Vadodara

વોર્ડમાં પંખા બંધ, ટોયલેટમાં પંખા ચાલુ: SSGના અણઘડ વહીવટની પોલ ખુલી

વોર્ડમાં અને ICUમાં AC બંધ થતાં ભાડેથી કૂલર લાવનાર તંત્રની અજીબોગરીબ ગોઠવણથી આશ્ચર્ય

(પ્રતિનિધિ), વડોદરા. તા.૧૮

વડોદરાની સયાજી હોસ્પિટલ અવારનવાર તેની કથળતી વ્યવસ્થાઓ અને અણઘડ વહીવટને કારણે વિવાદોના વમળમાં રહે છે. ક્યારેક દર્દીઓના વોર્ડમાં પંખા બંધ હોવાની બૂમો ઉઠે છે, તો ક્યારેક ગંભીર દર્દીઓ માટેના ICUમાં AC બંધ થઈ જતાં હોસ્પિટલ તંત્રને લાખોના ભાડા ખર્ચીને એર કૂલર લાવવાની નોબત આવે છે. હોસ્પિટલની આવી અગવડો વચ્ચે સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે, જેણે ભારે ચર્ચા જગાવી છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે સયાજી હોસ્પિટલના એક ટોયલેટમાં અંદર ટેબલ પંખો (કેડલ પંખો) મૂકવામાં આવ્યો છે. સામાન્ય રીતે જ્યાં દર્દીઓ ગરમીથી બચવા માટે તરફડી રહ્યા હોય છે, ત્યાં ટોયલેટમાં પંખાની આ વૈભવી વ્યવસ્થા જોઈને લોકો આશ્ચર્ય સાથે તંત્રની બુદ્ધિનું પ્રદર્શન જોઈ રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકો હોસ્પિટલ મેનેજમેન્ટની આકરી ટીકા કરી રહ્યા છે અને સવાલ ઉઠાવી રહ્યા છે કે, જ્યાં પંખાની ખરેખર જરૂર છે ત્યાં કેમ નથી ?

આ ઘટનાએ હોસ્પિટલ તંત્રના આયોજન વગરના અને બેજવાબદાર વહીવટની પોલ ખોલી નાખી છે. કરોડો રૂપિયાની ગ્રાન્ટ મેળવતી આ સરકારી હોસ્પિટલમાં સુવિધાઓનું સરખું વિતરણ કેમ નથી થતું, તે એક મોટો સવાલ છે. એક તરફ ગરીબ દર્દીઓ અસહ્ય ગરમીમાં વોર્ડમાં પંખા રિપેર થવાની રાહ જુએ છે, અને બીજી તરફ ટોયલેટમાં પંખો ગોઠવી દેવાય છે. આ અણઘડ આયોજનને કારણે હવે સયાજી હોસ્પિટલ ફરી એકવાર સમગ્ર રાજ્યમાં ટોક ઓફ ધ ટાઉન બની છે.

Most Popular

To Top