ઘણી વખત એવું જોવા મળે છે કે મૂળ વસ્તુ કરતાં તેના પેકિંગની કિંમત વધુ હોય. વસ્તુ જ્યારે નાજુક હોય, કિંમતી હોય, તેને લાંબા સમય સુધી સાચવવાની આવશ્યકતા હોય અથવા યોગ્ય કારણસર તેના દેખાવને વધુ આકર્ષક બનાવવો જરૂરી હોય, ત્યારે આવું થાય તો તે યોગ્ય ગણાય. અહીં પણ સમગ્ર પ્રક્રિયામાં પર્યાવરણનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. પરંતુ જ્યારે માત્ર માર્કેટિંગના હેતુસર મૂળ વસ્તુ કરતાં પેકિંગ માટે વધુ સંસાધનો વપરાય, ત્યારે પ્રશ્ન તો પૂછાવો જ જોઈએ.
આ પ્રકારનો અભિગમ વસ્તુને વધુ ગ્લેમરસ બતાવવા માટે, તેની વિશેષતાઓને વધુ વિસ્તૃત રીતે રજૂ કરવા માટે, વાસ્તવિકતાને ઢાંકવા માટે, પ્રેઝન્ટેશન દ્વારા એક પ્રકારનો ભ્રમ ઊભો કરવા માટે અથવા બ્રાન્ડ ઇમેજને વધુ પ્રખર બનાવવા માટે અપનાવવામાં આવતો હોય છે. આ સમગ્ર પ્રક્રિયામાં ક્યાંક માનવીય સંવેદનાઓ સાથે પણ રમત રમાતી હોય છે. જ્યારે પર્યાવરણને નુકસાન થાય, ગ્રાહક અને સમાજ પર આર્થિક બોજ વધે, વસ્તુ વિશે ખોટી ધારણા બંધાઈ જાય, વેસ્ટ એટલે કે કચરાનો જથ્થો વધે, વસ્તુનો અંતિમ કાર્બન ફૂટપ્રિન્ટ વધી જાય અને ગ્રાહકનું ધ્યાન ખોટી બાબતો તરફ ખેંચાય, ત્યારે આ સમગ્ર પ્રક્રિયા વિશે પુનઃવિચાર કરવાની આવશ્યકતા રહે છે.
જ્યારે વસ્તુ ડેલિકેટ હોય ત્યારે પેકિંગ મજબૂત હોવું જોઈએ. બની શકે કે કાચના કપની કિંમત કરતાં તેના પેકિંગ પર વધુ ખર્ચ થાય. અમુક પ્રકારની ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા જાળવી રાખવા માટે પણ એવા પેકિંગની જરૂર પડે, જેની કિંમત ખાદ્ય ચીજવસ્તુ કરતાં પણ વધુ હોય. આમ દવાઓ માટે પણ કહી શકાય. અમુક ઇલેક્ટ્રોનિક વસ્તુઓ લાવવા-લઈ જવા દરમિયાન સલામત રહે તે માટે પણ વિશેષ પેકિંગની જરૂર પડે છે અને તેના માટે વધુ સંસાધનો ફાળવવા પડે છે. ક્યારેક કાયદાકીય જોગવાઈઓને કારણે પણ પેકિંગની કિંમત વધી જાય છે. પરંતુ જ્યારે પરફ્યુમ, ક્રીમ, લિપસ્ટિક, પાવડર, જ્વેલરી અને મોંઘી ઘડિયાળો જેવી વસ્તુઓ માટે પેકિંગને મોંઘું બનાવવામાં આવે, ત્યારે તેની પાછળ મુખ્યત્વે તેની સાથે જોડાયેલા ગ્લેમરને વધુ પ્રખર રીતે રજૂ કરવાનો આશય હોય છે. અહીં સંયમની જરૂર છે. અંતે તો આ પ્રકારનો બગાડ પર્યાવરણ અને સમાજની આર્થિક સ્થિતિ માટે બોજ સમાન જ ગણાય.
ભેટ કરતાં ભેટની ચારે બાજુ ગોઠવાયેલી વ્યવસ્થા વધુ કિંમતી બની જાય, ત્યારે પ્રશ્ન તો થાય જ. જ્યારે પાણી કરતાં પાણીની બોટલની કિંમત વધુ હોય, મીઠાઈ કરતાં તેના ખોખાની કિંમત વધી જાય, પાવડર કરતાં તેની ડબ્બી મોંઘી થઈ જાય, કોલ્ડ ડ્રિંક કરતાં તેના એલ્યુમિનિયમના કેન માટે વધુ ખર્ચ થતો હોય, જન્મદિવસની કેક કરતાં તેની આજુબાજુની સજાવટ વધુ કિંમતી હોય અથવા સેન્ડવિચ કરતાં તેને જેમાં પીરસવામાં આવે તે પ્લેટ વધુ કિંમતી હોય, ત્યારે પ્રશ્ન સ્વાભાવિક છે. મજાની વાત એ છે કે આ પેકિંગ સાથે જ્યારે બ્રાન્ડ જોડાય, ત્યારે આ અપ્રમાણસરની ઘટના વધુ અનિચ્છનીય બની રહે છે. બે-પાંચ રૂપિયાની ચોકલેટ કે બિસ્કિટ માટે જ્યારે વીસ-પચીસ રૂપિયાનું પેકિંગ વાપરવામાં આવે, ત્યારે તેની પાછળ કોઈકનો પ્રપંચ અને કોઈકની મૂર્ખામી બંને જવાબદાર હોય છે. એમ કહેવાય છે કે સો રૂપિયાની વસ્તુને તમે દોઢસો રૂપિયાના બોક્સમાં પેક કરો તો તે વસ્તુ પાંચસો રૂપિયામાં પણ વેચી શકાય.
