ભૂરાજકીય રીતે અમેરિકાની તરફદારી કરવાને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને એક પછી એક ફટકાઓ પડી રહ્યા છે. ઈઝરાયેલ, અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં ભારતે ઈરાનથી વિરુદ્ધ વલણ અખત્યાર કર્યું તેને કારણે ઈરાનનું ચાબહાર બંદર ભારતના હાથમાંથી ઝૂંટવાઈ ગયું હતું, જેનો વિકાસ કરવા પાછળ ભારતે અબજો ડોલરનું આંધણ કર્યું હતું. હવે બાંગ્લા દેશ સાથે ભારતના કથળેલા સંબંધોને કારણે બાંગ્લા દેશનું મોંગલા બંદર ભારતના હાથમાંથી ઝૂંટવાઈને ચીનના ખોળામાં ચાલ્યું ગયું છે.
ભારતે બાંગ્લા દેશનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાને આશરો આપ્યો તેની આકરી કિંમત ભારત ચૂકવી રહ્યું છે. મોંગલા બાંગ્લા દેશનું બીજું સૌથી મોટું દરિયાઈ બંદર છે, જ્યાં ચીન આર્થિક ક્ષેત્ર બનાવવાની યોજના બનાવી રહ્યું છે. આ બંદર ચીનને બદલે ભારતને આપવાની યોજના હતી. જો કે, ૨૦૨૫ માં મુહમ્મદ યુનુસની વચગાળાની સરકારે તેને ભારતની યાદીમાંથી દૂર કરી દીધું હતું. એવું માનવામાં આવે છે કે આ બંદરને પ્રાપ્ત કરવાથી બંગાળની ખાડી અને હિંદ મહાસાગરના પ્રદેશોમાં ચીનની હાજરી વધુ મજબૂત થઈ શકે છે. ચીને પાકિસ્તાનના ગ્વાદરથી લઈને આફ્રિકાના જીબુટી સુધીનાં અનેક બંદરોમાં રોકાણ કરી દીધું છે.
બાંગ્લા દેશના અખબાર ધ બિઝનેસ સ્ટાન્ડર્ડે અહેવાલ આપ્યો છે કે બાંગ્લાદેશે મોંગલામાં આર્થિક ક્ષેત્ર બનાવવા માટે ચીનની સરકારી કંપની સાથે કરાર કર્યો છે. બાંગ્લા દેશ ઇકોનોમિક ઝોન્સ ઓથોરિટી (BEZA) એ ૨૫ જૂનના રોજ બેઇજિંગમાં ચાઇના સિવિલ એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર હેઠળ મોંગલા પોર્ટ ઇકોનોમિક ઝોન બાગેરહાટ જિલ્લામાં મોંગલા પોર્ટ નજીક ૧૧૦ એકર જમીન પર બનાવવામાં આવશે. આ જમીન અગાઉ ભારતીય આર્થિક ક્ષેત્ર માટે નિયુક્ત કરવામાં આવી હતી, જે ૨૦૧૫ માં બંને દેશો વચ્ચે શરૂ કરાયેલી પહેલ હતી.
મોંગલા બંદર કોલકાતાની નજીક છે, જેનાથી કાર્ગો પરિવહનનો સમય ઓછો થશે અને વેપાર ઝડપી બને તેમ હતું. પાછળથી આ પ્રોજેક્ટ ભારતના હાથમાંથી સરકી ગયો હતો. BEZA એ દાવો કર્યો હતો કે ભારત દ્વારા પસંદ કરાયેલ ડેવલપર નિર્ધારિત સમયમાં કામ શરૂ કરવામાં નિષ્ફળ ગયો હતો, જેના કારણે ઓક્ટોબર ૨૦૨૫ માં વચગાળાની સરકારે પ્રોજેક્ટને યાદીમાંથી દૂર કર્યો હતો. ઢાકા સ્થિત ચીની દૂતાવાસે અગાઉ જૂન ૨૦૨૫ માં આ જ સ્થળે ચીની આર્થિક ક્ષેત્ર સ્થાપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યાર બાદ, મુહમ્મદ યુનુસની વચગાળાની સરકારે ભારતીય પ્રોજેક્ટને ઔપચારિક રીતે યાદીમાંથી દૂર કર્યો હતો.
