મહિનાઓથી ચાલી રહેલા અખાતી સંઘર્ષમાં અમેરિકા અને ઇરાનના હુમલાઓનો ભોગ બનેલા જહાજો પર અનેક ભારતીય કર્મચારીઓ માર્યા ગયા છે ત્યારે સોમવારે રાત્રે એક આઘાત જનક સમાચાર આવ્યા કે યુક્રેનના ઓડેસા બંદર પર એક જહાજ પર થયેલા હુમલામાં ચાર ભારતીય ખલાસીઓ માર્યા ગયા છે. યુક્રેનના સંઘર્ષમાં ભારતીય ખલાસીઓનો ભોગ લેવાયો હોય તેવો સંભવત: આ પહેલો બનાવ છે. હુમલા સમયે એમવી ગોલ્ડન લિયો નામના આ જહાજ પર પાંચ ભારતીય નાગરિકો સહિત કુલ 17 કર્મચારીઓ હતા.
યુક્રેનિયન અધિકારીઓએ જણાવ્યું કે, જહાજ પર રશિયા દ્વારા ક્રૂઝ મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો હતો. કાળા સમુદ્ર વિસ્તારમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી વધેલી હિંસા વચ્ચે આ સૌથી ઘાતક હુમલો હતો. યુક્રેનના નૌકાદળના જણાવ્યા અનુસાર, મકાઈ લઈને જઈ રહેલા અને ગિની-બિસાઉનો ધ્વજ ધરાવતા ‘ગોલ્ડન લિયો’ જહાજ પર રશિયાએ ત્રણ ક્રૂઝ મિસાઈલથી હુમલો કર્યો હતો, જેના કારણે જહાજમાં આગ લાગી ગઈ હતી.
આ જહાજમાં ભારત અને સીરિયાના ક્રૂ મેમ્બર્સ તૈનાત હતા. યુક્રેનની સીપોર્ટ્સ ઓથોરિટીએ જણાવ્યું કે આખી રાત શોધ અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં નવ ક્રૂ મેમ્બર્સ અને એક મેરીટાઇમ પાયલોટનું મોત થયું છે. જહાજના 17 ક્રૂ મેમ્બર્સમાંથી આઠ લોકોને બચાવી લેવાયા હતા. LSEG ડેટા અનુસાર, આ જહાજ મુંબઈ સ્થિત ઓસન ગ્રેસ શિપિંગ લિમિટેડની માલિકીનું છે. હુમલા સમયે જહાજ પર પાંચ ભારતીય નાગરિકો સહિત 17 ક્રૂ સભ્યો સવાર હતા.
ભારતે આ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરતા કહ્યું કે, કોમર્શિયલ શિપિંગને નિશાન બનાવવું અને નાગરિક ક્રૂના જીવનને જોખમમાં મૂકવું અથવા દરિયાઈ વહાણવટા અને વેપારની સ્વતંત્રતામાં બાધા ઊભી કરવી એ ખેદજનક છે અને તેનાથી બચવું જોઈએ. જો કે આ હુમલો કોણે કર્યો તે બાબતે ભારતીય વિદેશ મંત્રાલયે તરત કશી માહિતી આપી ન હતી. આ બનાવ સૂચવે છે કે વિશ્વભરમાં વહાણવટા કર્મચારીઓ સામે જોખમ કેટલું વધી ગયું છે.
આ બનાવો વચ્ચે એક આઘાત જનક માહિતી એ બહાર આવી છે કે ભોગ બનનારા કર્મચારીઓમાં ભારતીય જહાજી કર્મચારીઓનું પ્રમાણ ટકાવારીની દષ્ટિએ ખૂબ ઉંચુ છે. ભારત વૈશ્વિક નાવિક કાર્યબળમાં લગભગ ૧૨ ટકા યોગદાન આપે છે, પરંતુ તાજેતરમાં સમુદ્રમાં ઊભા થયેલા જોખમોનો મોટો ભોગ ભારતીય ક્રૂ મેમ્બર્સ બન્યા છે. હોર્મુઝની સમુદ્રધૂનીમાં સર્જાયેલી શિપિંગ કટોકટી દરમિયાન માર્યા ગયેલા નાવિકોનું ઉદાહરણ લો. એક વિશ્લેષણ અનુસાર, કોમર્શિયલ જહાજો પરના હુમલામાં માર્યા ગયેલા મોટાભાગના નાવિકો ભારતીય હોવાનું જણાય છે.