ભલે એમ કહેવાતું હોય કે પુસ્તકનું પૂઠું જોઈને પુસ્તક ખરીદવાનો નિર્ણય ન લેવો જોઈએ, પરંતુ માર્કેટિંગના ક્ષેત્રમાં આ વિધાન ઘણી વખત ખોટું સાબિત થઈ રહ્યું છે. સારું પેકિંગ અંદરની વસ્તુને સારી બનાવી દેતું નથી. તેમાં પણ જ્યાં પેકિંગ ભ્રામક હોય, ત્યાં તો વાત જ અલગ છે.
ભ્રામક પેકિંગ માટે સોશિયલ મીડિયા એક સચોટ અને વાસ્તવિક ઉદાહરણ છે. જો તમે માત્ર પેકિંગ જોઈને સોશિયલ મીડિયામાં પ્રવેશ કરો, તો મોટાભાગના કિસ્સામાં નિરાશા જ હાથ લાગે. અહીં પેકિંગમાં એવી એવી બાબતો એવી રીતે રજૂ કરવામાં આવે છે કે સામેવાળી વ્યક્તિના મનમાં અદભુત જિજ્ઞાસા અને અહોભાવ જાગે. પરંતુ સોશિયલ મીડિયાનો વાસ્તવિક અનુભવ શરૂ થાય ત્યારે સમજાય છે કે પેકિંગ અને તેની અંદરની વાસ્તવિકતા વચ્ચે કેટલો વિશાળ, વિકૃત અને અવાસ્તવિક તફાવત છે. અહીં પેકિંગ માત્ર આકર્ષણ ઊભું કરવા માટે ચટાકેદાર અને ચમકદાર રાખવામાં આવે છે. બજારમાં પણ ઘણી ચીજવસ્તુઓને આ જ રીતે રજૂ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, વ્યક્તિમાં દમ ન હોય છતાં તેને સૂટ-બૂટ પહેરાવીને પ્રસ્તુત કરવામાં આવે.
આ સમગ્ર પ્રક્રિયાને પ્રતિકાત્મક તેમજ મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ જોવાની જરૂર છે. એમ કહેવાય છે કે માનવી મોટાભાગની માહિતી પોતાની દૃષ્ટિ દ્વારા એકત્રિત કરે છે. તેથી જ દર્શનશાસ્ત્રમાં ‘પ્રત્યક્ષ’ને સૌથી આધારભૂત પ્રમાણ માનવામાં આવે છે. પરંતુ જ્યારે પ્રત્યક્ષ સાથે ભ્રમ જોડાઈ જાય, ત્યારે વાસ્તવિક પરિસ્થિતિ ઘણી વખત જાણ બહાર રહી જાય છે. વળી, એવું પણ કહેવાય છે કે માનવી પ્રથમ નજરે જ ઘણી ધારણાઓ બાંધી દે છે. મનોવિજ્ઞાનની દૃષ્ટિએ પણ પ્રારંભિક છબીનો પ્રભાવ વધુ રહે તે સ્વાભાવિક છે. આમ પણ બાહ્ય પરિસ્થિતિ પહેલાં નજરે ચડે છે અને પછી આંતરિક સ્થિતિ ધ્યાનમાં આવે છે. શરૂઆતમાં મન પ્રારંભિક સંકેતોને વધુ ગંભીરતાથી સ્વીકારે છે.
એક દૃષ્ટિકોણ પ્રમાણે એવું પણ કહી શકાય કે જ્યારે પેકિંગ માટે વધુ સંસાધનો ફાળવવામાં આવે છે, ત્યારે એક પ્રકારનું અસંતુલન ઊભું થાય છે.
વાસ્તવિકતા અને છબી વચ્ચેનું સમીકરણ અહીં ખોરવાઈ જવાની સંભાવના વધી જાય છે.
જો એકવાર વ્યક્તિનો વિશ્વાસ તૂટે, તો પછી તે વિશ્વાસ ફરી પ્રાપ્ત કરવો અત્યંત મુશ્કેલ બની જાય છે. આ માત્ર વ્યવસાયિક નહીં, પરંતુ ભાવનાત્મક બાબત પણ છે.