ચીની રોકાણકારો મોંગલા ઇકોનોમિક ઝોનમાં મોટા ઉદ્યોગો સ્થાપવામાં રસ દાખવી રહ્યા છે. ચીની રોકાણકારો ટેલિકોમ અને ઇલેક્ટ્રોનિક્સ જેવાં ક્ષેત્રોમાં ફેક્ટરીઓ સ્થાપવા માંગે છે અને વેરહાઉસ બનાવવામાં પણ રસ ધરાવે છે. બાંગ્લા દેશમાં ભારતનાં ભૂતપૂર્વ હાઈ કમિશનર વીણા સિકરીએ જણાવ્યું હતું કે જો ચીન અને બાંગ્લા દેશ વચ્ચેના તાજેતરના સંયુક્ત નિવેદનની સરખામણી જૂન ૨૦૨૪ માં પ્રધાનમંત્રી શેખ હસીનાની ભારત મુલાકાત દરમિયાન જારી કરાયેલા સંયુક્ત નિવેદન સાથે કરવામાં આવે તો તફાવત સ્પષ્ટપણે દેખાય છે. ૨૦૨૪ ના નિવેદનમાં ભારતને મોંગલા બંદર અને તિસ્તા જળ વ્યવસ્થાપન પ્રોજેક્ટના આધુનિકીકરણની જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ હવે મોંગલા પ્રોજેક્ટ ચીનને સોંપવો એ એક મોટો ફેરફાર છે.
મોંગલા પોર્ટ ટર્મિનલનું સંચાલન કરવાથી ભારતની વેપાર જોડાણ અને પ્રાદેશિક પ્રભાવ નોંધપાત્ર રીતે મજબૂત થઈ શકે તેમ છે. ૨૦૧૮ માં બાંગ્લા દેશે ભારતને પરિવહન અને કાર્ગો શિપિંગ માટે ચિત્તાગોંગ અને મોંગલા બંને બંદરો સુધી સંપૂર્ણ પ્રવેશ આપ્યો હતો. આ પગલાંથી દ્વિપક્ષીય વેપારને મોટો વેગ મળ્યો હતો. ચીની કંપનીઓ હિંદ મહાસાગર ક્ષેત્રમાં ૧૭ બંદરોમાં સામેલ છે. તેમણે આમાંથી ૧૩ બંદરોના નિર્માણમાં ભૂમિકા ભજવી છે અને આઠ બંદરોમાં તેમનો હિસ્સો છે.
આ ક્ષેત્રમાં તેની હાજરી જાળવી રાખવી ચીન માટે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તેની લગભગ ૮૦ ટકા ઊર્જા આયાત હિંદ મહાસાગરમાંથી પસાર થાય છે. બાંગ્લા દેશ ૨૦૧૬ માં ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટમાં જોડાયું હતું. તેનો ઉદ્દેશ ચીનનાં નાણાંકીય સંસાધનોનો ઉપયોગ કરીને તેની માળખાગત સુવિધાઓને મજબૂત બનાવવાનો હતો. ચીન બાંગ્લા દેશમાં એક મુખ્ય રોકાણકાર રહ્યું છે. તેના મુખ્ય પ્રોજેક્ટોમાં ચિત્તાગોંગમાં ૭૫૦ એકરના ઔદ્યોગિક પાર્કનો વિકાસ અને ચિત્તાગોંગ બંદર પર સિંગલ-પોઇન્ટ મૂરિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, ચીન અને બાંગ્લા દેશ ચિત્તાગોંગમાં સંયુક્ત રીતે આર્થિક અને ઔદ્યોગિક ક્ષેત્ર વિકસાવવા સંમત થયા છે. ચીને તિસ્તા નદીના સંચાલનમાં પણ મદદ કરવાનું વચન આપ્યું છે. તિસ્તા નદીના સંચાલન અંગે પણ ભારતમાં ચિંતાઓ છે. આ નદી ભારતીય સરહદ અને ઉત્તરપૂર્વીય રાજ્યોની નજીક વહે છે. આ મુદ્દામાં ચીનની સંડોવણી ભારત માટે સુરક્ષા ચિંતા માનવામાં આવે છે. બાંગ્લા દેશનાં વડાં પ્રધાન કાર્યાલયના પ્રવક્તા મહદી અમીને જણાવ્યું હતું કે બંને નેતાઓ વચ્ચેની બેઠકમાં તિસ્તા નદીનું સંચાલન એક મુખ્ય મુદ્દો હતો. ચીને આ પ્રોજેક્ટ માટે ટેકનિકલ સહાય પૂરી પાડવા અને શક્યતા અભ્યાસ હાથ ધરવામાં રસ દર્શાવ્યો છે.
