National

ભારતના વનસ્પતિ ઇતિહાસમાં નવો અધ્યાય, 158 વર્ષ બાદ મળ્યું અત્યંત દુર્લભ હિમાલયી ફૂલ ‘સાઇનૅન્થસ હૂકેરી’


કુદરતના રહસ્યો અને અદ્ભુત વનસ્પતિઓથી ભરેલા હિમાલયે વૈજ્ઞાનિકોને ફરી એકવાર ચોંકાવી દીધા છે. ભારતમાંથી લુપ્ત માની લેવામાં આવેલું એક અત્યંત દુર્લભ હિમાલયી ફૂલ ‘સાઇનૅન્થસ હૂકેરી’ આશરે 158 વર્ષના લાંબા સમયગાળા બાદ દેશમાં ફરીથી મળી આવ્યું છે. આ અગાઉ સત્તાવાર રેકોર્ડ મુજબ, છેલ્લીવાર આ છોડ 1867માં સિક્કિમમાં જોવા મળ્યો હતો. હવે આટલા દાયકાઓ પછી તે અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લામાંથી મળી આવતાં વનસ્પતિશાસ્ત્રીઓ અને પર્યાવરણપ્રેમીઓમાં ખુશીનો માહોલ છે.

આ દુર્લભ છોડ પૂર્વ હિમાલયમાં સમુદ્ર સપાટીથી આશરે 3600 મીટરની અદભુત ઊંચાઈ પર, ઘાસવાળી અને પથરાળ આલ્પાઇન ઢોળાવ પરથી મળી આવ્યો છે. આ શોધે સાબિત કરી દીધું છે કે ઊંચાઈવાળા વિસ્તારોમાં જૈવ-વિવિધતા આજે પણ સુરક્ષિત છે અને આ છોડને બચાવવાની માંગ હવે ફરી તેજ થઈ છે.

કેવું દેખાય છે આ દુર્લભ ફૂલ?

 ‘સાઇનૅન્થસ હૂકેરી’ ના ફૂલો આકર્ષક જાંબલી-વાદળી રંગના હોય છે. તે વનસ્પતિશાસ્ત્રના ‘કેમ્પૅન્યુલેસી’  એટલે કે સામાન્ય ભાષામાં ‘બેલફ્લાવર’ પરિવારનો સભ્ય છે. ભારત સિવાય આ પ્રજાતિ ભૂટાન, નેપાળ અને ચીનના કેટલાક પર્વતીય ભાગોમાં પણ જોવા મળે છે. પરંતુ ભારતમાં 158 વર્ષ પછી તેની પુનઃપ્રાપ્તિ દેશના વનસ્પતિ ઇતિહાસ માટે એક બહુ મોટી સિદ્ધિ છે.

આ શોધ કેમ આટલી મહત્વપૂર્ણ છે?

વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ શોધ ઉચ્ચ હિમાલયના વિસ્તારોના ઇકોલોજિકલ મહત્વને દર્શાવે છે. હિમાલયના આ દુર્ગમ વિસ્તારોમાં અત્યંત કઠિન વાતાવરણ, ભારે ઠંડી અને મર્યાદિત બોટનિકલ સર્વેના કારણે ઘણી અજાણી અને દુર્લભ પ્રજાતિઓ વર્ષોથી છુપાયેલી રહી છે. સંશોધકોનું કહેવું છે કે જો આ ફૂલ 158 વર્ષ પછી મળી શકતું હોય, તો રેકોર્ડ પર લુપ્ત અથવા દુર્લભ માની લેવામાં આવેલી અન્ય ઘણી હિમાલયી વનસ્પતિઓ પણ હજુ જીવંત હોઈ શકે છે, જેમના માટે નવેસરથી શોધખોળ કરવાની જરૂર છે. ફૂલની અત્યંત મર્યાદિત સંખ્યાને જોતા, તેને ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરના માપદંડો હેઠળ ભારતમાં ‘લુપ્તપ્રાય’કેટેગરીમાં રાખવાની મજબૂત ભલામણ કરવામાં આવી છે.

હવે આગળનો પ્લાન શું છે?

પર્યાવરણવિદોના મતે, આ દુર્લભ છોડને માત્ર શોધી કાઢવો એ તો પહેલું પગથિયું છે. તેને જંગલો અને પહાડોમાં કાયમ માટે બચાવી રાખવા માટે આ છોડ કયા વાતાવરણમાં અને કેવી રીતે ટકે છે તેનો વિગતવાર અભ્યાસ કરવો. હાલમાં હિમાલયમાં આવા કેટલા છોડ બચ્યા છે તેની ચોક્કસ ગણતરી અને દેખરેખ રાખવી. પેઢીઓથી કુદરતી આઈસોલેશનમાં બચેલી આ વનસ્પતિઓ પ્રાણીઓ કે માનવીય દખલગીરીના કારણે નાશ ન પામે તે માટે તે આખા ઝોનને પ્રોટેક્ટેડ જાહેર કરવો.

Most Popular

To Top