Vadodara

રાજસ્થાનના ગંગાનગરમાં ૩૨ નરાધમો દ્વારા સગીરા પર દુષ્કર્મ, વડોદરામાં વાલ્મિકી સમાજનો આક્રોશ

દૂષિતોને ફાંસી આપો અથવા એન્કાઉન્ટર કરો’, કલેક્ટર કચેરીએ આવેદનપત્ર

(પ્રતિનિધિ), વડોદરા. તા.૯

વડોદરા :- રાજસ્થાનના ગંગાનગરમાં ૧૩ વર્ષની માસૂમ સગીરા સાથે ૩૨ જેટલા નરાધમો દ્વારા આચરવામાં આવેલા અત્યંત ઘૃણાસ્પદ અને સામૂહિક દુષ્કર્મની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ અમાનવીય ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો વડોદરામાં પણ જોવા મળ્યા છે, જ્યાં આજે વાલ્મિકી સમાજ દ્વારા દિવાળીપુરા સ્થિત નવીન કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

આજ રોજ વડોદરાના સંવાદ ક્વાર્ટર્સ વિસ્તારમાંથી વાલ્મિકી સમાજના અગ્રણીઓ અને સ્થાનિકોએ એકત્રિત થઈને કલેક્ટર કચેરી ખાતે પહોંચી સૂત્રોચ્ચાર કર્યા હતા. આવેદનપત્ર સુપરત કરતા સમાજના આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં માંગ કરી હતી કે, પીડિતા સાથે આ જઘન્ય અપરાધ કરનારા તમામ ૩૨ આરોપીઓને ફાંસીની સજા થવી જોઈએ અથવા પોલીસ દ્વારા તેમનું એન્કાઉન્ટર કરવામાં આવે, જેથી સમાજમાં દાખલો બેસે અને ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરે. આ ઉપરાંત, આ સમગ્ર કેસને ‘ફાસ્ટ ટ્રેક કોર્ટ’માં ચલાવીને ઝડપી ન્યાય આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી.

માત્ર રાજસ્થાનની ઘટના જ નહીં, પરંતુ વડોદરાના છાણી વિસ્તારમાં તાજેતરમાં બનેલી દુષ્કર્મની ઘટના અંગે પણ સમાજના લોકોએ ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. મહિલાઓ અને બાળકીઓ પર વધતા જતા અત્યાચારો અંગે રોષ ઠાલવતા આગેવાનોએ જણાવ્યું હતું કે, દિન-પ્રતિદિન મહિલાઓની સુરક્ષા જોખમાઈ રહી છે. જો સરકાર અને કાનૂની તંત્ર હવે કડક પગલાં નહીં ભરે, તો પરિસ્થિતિ વધુ વણસશે.

કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયેલા લોકોમાં આ ઘટનાને લઈને ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ‘પીડિતાને ન્યાય આપો’, ‘આરોપીઓને ફાંસી આપો’ જેવા સૂત્રોથી કલેક્ટર કચેરીનો પરિસર ગુંજી ઉઠ્યો હતો. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને સમાજે આ મામલે સરકાર દ્વારા સત્વરે કાર્યવાહી કરવાની આશા વ્યક્ત કરી છે.

Most Popular

To Top