મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની તબિયત અચાનક બગડતા તેમને થાણેની ખાનગી જ્યુપિટર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છેલ્લા એક દિવસથી તેમને તાવ, શરીરમાં દુખાવો અને ભારે અશક્તિની ફરિયાદ હતી. ડોક્ટરોની સલાહ બાદ સાવચેતીના ભાગરૂપે તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું છે અને નિષ્ણાત ડોક્ટરોની ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. મળતી માહિતી મુજબ, એકનાથ શિંદેને ગઈકાલથી સતત હળવો તાવ, શરીરમાં દુખાવો અને થાકનો અનુભવ થઈ રહ્યો હતો. શરૂઆતમાં આરામ અને દવાઓ દ્વારા સારવાર આપવામાં આવી હતી, પરંતુ તબિયતમાં ખાસ સુધારો ન દેખાતા તેમને વધુ તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. હાલ હોસ્પિટલમાં તેમના વિવિધ મેડિકલ ટેસ્ટ અને નિયમિત હેલ્થ ચેકઅપ કરવામાં આવી રહ્યા છે. ડોક્ટરો તેમની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને જરૂરી સારવાર આપી રહ્યા છે.
પ્રાથમિક માહિતી અનુસાર, તેમની સ્થિતિ ચિંતાજનક નથી અને તેઓ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે. તબિયતને ધ્યાનમાં રાખીને એકનાથ શિંદેના આગામી તમામ જાહેર કાર્યક્રમો અને સત્તાવાર બેઠકો હાલ માટે રદ અથવા મુલતવી રાખવામાં આવ્યા છે. ડોક્ટરોએ તેમને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. તાજેતરમાં જ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના છ લોકસભા સાંસદોએ પક્ષ છોડીને એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનામાં જોડાતા રાજ્યના રાજકારણમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. આ ઘટનાક્રમ બાદ એકનાથ શિંદેએ જાહેરમાં કહ્યું હતું કે, “અમે કોઈપણ ઓપરેશન અધૂરું છોડતા નથી. આજે એક નહીં, પરંતુ છ સાંસદો અમારી સાથે જોડાયા છે. તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ તેઓ સત્તાવાર રીતે અમારી પાર્ટીમાં સામેલ થયા છે.” તેમના આ નિવેદન બાદ રાજકીય માહોલ વધુ ગરમાયો હતો. શિંદે હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેમના સમર્થકો અને કાર્યકરોમાં ચિંતા જોવા મળી રહી છે. જોકે, હોસ્પિટલ તરફથી જણાવવામાં આવ્યું છે કે તેમની તબિયત હાલ સ્થિર છે અને સારવારને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આગામી એક-બે દિવસ સુધી ડોક્ટરો તેમની તબિયત પર નજર રાખશે અને ત્યારબાદ ડિસ્ચાર્જ અંગે નિર્ણય લેવામાં આવશે.