વીણા સિકરી કહે છે કે ૨૦૨૪ના સંયુક્ત નિવેદનમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે બાંગ્લા દેશ બાજુ તિસ્તા જળ વ્યવસ્થાપન પ્રોજેક્ટ ભારતના સહયોગથી પૂર્ણ થશે. આવી સ્થિતિમાં આ ક્ષેત્રમાં ચીનનો સમાવેશ ભારતના સુરક્ષા દૃષ્ટિકોણથી જોખમ માનવામાં આવે છે. ભારતે બાંગ્લા દેશ સરકારને આ વાત પહેલાથી જ સમજાવી દીધી છે. તેમનું કહેવું છે કે વડા પ્રધાન તારિક રહેમાન મુહમ્મદ યુનુસ સરકાર દ્વારા કરવામાં આવેલા ફેરફારોને આગળ ધપાવી રહ્યા છે, પરંતુ આ પગલું ભારત-બાંગ્લા દેશ વચ્ચેની મિત્રતાને મજબૂત બનાવવાનાં તેમના વચનને પૂર્ણ કરતું નથી. તિસ્તાના સંચાલન અંગે ચીન-બાંગ્લા દેશ કરાર ભારત માટે આશ્ચર્યજનક છે. ભારત સરકાર આ સમગ્ર ઘટના પર નજીકથી નજર રાખી રહ્યું છે, કારણ કે તે વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ સિલિગુડી કોરિડોર (ચિકન નેક) ની નજીક છે. તે ભારતનાં પૂર્વોત્તર રાજ્યોને બાકીના ભારત સાથે જોડે છે. અહીં ચીનની એન્જિનિયરિંગ પ્રવૃત્તિઓ ભારતના સુરક્ષા દૃષ્ટિકોણથી જોખમી છે.
બાંગ્લા દેશ સેના દ્વારા તાજેતરમાં ખરીદાયેલાં તમામ શસ્ત્રોમાંથી ૭૦ ટકા ચીન પાસેથી ખરીદવામાં આવ્યાં હતાં. આ નિર્ણય શેખ હસીનાને ઉથલાવી પાડ્યા પછી રચાયેલી મુહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકારે લીધો હતો. આ સરકારે ચીન સાથે સંબંધો સુધારવા માટે અનેક કરાર કર્યા હતા, જેમાં શસ્ત્રોની ખરીદીનો પણ સમાવેશ થાય છે. બાંગ્લા દેશે તાજેતરમાં ચીન પાસેથી SY-૪૦૦ મિસાઇલ સિસ્ટમ ખરીદવા માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે એક ટૂંકા અંતરની ચોકસાઇવાળી બેલિસ્ટિક મિસાઇલ છે. બાંગ્લા દેશ સેનાને આધુનિક બનાવવાના નામે બાંગ્લા દેશની સરકાર ઝડપથી ચીન પાસેથી શસ્ત્રો ખરીદી રહી છે. થોડા મહિના પહેલાં બાંગ્લા દેશની સરકાર ચીન સાથેના J-૧૦C ફાઇટર જેટ સોદા માટે પણ સમાચારમાં હતી.
બાંગ્લા દેશનો ભારત સાથેનો પહેલો કરાર ૨૫ વર્ષનો મિત્રતા કરાર હતો. ત્યાર બાદ તરત જ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર પર હસ્તાક્ષર થયા હતા. યુદ્ધગ્રસ્ત બાંગ્લાદેશ માટે આ વેપાર કરાર અત્યંત મહત્ત્વપૂર્ણ હતો. ૧૯૭૫ સુધી બંને દેશો વચ્ચે સહયોગ ઝડપથી આગળ વધ્યો હોવાનું કહી શકાય. ૧૯૭૫માં આવામી લીગ સરકારને સત્તા પરથી હાંકી કાઢવામાં આવ્યા પછી ફરાક્કા બેરેજ સહિત અનેક મુદ્દાઓ પર ભારત સાથેના સંબંધો બગડ્યા હતા. હુસૈન મુહમ્મદ ઇર્શાદના શાસનકાળ દરમિયાન દ્વિપક્ષીય સંબંધોમાં પ્રમાણમાં ઓછી વધઘટ જોવા મળી હતી.
૨૦૦૯ માં આવામી લીગ સત્તામાં આવ્યા પછી દ્વિપક્ષીય સંબંધો ફરીથી તંદુરસ્ત થયા હતા. તે સમયગાળા દરમિયાન બંને દેશો વચ્ચેના સહયોગમાં ઘણાં ક્ષેત્રોમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. સત્તા એકીકૃત કરવાના પ્રયાસોમાં અવામી લીગ સરકારે રાજકીય સમર્થન પણ મેળવ્યું હતું. અવામી લીગ સરકારના ગયા પછી ભારત સાથેના સંબંધોમાં સ્પષ્ટ વિશ્વાસનો અભાવ સ્પષ્ટ હતો. હવે મોદી સરકાર બાંગ્લા દેશ સાથેના સંબંધો સુધારવામાં નિષ્ફળ પુરવાર થઈ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.