૧ માર્ચથી ૧૪ જુલાઈ, ૨૦૨૬ વચ્ચે હોર્મુઝ સમુદ્રધૂનીની કટોકટી દરમિયાન કોમર્શિયલ જહાજો પરના હુમલામાં માર્યા ગયેલા ૧૬ નાવિકોમાંથી ૭ (લગભગ ૪૪ ટકા) ભારતીય હતા. આ અસુરક્ષા માત્ર સંઘર્ષગ્રસ્ત વિસ્તારો પૂરતી સીમિત નથી. ૨૦૨૫માં, વિશ્વભરમાં જહાજના માલિકો દ્વારા ત્યજી દેવાયેલા તમામ નાવિકોમાં ભારતીયોનો હિસ્સો ૧૮ ટકા હતો, જે સતત બીજા વર્ષે તેમને સૌથી વધુ અસરગ્રસ્ત રાષ્ટ્રીયતા ધરાવતા નાવિકો બનાવે છે.
‘યુનાઇટેડ કિંગડમ મરીન ટાઇમ ટ્રેડ ઓપરેશન્સ’, ‘ઇન્ટરનેશનલ મરીન ટાઇમ ઓર્ગેનાઇઝેશન’ અને મીડિયા રિપોર્ટ્સમાંથી મળેલી માહિતીના વિશ્લેષણ અનુસાર, ૧ માર્ચથી ૧૪ જુલાઈ વચ્ચે કોમર્શિયલ જહાજો પર અમેરિકા અને ઈરાની હુમલાઓમાં ઓછામાં ઓછા ૧૬ નાવિકો માર્યા ગયા હતા. તેમાંથી માર્યા ગયેલા સાત નાવિકો ભારતીય નાગરિકો હતા. ૮ જૂનથી ૧૧ જૂન વચ્ચે તેલ ટેન્કરો MT મરીવેક્સ, MT સેટ્ટેબેલો, અને MT જલવીર પર અમેરિકી દળો દ્વારા કરવામાં આવેલા હુમલામાં ત્રણ ભારતીય નાવિકો માર્યા ગયા હતા. અન્ય ચાર ભારતીયો ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલામાં માર્યા ગયા હોવાનું માનવામાં આવે છે. યુદ્ધ શરૂ થયાના એક દિવસ પછી, ૧ માર્ચે પ્રથમ ભારતીયનું મૃત્યુ નોંધાયું હતું. માર્શલ આઇલેન્ડ્સનો ધ્વજ ધરાવતું ટેન્કર MKD વ્યોમ ઓમાનના કિનારે હુમલાનો ભોગ બન્યું ત્યારે તેમાં સવાર એક ભારતીય ક્રૂ મેમ્બરનું મોત થયું હતું.
આ હુમલાઓએ સેંકડો અન્ય ભારતીય ક્રૂ મેમ્બર્સને પણ જોખમમાં મૂક્યા હતા. હોર્મુઝની સમુદ્રધૂની, પર્સિયન ગલ્ફ અને ઓમાનના અખાતમાં જહાજો પર હુમલા થયા બાદ ૧૮૦ થી વધુ ભારતીય નાવિકોને ઉગારી લેવામાં આવ્યા હતા. ભારતીય નાવિકો માટે જોખમ માત્ર મિસાઇલો અને દરિયાઈ સંઘર્ષો સુધી સીમિત નથી. તેઓ જહાજના માલિકો દ્વારા ત્યજી દેવાના જોખમનો પણ સામનો કરે છે, જેના કારણે તેઓ ઘણીવાર પગાર, આવશ્યક પુરવઠો કે ઘર પાછા ફરવાના સાધનો વગર વિદેશી બંદરો પર અટવાઈ જાય છે.
ભારતમાં શ્રમબળની કશી ખોટ નથી. ભારતના અનેક રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં લોકો જહાજી કર્મચારીઓ તરીકે નોકરીએ જાય છે, આપણા ગુજરાતમાંથી, ખાસ કરીને સૌરાષ્ટ્ર પ્રદેશમાંથી પણ મોટા પ્રમાણમાં લોકો જહાજી કર્મચારીઓ તરીકે વિવિધ દેશોના જહાજો પર નોકરીઓ કરે છે. તેઓ આવા સંઘર્ષરત પ્રદેશોમાં અને અન્યત્ર વિવિધ પ્રકારના જોખમો અને મુશ્કેલીઓનો સામનો કરે છે. હાલના બનાવોએ સૌનું ધ્યાન આ ખલાસીઓ અને અન્ય જહાજી કર્મચારીઓની કઠણાઇ તરફ દોર્યું છે ત્યારે ભારત સરકારે સક્રિય થઇને જહાજી કર્મચારીઓના રક્ષણ અને તેમના કુટુંબીજનોના કલ્યાણ માટે સક્રિય પગલાઓ ભરવા જોઇએ.