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે.

દેશના વિવિધ ભાગોમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શન

આ દરમિયાન મહારાષ્ટ્ર સહિત અનેક સ્થળોએ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યા. પાર્ટીએ આરોપ લગાવ્યો કે નવી દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો અને વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત અનેક નેતાઓની અટકાયત કરવામાં આવી. જોકે બાદમાં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં સમાજવાદી પાર્ટી સહિત અનેક વિરોધ પક્ષોના નેતાઓ પણ જોડાયા હતા અને NEET મુદ્દે કેન્દ્ર સરકાર પાસેથી જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠાવી હતી.

Most Popular

To Top