એક ચિત્રકાર હતા. બહુ જ સુંદર ચિત્રો તેઓ દોરતા અને તેમનાં ચિત્રો ખૂબ જ જલ્દી વેચાઈ જતાં હતાં અને તેમની ખ્યાતિ દિવસે દિવસે વધતી જતી હતી. આ ચિત્રકારની ચિત્ર દોરવાની રીત અનોખી હતી. તેઓ પોતાની કાર્યશાળામાં ચિત્ર દોરવા પહેલાં ખાલી કેનવાસને સ્ટેન્ડ પર ગોઠવી દેતા અને કલાકો સુધી તેને જોયા કરતા. ખાલી કેનવાસ સાથે જાણે કોઈ સંબંધ બાંધતા હોય કે વાતો કરતા હોય તેમ કેનવાસ સામે જોતા રહેતા અને પછી જે કંઈ પ્રેરણા મળે તે પ્રમાણે ચિત્ર શરૂ કરતા. કોઈ પૂછતું કે આમ ખાલી કેનવાસને જોતાં રહેવાનું કારણ શું? તો તેઓ હસતા અને જણાવતા, ‘કેનવાસ મારી સાથે વાત કરે છે અને મને પ્રેરણા આપે છે કે તે શું બનવા માંગે છે અને તે જાણ્યા બાદ હું ચિત્ર દોરવાની શરૂઆત કરું છું.’
ઘણાને આ રીત અને જવાબ વિચિત્ર લાગતો કે કેનવાસ શું વાતો કરે? એક વખત લગભગ ત્રણ દિવસ થયા ચિત્રકાર ખાલી કેનવાસને જ જોઈ રહ્યા હતા.ત્રણ દિવસથી તેમને પીંછી હાથમાં પકડી ન હતી. ચિત્રકારનાં ચિત્રોનું વેચાણ સંભાળતા મેનેજરે કહ્યું, ‘સાહેબ, તમે હજુ સુધી કેમ કંઈ દોર્યું નથી?’ ચિત્રકારે કહ્યું, ‘હું હજુ કેનવાસને સાંભળી રહ્યો છું. તે શું બનવા માંગે છે તે હજુ સ્પષ્ટ થતું નથી. મને સમજ પડશે પછી જ ચિત્ર દોરવાની શરૂઆત કરીશ.’ આ વાત વાંચીને અને સાંભળીને વિચિત્ર લાગે, કોઈ કલ્પનાશીલ કલાકારની વિચિત્ર રીતભાત લાગે પણ આ રીત વિચિત્ર નથી પણ આપણે બધાએ જીવનમાં અપનાવવા જેવી છે.
જીવનમાં રોજ સવારે કંઈ પણ કામ શરૂ કરતાં પહેલાં મનને પૂછો, કંઈ પણ બોલતાં પહેલાં મન અને મગજને પૂછો, કંઈ લખતાં પહેલાં ખાલી કાગળને પૂછો, શું કરવું છે અને શું બનવું છે તે અરીસામાં જોઇને ખુદને પૂછો, જરા શાંત મને કંઈ પણ કરવા પહેલાં ઊંડો વિચાર કરો અને સમજી વિચારીને મનના ઝીણા અવાજને સાંભળીને અનુસરો. ચિત્રકાર જેમ કેનવાસ પાસેથી જાણવા માંગે છે કે તે શું બનવા માંગે છે તેમ તમે પણ તન અને મનની વાતોને જાણીને જીવનના કેનવાસમાં રંગો પૂરો તો જીવન ચિત્ર સુંદર બનશે જે તમને અને બધાને ગમશે. જીવનમાં દરેક પગલે જાગ્રત રહીને શાંત મને ઊંડો વિચાર કરીને જ આગળ પગલું લેવું જરૂરી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે