Vadodara

તરસાલી શાક માર્કેટ પાસે ડમ્પરનો આતંક,બેફામ ડમ્પરે બાઈકસવારને અડફેટે લેતા માંડ બચ્યો

( પ્રતિનિધિ )વડોદરા,તા.4

વડોદરાના તરસાલી શાક માર્કેટ નજીક આજે બેફામ ડમ્પર ચાલકનો આતંક જોવા મળ્યો હતો. બેફામ ગતિએ દોડતા ડમ્પરે સમોસા લઈ પરત ઘરે જઈ રહેલા બાઈકસવારને અડફેટે લેતા યુવક બચી ગયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ ઘટના સમયે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ડમ્પર ચાલકે અકસ્માત સર્જતા આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે. સ્થાનિકોએ બેફામ ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. શાક માર્કેટ જેવા ભીડભાડવાળા વિસ્તારમાં ભારે વાહનોની બેફામ સ્પીડને લઈને લોકોમાં ભયનો માહોલ છે. આ ઘટના બાદ ટ્રાફિક નિયમોના અમલ અને જવાબદાર તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. વારંવાર બનતી આવી ઘટનાઓ વચ્ચે હવે તંત્ર ક્યારે કડક કાર્યવાહી કરશે તે જોવું રહ્યું. શહેરમાં ભારે વાહનો માટે સમય નક્કી કરવા, સ્પીડ લિમિટ કડક બનાવવા અને નિયમ તોડનાર સામે આકરી કાર્યવાહી કરવા સ્થાનિકોએ માંગ કરી છે. નોંધનીય છે કે, શહેરમાં અગાઉ પણ ડમ્પરોના કારણે અનેક અકસ્માતો સર્જાયા છે. જેમાં કેટલાય નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. છતાં પણ આજદિન સુધી આવા ડમ્પર ચાલકો સામે કોઈ નક્કર પગલાં લેવામાં નહિ આવતા આજે પણ ડમ્પર ચાલકક બેફામ બની નિયમોની ઐસી તૈસી કરી વાહન હંકારી નાગરિકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે.

Most Popular

To Top