National

હોર્મુઝ સ્ટ્રેટના ટેન્શન વચ્ચે ક્રૂડ ઓઇલની ખરીદી પર ભારતની ઢાળ બન્યુ રશિયા, એક મહિનામાં ખરીદીનો બન્યો રેકોર્ડ

ઇરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના સપ્લાય અને ભાવોને લઈને ચિંતા વધી છે, પરંતુ ભારતે આ દરમિયાન રશિયા સાથે મળીને એક મજબૂત અને અલગ વ્યુહરચના અપનાવી છે. જૂન 2026માં ભારતે રશિયા પાસેથી રેકોર્ડબ્રેક માત્રામાં કાચું તેલ ખરીદ્યું છે. જો કે, રસપ્રદ વાત એ છે કે ભારતને વધુ તેલ વેચવા છતાં આંતરરાષ્ટ્રીય બજારના સમીકરણોને કારણે રશિયાની કમાણીમાં ઘટાડો નોંધાયો છે.

જૂન 2026માં આયાતના મુખ્ય આંકડા

રિપોર્ટ અનુસાર, ભારતે જૂન મહિનામાં રશિયા પાસેથી તેલ ખરીદીના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે:

  • 34%નો મોટો ઉછાળો: મે મહિનાની સરખામણીએ જૂન મહિનામાં ભારતની રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં 34% નો જંગી વધારો થયો છે.
  • 4.5 અબજ યુરોની ખરીદી: ભારતે જૂન મહિનામાં રશિયા પાસેથી આશરે 4.5 અબજ યુરોનું માત્ર કાચું તેલ ખરીદ્યું હતું.
  • બીજો સૌથી મોટો ખરીદદાર: રશિયા પાસેથી કુલ Fossil Fuelsની આયાત 5.5 અબજ યુરો રહી, જેમાં 83% હિસ્સો માત્ર ક્રૂડ ઓઇલનો હતો. આ ખરીદી સાથે ભારત હવે ચીન પછી રશિયા પાસેથી ઇંધણ ખરીદનારો દુનિયાનો બીજા નંબરનો સૌથી મોટો દેશ બની ગયો છે.

ભારતની આ દિગ્ગજ રિફાઇનરીઓએ વધારી ખરીદી

ભારતની સરકારી અને ખાનગી બંને ક્ષેત્રની મોટી રિફાઇનરી કંપનીઓએ રશિયાથી આવતા ઓઇલ સપ્લાયમાં મોટો વધારો કર્યો છે:

રિફાઇનરી કંપનીપ્લાન્ટ લોકેશનઆયાતમાં થયેલો વધારો (%)
Reliance Industriesજામનગર રિફાઇનરી (ગુજરાત)150%
Indian Oil Corporation (IOC)પારાદીપ રિફાઇનરી126%
BPCLકોચ્ચિ રિફાઇનરી83%
Nayara Energyવાડિનાર રિફાઇનરી (ગુજરાત)45%

વધુ વેચાણ છતાં રશિયાની કમાણી કેમ ઘટી?

જૂન મહિનામાં રશિયાનું વૈશ્વિક ક્રૂડ ઓઇલ નિકાસ 14% વધ્યું હતું, પરંતુ તેમ છતાં તેની કમાણીમાં 8%નો ઘટાડો થયો છે. હવે રશિયાની તેલમાંથી થતી આવક ઘટીને 348 મિલિયન યુરો પ્રતિ દિવસ થઈ ગઈ છે. આની પાછળનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં આવેલો ઘટાડો છે.

ભારતે પ્રતિબંધિત દેશોને કર્યું એક્સપોર્ટ

આ રિપોર્ટનો સૌથી રસપ્રદ વાત એ છે કે ભારત માત્ર રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઇલ ખરીદી જ નથી રહ્યું, પરંતુ આપણી રિફાઇનરીઓ તે તેલને શુદ્ધ કરીને પેટ્રોકેમિકલ પ્રોડક્ટ્સ અને પેટ્રોલ-ડીઝલના રૂપમાં અન્ય દેશોમાં નિકાસ પણ કરી રહી છે. ભારત, તુર્કીયે, બ્રુનેઈ અને જ્યોર્જિયા જેવા દેશો રશિયન ઓઇલમાંથી બનેલી પ્રોડક્ટ્સ એવા દેશોને વેચી રહ્યા છે જેમણે યુક્રેન યુદ્ધના કારણે રશિયા પર આકરા આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. આ ખરીદદારોમાં યુરોપિયન યુનિયન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા શક્તિશાળી દેશો સામેલ છે. આમ, ભારત વૈશ્વિક એનર્જી માર્કેટમાં એક મહત્વના હબ તરીકે ઉભરી આવ્યું છે.

Most Popular

To Top