National

વિદેશ પ્રધાન એસ. જયશંકર 6 દેશોના પ્રવાસે, જાણો શું છે ભારતના મિશનનો અસલી એજન્ડા

ભારતના વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકર આજથી 15 જુલાઈ સુધી 6 દેશોના મહત્વપૂર્ણ સત્તાવાર પ્રવાસે રવાના થયા છે. આ 11 દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ કતાર, બહેરીન, કુવૈત, ઓમાન, અમેરિકા અને બેલ્જિયમની મુલાકાત લેશે. ભારતના વિદેશ મંત્રાલય (MEA) મુજબ, આ પ્રવાસનો મુખ્ય હેતુ ખાડી દેશો સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની સ્થિતિ વધુ મજબૂત કરવાની અને યુરોપિયન યુનિયન સાથે વેપાર તેમજ ટેકનોલોજી ક્ષેત્રે સહયોગ વધારવાનો છે. પ્રવાસના પ્રથમ તબક્કામાં 5થી 10 જુલાઈ દરમિયાન ડૉ. જયશંકર કતાર, બહેરીન, કુવૈત અને ઓમાનની મુલાકાત લેશે. આ ચારેય દેશો ભારતના મહત્વના વ્યૂહાત્મક અને આર્થિક ભાગીદાર છે. અહીં તેઓ પોતાના સમકક્ષ વિદેશ મંત્રીઓ ઉપરાંત ઉચ્ચ સ્તરીય નેતાઓ સાથે બેઠક કરશે.

આ મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સંબંધો, વેપાર, રોકાણ, ઊર્જા સુરક્ષા, પ્રાદેશિક શાંતિ અને બંને દેશોના હિત સાથે જોડાયેલા અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે. ખાડી દેશોમાં લાખો ભારતીયો રહે છે અને કામ કરે છે, તેથી તેમની સુરક્ષા અને કલ્યાણ પણ ચર્ચાના મુખ્ય મુદ્દાઓમાં સામેલ રહેશે. પ્રવાસના બીજા તબક્કામાં 13 જુલાઈએ વિદેશ પ્રધાન અમેરિકા પહોંચશે. ન્યૂયોર્કમાં તેઓ સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે ભારતના મહત્વપૂર્ણ અભિયાનની શરૂઆત કરશે. ભારત વર્ષ 2028-29 માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના અસ્થાયી સભ્યપદ માટે ઉમેદવારી કરી રહ્યું છે. આ અભિયાન દ્વારા ભારત વિશ્વના વિવિધ દેશોનો સમર્થન મેળવવાનો પ્રયાસ કરશે. ભારત લાંબા સમયથી સંયુક્ત રાષ્ટ્રમાં વધુ સશક્ત ભૂમિકા ભજવવા અને સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદની માંગ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં આ અભિયાન ભારત માટે રાજદ્વારી દૃષ્ટિએ ખૂબ મહત્વનું માનવામાં આવે છે.

ત્યારબાદ 14 અને 15 જુલાઈએ ડૉ. જયશંકર બેલ્જિયમના બ્રસેલ્સ શહેરમાં યોજાનારી ત્રીજી ભારત-યુરોપિયન યુનિયન ટ્રેડ એન્ડ ટેક્નોલોજી કાઉન્સિલ (TTC)ની બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં વેપાર, આધુનિક ટેકનોલોજી, ડિજિટલ સહયોગ, સપ્લાય ચેઇન, કૃત્રિમ બુદ્ધિમત્તા (AI), સેમિકન્ડક્ટર અને ગ્રીન એનર્જી જેવા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે. આ બેઠકમાં વિદેશ પ્રધાન ઉપરાંત કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ અને રેલવે તેમજ માહિતી પ્રૌદ્યોગિકી પ્રધાન અશ્વિની વૈષ્ણવ પણ હાજર રહેશે. ત્રણેય કેન્દ્રીય મંત્રીઓ યુરોપિયન યુનિયનના પ્રતિનિધિઓ સાથે વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા કરશે. કેન્દ્રિય પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું છે કે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે તાજેતરમાં થયેલા મુક્ત વેપાર કરાર (FTA)ને વધુ મજબૂત બનાવવા માટે આ બેઠક મહત્વપૂર્ણ રહેશે. વેપાર ઉપરાંત નવી ટેકનોલોજી, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંશોધન ક્ષેત્રે પણ બંને પક્ષો વચ્ચે સહકાર વધારવાના પ્રયાસો કરવામાં આવશે.

નિષ્ણાતોનું માનવું છે કે આ સમગ્ર પ્રવાસ માત્ર ઔપચારિક મુલાકાતો પૂરતો સીમિત નથી. વૈશ્વિક સ્તરે ઝડપથી બદલાતા રાજકીય અને આર્થિક માહોલ વચ્ચે ભારત પોતાની રાજદ્વારી, વેપાર અને ટેકનોલોજી ક્ષેત્રની ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે સક્રિય પ્રયાસ કરી રહ્યું છે. ખાડી દેશો સાથે ભારતના ઊર્જા અને વેપાર સંબંધો પહેલેથી જ મજબૂત છે, જ્યારે અમેરિકા અને યુરોપિયન યુનિયન સાથે ટેકનોલોજી, રોકાણ અને વૈશ્વિક સુરક્ષા જેવા ક્ષેત્રોમાં સહયોગ સતત વધી રહ્યો છે. આવી સ્થિતિમાં ડૉ. એસ. જયશંકરનો આ પ્રવાસ ભારતની વિદેશ નીતિ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં આ બેઠકોમાંથી કયા નવા કરારો થાય છે, ભારતને UNSC સભ્યપદ માટે કેટલું આંતરરાષ્ટ્રીય સમર્થન મળે છે અને યુરોપિયન યુનિયન સાથે વેપાર તથા ટેકનોલોજી ક્ષેત્રે શું પ્રગતિ થાય છે, તેના પર દેશ અને દુનિયાની નજર રહેશે.

Most Popular

To Top