Dakshin Gujarat

સુરતમાં 10 કલાકમાં 6 ઈંચ વરસાદ, નવા બનેલા રસ્તા બેસી ગયા, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

દક્ષિણ ગુજરાતમાં સક્રિય બનેલી વરસાદી સિસ્ટમના કારણે સુરત શહેરમાં સોમવાર મધરાતથી મંગળવાર સવારે સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો. અંદાજે 10 કલાકમાં શહેરમાં સરેરાશ 6 ઈંચ જેટલો વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, ટ્રાફિક પર ગંભીર અસર પડી અને કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ગુણવત્તા પર પણ સવાલો ઊભા થયા.

સુરત મહાનગરપાલિકાના વરસાદના આંકડા મુજબ સૌથી વધુ વરસાદ સાઉથ ઝોનમાં નોંધાયો હતો. જ્યારે વરાછા, સેન્ટ્રલ, ઈસ્ટ, વેસ્ટ અને અન્ય ઝોનમાં પણ સતત વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

નવો બનાવેલો 400 મીટરનો રસ્તો વરસાદમાં જ બેસી ગયો
શહેરના પોશ વિસ્તાર ગણાતા મોટા વરાછા વિસ્તારમાં કરોડોના ખર્ચે થોડા સમય પહેલાં તૈયાર કરાયેલો આશરે 400 મીટર લાંબો રસ્તો પ્રથમ જ ભારે વરસાદમાં ધસી ગયો હતો. રસ્તા પર અનેક જગ્યાએ મોટા ખાડા પડી જતાં એક કાર અને ડમ્પર તેમાં ફસાઈ ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ રોડનું કામ યોગ્ય ગુણવત્તાથી કરવામાં આવ્યું ન હોવાથી વરસાદ પડતાં જ રોડ બેસી ગયો હતો. ઘટનાની જાણ થતાં મનપાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની ટીમ સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત ટાળવા માટે રસ્તાને તાત્કાલિક ધોરણે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.

કામગીરી સામે ઉઠ્યા ગંભીર સવાલો
વરસાદ શરૂ થતાં જ નવો રસ્તો ધસી પડવાની ઘટનાએ સુરત મહાનગરપાલિકાની કામગીરી અને કોન્ટ્રાક્ટરની ગુણવત્તા સામે અનેક સવાલો ઉભા કર્યા છે. સ્થાનિકોએ આ સમગ્ર મામલે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. લોકોનું કહેવું છે કે કરોડો રૂપિયાના જાહેર નાણાં ખર્ચાયા છતાં રસ્તો પ્રથમ વરસાદ પણ સહન કરી શક્યો નથી.

વરસાદે અપાવી ગરમીમાંથી રાહત
છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી ભારે ગરમી અને ઉકળાટ બાદ ધોધમાર વરસાદને કારણે શહેરના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. જોકે સતત વરસાદને કારણે અનેક માર્ગો પર ટ્રાફિક જામ સર્જાયો હતો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી હતી.

આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી
ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં આગામી ચારથી પાંચ દિવસ હળવાથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.

Most Popular

To Top